શું તમારું બાળક પણ તમારાથી દૂર હોય ત્યારે અપસેટ થઇ જાય છે? આને ‘સેપરેશન એન્ઝાઈટી ડિસઓર્ડર’ કહેવાય છે. બાળકોમાં આ એક સામાન્ય સમસ્યા છે જ્યારે તેઓ તેમના માતાપિતાથી અલગ થઈ જાય ત્યારે તેઓ બેચેન થઈ જાય છે.
પરંતુ આજે અમે તમને કેટલીક સરળ રીતો જણાવીશું જેના દ્વારા તમે તમારા બાળકની ચિંતા દૂર કરી શકો છો. જેના કારણે તે જલ્દી સારું અનુભવવા લાગશે. ચાલો જાણીએ શું છે તે ટિપ્સ..
સમજાવો
જો તમે જોબ કરો છો અથવા કોઈ પણ કારણોસર તમારે બહાર જવાનું થતું હોઈ ત્યારે નાના બાળકો તેમના માતા-પિતાથી દુર થઈ જવાના ભયથી ખૂબ ચિંતા અનુભવે છે. તેમને સમજાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે ખૂબ જ જલ્દી પાછા આવી જશો. નાના બાળકોને સમયની જાણ હોતી નથી, તેઓ સમજી નથી શકતા કે તમને પાછા ફરવામાં કેટલો સમય લાગશે. તેથી, તેમને એક સરળ ઉદાહરણ આપો અને સમજાવો કે તમે જલ્દી પાછા આવશો.
એક રૂટીન બનાવો
બાળકો માટે રૂટીન ફોલો કરવું તે શ્રેષ્ઠ છે. તે તેમને સેફ અને આરામદાયક લાગે છે. સૂવાના સમયે તેમને બહાદુરીને લગતી વાર્તા કહો અથવા દરરોજ એમની સાથે ટાઈમ વિતાવવા માટે એક સમય સેટ કરો. જ્યારે બાળકોને ખબર પડે છે કે આ ટાઈમ વાર્તાનો છે, આ સમય રમવાનો છે, શું થવાનું છે એ અગાઉથી જાણીને , તેઓ વધુ ખુશ અને તણાવમુક્ત હોય છે. આ તેમના દિવસને શાંતિપૂર્ણ બનાવે છે, અને તેઓ દરરોજ રૂટીન મુજબ ટેવાઈ જાય છે. આ પ્રકારની રુટીનથી તેમને ઘણી રાહત મળે છે.
એકલતાની આદત પાડો
ધીમે ધીમે તમારા બાળકને અલગ થવાની આદત પાડો. શરૂઆતમાં, તેમને થોડા સમય માટે એકલા રહેવાની આદત પાડો. આ સમયગાળા દરમિયાન, ધીમે ધીમે સમય વધારો. આ બાળકને સમજવામાં મદદ કરશે કે જ્યારે તમે દૂર જાઓ છો, તે માત્ર થોડા સમય માટે જ છે. તે જાણશે કે તમે ચોક્કસપણે પાછા આવશો. આ પદ્ધતિ તેને શીખવામાં મદદ કરશે કે અલગ થવુંએ માત્ર થોડીક ક્ષણો માટે જ છે અને તમે ફરીથી એમની પાસે આવી જશો.
પોઝીટીવ ગુડબાય કહો
જ્યારે પણ તમે ગુડબાય કહો ત્યારે હંમેશા સ્મિત સાથે કહો. તેનાથી તમારા બાળકને લાગશે કે અલગ હોવું એટલું ખરાબ નથી. તે સમજી જશે કે તમે જલ્દી પાછા આવશો અને તેને એકલા છોડીને જવું કોઈ મોટી વાત નથી. આ તેને સકારાત્મક રહેવાનું શીખવે છે.
ધીરજ રાખો
કેટલીકવાર બાળકોને નવી વસ્તુઓ શીખવામાં સમય લાગે છે. આ સમય દરમિયાન તમારે ધીરજ રાખવી જોઈએ. તેમને સતત પ્રેમ અને સપોર્ટ કરો જેથી તેઓ સુરક્ષિત અનુભવી શકે. સમજો કે દરેક બાળક અલગ છે અને તેમને સમય આપવો મહત્વપૂર્ણ છે.