- સૌથી વધુ ધો.12 સામાન્ય પ્રવાહમાં 226, ધો.10માં 170 અને ધો.12 સાયન્સમાં 14 કેસો નોંધાયા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધો.10 અને 12ની પરીક્ષામાં જુદા જુદા જિલ્લાઓમાં સીસી ટીવી ફૂટેજની ચકાસણી દરમિયાન 400થી વધારે ગેરરીતિના કેસો બહાર આવ્યા હતા. બોર્ડ દ્વારા જિલ્લાઓ પાસેથી પણ સીસી ટીવી ફૂટેજ મગાવવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીઓ ગેરરીતિમાં પકડાયા હોય તેના સીસી ટીવી ખાસ મગાવવામાં આવ્યા છે. ધો.10 અને 12ની રેગ્યુલર પરીક્ષા દરમિયાન જુદા જુદા કેન્દ્રો પરથી ગેરરીતિમાં ઝડપાયેલા વિદ્યાર્થીઓની સંખ્યાની સામે સીસી ટીવી ફૂટેજની ચકાસણીમાં 400થી વધારે વિદ્યાર્થીઓ ઝડપાયા હતા.
તાજેતરમાં બોર્ડ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર મોકલીને એવી તાકીદ કરવામાં આવી હતી કે, માર્ચ 2024માં લેવાયેલી પરીક્ષાઓમાં જિલ્લા કક્ષાએ સમિતિએ સીસી ટીવી ચકાસણી કર્યા બાદ જે વિદ્યાર્થીઓ ગેરરીતિઓ કરતાં ઝડપાયા હતા તેની યાદી મગાવવામાં આવી છે. બોર્ડની પરીક્ષા સમિતિ સમક્ષ રૂબરૂ સુનાવણી દરમિયાન ગેરરીતિમાં ઝડપાયેલા તમામ વિદ્યાર્થીઓની અલગ ઓળખ કરીને સીસી ટીવી ફૂટેજ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેના કારણે આગામી દિવસોમાં બોર્ડ દ્વારા નવેસરથી સીસી ટીવી ફૂટેજની ચકાસણી કરીને જે તે વિદ્યાર્થી પર કરવામાં આવેલા ગેરરીતિના કેસ યોગ્ય છે કે નહી તેની પુન:ચકાસણી કરવામાં આવશે. ધો.10 અને 12માં મળી કુલ 400 ગેરરીતિના કેસો ઝડપાયા હતા. જેમાં સૌથી વધુ ધો.12 સામાન્ય પ્રવાહમાં 226, ધો.10માં 170 અને ધો.12 સાયન્સમાં 14 કેસો નોંધાયા હતા. હવે આગામી દિવસોમાં આ તમામ ફૂટેજની ચકાસમી કર્યા બાદ રૂબરૂ સૂનાવણી કર્યા પછી વિદ્યાર્થીઓની સજા નક્કી કરવામાં આવશે.