ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ વર્ષે ધો.12 વિજ્ઞાનમાં બે વખત પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી છે. વિજ્ઞાનમાં તમામ વિષયોની બે વખત પરીક્ષા લીધા બાદ આ વિધાર્થીઓને ઇજનેરીના રેગ્યુલર પ્રવેશમાં સમાવવા અનેક પ્રકારની મુશ્કેલી ઉભી થાય તેમ છે. જો કે હાલ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષા લેવાની તૈયારી શરુ કરી દેવામાં આવી છે.
હાલની સ્થિતીમાં ધો 10માં ત્રણ વિષય અને ધો.12 સામાન્ય પ્રવાહમાં બે વિષયમાં નાપાસ થયેલા વિધાર્થીઓ માટે પૂરક પરીક્ષા લેવામાં આવે છે. તો ધો 12 સાયન્સમાં તમામ વિષયોની પરીક્ષા નવેસરથી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સામાન્ય રીતે બોર્ડ દ્વારા જુલાઈ માસમાં પૂરક પરીક્ષા લેવામાં આવતી હોય છે. ચાલુ વર્ષે જૂનમાં પરીક્ષા લેવી પડે તેમ માનવામાં આવી રહ્યું છે. ધો 12 સાયન્સનું પરિણામ જાહેર થયા બાદ રી ચેકીંગની કાર્યવાહી શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ ફરીથી પૂરક પરીક્ષા લેવામાં આવશે.સેન્ટ્રલ બોર્ડ દ્વારા બે વાર પરીક્ષા લેવામાં આવે છે અને જેમાં સારા ગુણ આવ્યા હોય તે ગણવામાં આવે છે.