• પ્રવેશની ફાળવણી કરવામાં આવ્યા બાદ વાલીઓને પ્રવેશ ક્ધફર્મ કરાવવા માટે ચાર-પાંચ દિવસનો સમય આપવામાં આવશે

રાજ્યની ખાનગી સ્કૂલોમાં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધોરણ-1માં પ્રવેશ માટે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં હવે સોમવારના રોજ પ્રવેશની ફાળવણી કરવામાં આવશે.

આ વખતે આરટીઈની 43896 જેટલી બેઠકો સામે 2.23 લાખ કરતા વધુ અરજદારોએ ફોર્મ ભર્યા હતા. જેથી હવે આજ રોજ પ્રવેશની ફાળવણી કર્યા બાદ વાલીઓને પ્રવેશ ક્ધફર્મ કરવા માટેનો સમય આપવામાં આવશે. આ મુદ્દત પુર્ણ થયા બાદ આરટીઈની ખાલી પડેલી બેઠકો માટે બીજા રાઉન્ડની જાહેરાત પણ કરવામાં આવે તેવી શક્યતા છે. આ વખતે જૂનમાં સ્કૂલો શરૂ થાય તે પહેલા આરટીઈના તમામ પ્રવેશ પુર્ણ કરી દેવાનું આયોજન કરવામાં આવ્યું છે. આરટીઈ અંતર્ગત ધોરણ-1માં પ્રવેશ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રવશે માટે ખાનગી સ્કૂલોની 25 ટકા બેઠકો પ્રમાણે 43986 જેટલી બેઠકો માટે પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રવેશ કાર્યવાહીમાં ફોર્મ ભરવાની કાર્યવાહી 14 માર્ચથી 1 એપ્રિલ દરમિયાન હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન સમગ્ર રાજ્યમાંથી 235387 જેટલા વાલીઓએ પ્રવેશ માટે ફોર્મ ભર્યા હતા.

ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલુ હતી ત્યારે જ જિલ્લા કક્ષાએ ડોક્યુમેન્ટની ચકાસણી પણ શરૂ કરી દેવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન 20944 જેટલા વિદ્યાર્થીઓની અરજી રિજેક્ટ થઈ હતી અને આ અરજદારોને ખુટતા ડોક્યુમેન્ટ સબમીટ કરવા માટેની મુદ્દત આપવામાં આવી હતી. 4 એપ્રિલથી 6 એપ્રિલ દરમિયાન વાલીઓએ ખુટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હતા. જેથી મુદ્દત પુર્ણ થયા બાદ 8734 જેટલા અરજદારોએ ખુટતા ડોક્યુમેન્ટ સબમીટ કર્યા હતા. આ અરજદારોની અરજીની ફરીથી ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી પુર્ણ થયા બાદ છેલ્લા ત્રણેક દિવસથી આરટીઈનું પોર્ટલ મેન્ટેનન્સની કામગીરીને લઈ બંધ હોવાથી વાલીઓ મુંઝવણમાં મુકાયા છે. જોકે, સોમવારના રોજ પ્રવેશ માટેની ફાળવણી કરવામાં આવનાર હોવાના લીધે પોર્ટલ બંધ હોવાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.