- ઓસ્વાલ સેન્ટર ખાતે બુથ કાર્યકર્તા સંમેલન: ચૂસ્ત પોલીસ બંદોબસ્ત
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરસોતમભાઈ રૂપાલાએ રાજા-રજવાડા અંગે કરેલી ટીપ્પણી બાદ રાજયભરમાં ક્ષત્રિય સમાજમાં ભારે રોેષ ફાટી નીકળ્યો છે.છેલ્લા 20 દિવસથી ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગણી સાથે ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન ચલાવવામા આવી રહ્યું છે. ક્ષત્રિયોના વ્યપાક વિરોધ વચ્ચે આજે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ જામનગરના પ્રવાસે છે.ઓસ્વાલ સેન્ટર ખાતે બુથ કાર્યકર્તાઓનાં સંમેલનમાં હાજરી આપી હતી. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
લોકસભાની ચૂંટણી સંદર્ભે ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા દરેક જિલ્લામાં સંગઠનાત્મક પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રોજ તેઓ અલગ અલગ જિલ્લાની મુલાકાત લઈ રહ્યા છે. અને કાર્યકરો તથા પક્ષના આગેવાનો સાથે બેઠક યોજી રહ્યા છે. આજે તેઓ જામનગર શહેરના પ્રવાસે છે સવારે 10.30 કલાકે ઈન્દિરા ગાંધી રોડ પર કામદાર કોલોની પાસે આવેલા ઓસ્વાલ સેન્ટર ખાતે બુથ કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકરોને ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપ્યું હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલાના રાજા-રજવાડા અંગેના નિવેદન બાદ ક્ષત્રીય સમાજમા ભારે રોષ જોવા મળી રહ્યો છે. જામનગરમાં વધુ અસર જોવા મળી રહી છે. ગત સપ્તાહે દેવભૂમિ દ્વારકાના ખંભાળીયામાં ‘દ્વારકેશ’ કમલમના ઉદઘાટન માટે આવેલા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સામે ક્ષત્રીય સમાજના લોકોએ ભારે હંગામો મચાવ્યો હતો. કાળા વાવટા ફરકાવ્યા હતા. અને વ્યાપક સુત્રોચ્ચાર પોકાર્યા હતા. બે દિવસ પૂર્વે પણ જામનગરમાં ક્ષત્રીય સમાજની મહિલાઓ વિરોધ પ્રદર્શન કર્યું હતુ. સ્થિતિ દિન પ્રતિદિન વધુ વિકટ બની રહી છે. આવામાં આજે સી.આર. પાટીલનો જામનગરનો પ્રવાસ મહત્વપૂર્ણ મનાય રહ્યો છે. જામનગર ઉપરાંત આજે પાટીલ સુરતમાં અલગ અલગ ત્રણ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે વાપી અને અમદાવાદની મૂલાકાતે છે.