- રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લીંબુના ભાવ પ્રતિ મણ રૂ.2700 બોલાયા: છૂટક બજારમાં લીંબુના 200 રૂપિયાના ભાવે વેચાણ
કાળઝાળ ઉનાળામાં હૈયાને ટાઢક આપતા લીંબુના ભાવ સતત સળગી રહ્યા છે. એક તરફ ભાવમાં સતત વધારો નોંધાય રહ્યો છે તો બીજી તરફ આવકમાં ઘટાડો નોંધાય રહ્યો હોવાના કારણે આગામી દિવસોમાં ભાવમાં વધારો થવાની શક્યતા દેખાય રહી છે.
ગઈકાલે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 280 ક્વિન્ટલ લીંબુની આવક થવા પામી હતી.ભાવ રૂ.1900 થી લઈ રૂપિયા 2580 રહેવા પામ્યા હતા. દરમ્યાન આજે યાર્ડમાં લીંબુની આવકમાં ઘટાડો નોંધાયો હતો.આજે 276 ક્વિન્ટલ લીંબુની આવક થવા પામી હતી.આવકમાં ઘટાડો થતાં ભાવ ઊંચકાયા હતા આજે લીંબુનો ભાવ 2000 થી લઈ 2700 બોલાયા હતા. લીંબુ પકાવતા ખેડૂતોને મબલખ આવક થઈ રહી છે. બીજી તરફ ઉનાળામાં લીંબુનો ઉપયોગ બહુ મોટી માત્રામાં થઈ રહ્યો હોવાના કારણે ભાવમાં વધારો નોંધાય રહ્યો છે.યાર્ડમાં લીંબુના ભાવ પ્રતિ કિલો રૂ.100થી 140 બોલાય રહ્યા છે. જેની સામે છુટક બજારમાં ગૃહિણીઓને લીંબુ 200 થી 250 રૂપિયા કિલો લેખે લેવાની ફરજ પડે છે.લીંબુનો ભાવ વધારો હજી ક્યાં જઈને અટકશે તે કહેવું કે કડવું મુશ્કેલ બની ગયું છે.આવકમાં સતત ઘટાડો થતો હોવાના માંગણી સાપેક્ષતામાં ભાવ વધી રહ્યા છે.