- પોરબંદરમાં મનસુખ માંડવિયા, સુરેન્દ્રનગરમાં ચંદુ શિહોરા આજે અને કાલે રાજકોટમાં પરષોતમ રૂપાલા રેલી યોજી ફોર્મ ભરશે
આજથી ભાજપ, કોંગ્રેસના ઉમેદવારો તબક્કાવાર ઉમેદવારી પત્ર ભરશે. ભાજપના ઉમેદવારો ત્રણ તબક્કામાં ફોર્મ ભરશે. આજે, આવતીકાલે અને 19 એપ્રિલે ફોર્મ ભરશે. આજે પોરબંદર બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા, અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ, ભરૂચથી મનસુખ વસાવા, વલસાડથી ધવલ પટેલ, પંચમહાલથી રાજપાલસિંહ જાધવ, સુરેંદ્રનગરથી ચંદુભાઈ શિહોરા ઉમેદવારી પત્ર ભરશે. દમણ દીવ લોકસભા બેઠકથી લાલુ પટેલ ઉમેદવારી નોંધવાશે.
ફોર્મ ભરતા પહેલા ઉમેદવારો રોડ શો યોજી શક્તિપ્રદર્શન કરશે અને ફોર્મ ભરતી સમયે ઉમેદવારોની સાથે પ્રદેશના દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. કોંગ્રેસના ઉમેદવારો પણ આજથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત કરશે. આજે બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર, સુરેંદ્રનગરથી ઋત્વિક મકવાણા, જામનગરથી જે.પી.મારવિયા અને બારડોલીમાં સિદ્ધાર્થ ચૌધરી ફોર્મ ભરશે.
ભારતીય જનતા પાર્ટીએ લોકસભા અને પેટા ચૂંટણી હેઠળની વિધાનસભા બેઠકો પર સત્તાવાર ઉમેદવારો સામેના વાંધા, વિરોધો, નારાજગીને હાલ પૂરતી કોરાણે મૂકી સોમવારથી અલગ અલગ બેઠકો પર સભાઓ, રોડ શોના માધ્યમથી વિશાળ શક્તિપ્રદર્શનનો ચાર દિવસનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ શક્તિપ્રદર્શનની સાથે જુદા જુદા ઉમેદવારો બુધવારને બાદ કરતાં આજથી શુક્રવાર વચ્ચેના ચાર દિવસમાં ઉમેદવારી પત્રો ભરનાર છે. તમામ ઉમેદવારો બપોરે 12.39 વાગે ફોર્મ ભરશે.ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો અને 5 વિધાનસભાની બેઠકો માટે 7 મેના રોજ ત્રીજા તબક્કામાં મતદાન થવાનુ છે. ભાજપે આ તમામ બેઠકો પર બુથ અને પેજ કમિટીના સ્તરથી લઇને મંડલ સ્તરની સભાઓ થકી પ્રચારની શરૂઆત કરી દીધી છે.
પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જુદી જુદી 26 લોકસભા બેઠકોના બુથ પ્રમુખોના સંમેલનો, મતદાર સંપર્ક અભિયાનોમાં હાજરી આપી ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કર્યો છે. હવે સોમવારથી આ ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવશે અને એની સાથે રોડ શો તથા જાહેરસભાઓ યોજનાર છે. એમાં ગાંધીનગર લોકસભા મતવિસ્તારના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ 18મીએ ગ્રાન્ડ રોડ શો યોજી પ્રથમ વખત પોતાનો પ્રચાર કરશે. એમની સાથે મુખ્યમંત્રી સામેલ થશે. જ્યારે 19મીએ ફોર્મ ભરશે ત્યારે મુખ્યમંત્રી ઉપરાંત પ્રદેશ પ્રમુખ પણ જોડાશે. 18મીએ નવસારીના ઉમેદવાર અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સભા યોજી ફોર્મ ભરશે. જામનગરના ઉમેદવાર પૂનમ માડમ 18મીએ રોડ શો યોજી 19મીએ ફોર્મ ભરવાના છે.
રામનવમીની જાહેર રજાને બાદ કરતાં સોમવારથી શુક્રવારના ચાર દિવસમાં મુખ્યમંત્રી ગાંધીનગર ઉપરાંત આણંદ, નવસારી ખાતે ફોર્મ ભરતી વખતે ઉમેદવાર સાથે ઉપસ્થિત રહેશે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ ગાંધીનગર ઉપરાંત કચ્છ, પોરબંદર, સુરત ખાતે ઉપસ્થિત રહેશે. જ્યારે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા ભાવનગર ખાતે હાજર રહેશે. કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા છોટાઉદેપુર તથા રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા બનાસકાંઠા ખાતે હાજર રહેશે તેમ ભાજપે જાહેર કર્યું છે. આ નેતાઓમાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાને ક્ષત્રિય સમાજના વિરોધને લીધે અન્ય કોઇ લોકસભા કે વિધાનસભા વિસ્તારની જવાબદારી સોંપાઇ નથી.
કોંગ્રેસના 4 ઉમેદવાર ફોર્મ ભરશે
કોંગ્રેસમાં બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા ગેનીબેન ઠાકોર નામાંકન ભરશે. જ્યારે સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા પણ આજે જ ઉમેદવારી પત્ર ભરશે. જામનગરથી જે.પી.મારવિયા અને બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી આજે ઉમેદવારી નોંધાવશે.
ભાજપ આજે કોણ કોણ ફોર્મ ભરશે?
લોકસભા : અમદાવાદ પૂર્વના હસમુખ પટેલ રોડ શો યોજી ફોર્મ ભરવા જશે. સુરેન્દ્રનગરમાં ચંદુ શિહોરા, પોરબંદર મનસુખ માંડવિયા, પંચમહાલ રાજપાલસિંહ જાદવ, વલસાડ ધવલ પટેલ, ભરૂચ મનસુખ વસાવા.
વિધાનસભા : પોરબંદર ખાતે અર્જુન મોઢવાડિયા, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા
કાલે કોણ કોણ ફોર્મ ભરશે ?
લોકસભા: કચ્છ વિનોદ ચાવડા, બનાસકાંઠા ડો. રેખા ચૌધરી, પાટણ ભરતસિંહ ડાભી, મહેસાણા હરિભાઇ પટેલ, સાબરકાંઠા શોભના બારૈયા, અમદાવાદ પશ્ચિમ દિનેશ મકવાણા, રાજકોટ પરશોત્તમ રૂપાલા, જૂનાગઢ રાજેશ ચૂડાસમા, ભાવનગર નીમુબેન બંભાણીયા, આણંદ મિતેશ પટેલ, ખેડા દેઉસિંહ ચૌહાણા, દાહોદ જશવંતસિંહ ભાભોર, વડોદરા હેમાંગ જોશી, છોટાઉદેપુર જશુ રાઠવા, બારડોલી પ્રભુ વસાવા, સુરત મુકેશ દલાલ.
વિધાનસભા : વિજાપુર સી.જે. ચાવડા
18મીએ કોણ ફોર્મ ભરશે ?
લોકસભા : નવસારી સી.આર. પાટીલ, અમરેલી ભરત સુતરીયા
વિધાનસભા : ખંભાત ચિરાગ પટેલ, માણાવદર અરવિંદ લાડાણી.