- માતાજીના માંડવામાં દારૂ પી ગાળો બોલવા બાબતે
- બંને પરિવારો હથિયાર વડે એકબીજા પર તુટી પડયા: 14 સામે ગુનો નોંધાયો
લોધિકા તાલુકાના રાવકી માંતાજીના માંડવામાં દારૂ પી આવી ગાળો બોલવા બાબતે કુંટુબી ભાઇઓના બે પરિવાર વચ્ચે ધોકા-પાઇપ અને તલવાર વડે બઘડાટી બોલી હતી. જેમાં બંને પક્ષના મળી મહિલાઓ સહિત આઠ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ અંગે સામસામી ફરિયાદના આધારે પોલીસે 14 શખસો સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, લોધિકા તાલુકાના રાવકી ગામે રહેતા દીપકભાઈ ભીમજીભાઈ બગડા(ઉ.વ 30) દ્વારા લોધિકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા મનસુખ ભીખાભાઈ બગડા, મુકેશ મનસુખભાઈ બગડા, પ્રેમજી ભીખાભાઈ બગડા, રમેશ હીદાભાઈ બગડા, પારૂલબેન મુકેશભાઈ બગડા અને કિશન પ્રેમજીભાઈ બગડાના નામ આપ્યા છે.
યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, સવારના તેના કુટુંબીભાઈ હરેશ બગડા એ માતાજીનો 24 કલાકનો માંડવો રાખ્યો હોય અને ફરિયાદી માતાજીના ભુવા હોય જેથી તેઓ સવારના નવ વાગ્યે માતાજીના માંડવામાં ગયા હતા. માંડવામાં સવારે 11:00 વાગ્યે કુટુંબી રવિ રસિકભાઈ બગડા દારૂ પી પહોંચી ગયો હતો અને અહીં બધાને ગાળો દેવા લાગ્યો હતો જેથી તેને કુટુંબના આગેવાનો દ્વારા સમજાવેલ અને રવિના મોટા બાપુ મનસુખભાઈએ કહ્યું હતું કે ફરી આવું નહીં થાય અને આ બાબતે કુટુંબ દ્વારા સમાધાન પણ થઈ ગયું હતું. બાદમાં રાજુભાઈના ઘરે જમવાનું હોય જેથી કુટુંબીજનો અહીં જમવા ગયા હતા.
દરમિયાન ફરિયાદીના મોટા બાપુનો દીકરો કિશોર લાકડાનો ધોકો લઈ પાછળ થયો હતો અને તેણે હુમલો કરી દીધો હતો બાદમાં રવિ બગડાએ ઉશ્કેરાઈ તલવાર લઈને આવી તેમજ મનસુખ એ પાઇપ સાથે અહીં ધસી આવી યુવાને પાઇપનો ઘા મારી દીધો હતો તેમ જ આંગળીમાં તલવારનો ઘા મારી દીધો હતો આ દરમિયાન વચ્ચે પડતા મનીષભાઈને પાઇપ માર્યો હતો તેમજ ફરિયાદીના પત્ની મધુબેનને પણ પાઈપ ફટકારી દીધો હતો જ્યારે નીતિનભાઈને માથામાં પાઇપનો એક ઘા મારી દીધો હતો બાદમાં 108 મારફત તમામને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.જ્યારે સામાન પક્ષે રાવકીમાં નવા પ્લોટ વિસ્તારમાં રહેતા મુકેશ મનસુખભાઈ બગડા (ઉ.વ 36) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં મુકેશ લાખા બગડા, છગન હમીર બગડા, ગોરા નારણ બગડા, દિપક ખીમજી બગડા, લખમણ દેવા બગડા, જયસુખ છગન બગડા અને લલીત ભલાના નામ આપ્યા છે.
યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, અહીં ગામમાં કુટુંબી ભાઈ રાજુ બગડાએ માતાજીનો માંડવો રાખ્યો હોય જ્યાં કુટુંબી ભાઈ રવિ દારૂ પી આવતા કિશોરભાઈ તેને ગાળો દેવા લાગ્યા હતા જેથી માથાકૂટ થઈ હતી બાદમાં આ બાબતનો ખાર રાખી આરોપીઓએ લાકડી, ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદી તથા તેના પિતા મનસુખભાઈ તેમજ પ્રેમજીભાઈ અને રવિને માર માર્યો હતો જેથી તેમને ઈજા પહોંચી હતી તેમજ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે અંગે પણ પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.