- સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ પાસે હાલ સમખાવા પુરતા એક જ ધારાસભ્ય છે: મતદારોને આકર્ષી શકાય તેવા કોઈ નેતા કે મુદા પણ નથી
કોઈપણ જંગ જીતવા માટે મજબૂત સેનાપતી સાથે કાબેલ સૈનિકોની પણ જરૂરિયાત રહે છે. દેશની સૌથી જુની રાજકીય પાર્ટી કોંગ્રેસ હાલ પોતાનું અસ્તિત્વ ટકાવવા ઝઝુમી રહી છે. સતત નબળુ પડતુ સંગઠન માળખું કોંગ્રેસની કફોડી હાલત માટે જવાબદાર છે. જુથવાદના કારણે પંજો સતત પીંખાય રહ્યો છે. નબળા સંગઠન માળખા સાથે લોકસભાની ચૂંટણી જંગમાં ઉતરવું કોંગ્રેસ માટે ધારે એટલુ સહેલુ નથી સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ પાસે હાલ સમખાવા પૂરતા એક જ ધારાસભ્ય છે.
ગુજરાત વિધાનસભાની વર્ષ 2022માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસનો કરૂણ રકાસ થયા હતો. વર્ષ 2017માં 77 બેઠકો જીતી સતાથી માત્ર 15 બેઠકો જ દૂર રહેલી કોંગ્રેસનો ગ્રાફ માત્ર પાંચ વર્ષમાંજ ખૂબજ નીચો સરકી ગયોહતો. 2022માં કોંગ્રેસ 17 બેઠકમાં સમેટાય ગઈ હતી. વિપક્ષ તરીકે પણ માન્યતા મળે તેટલી બેઠકો મળી ન હતી જોકે 17 પૈકી અલગ અલગ બેંકનાં ચાર ધારાસભ્યો એ રાજીનામા આપી દેતા હાલ ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા માત્ર 13 છે.
વિધાનસભાની ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ જગદીશ ઠાકોરે પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપી દેતા હાઈકમાન્ડ દ્વારા રાજયસભાના સાંસદ અને પક્ષને વફાદાર સેવા શકિતસિંહ ગોહિલની પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિયુકતી કરવામાં આવી હતી. બાપુએ લોકસભાની ચૂંટણી નજીક હોવા છતાં પ્રદેશનું સંગઠન માળખું જાહેર કર્યું નથી.
જૂના હોદેદારો હજી યથાવત છે. તમામ 33 જિલ્લા અને 8 મહાનગરોમાં નબળુ સંગઠન માળખું કોંગ્રેસ માટે સૌથી મોટી નબળાય છે.સત્તાધારી પક્ષ ભાજપ પાસે બુથલેવલ સુધીનું મેનેજમેન્ટ છે. બુથ પ્રમુખ અને પેજ સમિતિનાં પ્રમુખની ટીમ પણ તૈયાર છે. બીજી તરફ કોંગ્રેસ પાસે કાર્યકરોનો અભાવ છે. જેટલા લોકો પક્ષ સાથે જોડાયેલા છે તે બધા પોતાને મોટા ગજાના નેતા સમજી રહ્યા છે.
ભાજપમાં ટિકિટ માટે રિતસર પડાપડી થઈ રહી છે. બીજી તરફ કોંગ્રેસમાં સામેથી ટિકિટની ઓફર કરવા છતા કોઈ નેતા લડવા માટે તૈયાર થતા નથી ચૂંટણી લડવા માટે નેતાઓને રિતસર મનાવવા જવું પડે છે. ગુજરાતમાં છેલ્લા એક દશકાથી કોંગેસ લોકસભાની ચૂંટણીમાંં સમ ખાવા પૂરતી એક પણ બેંક જીતી શકી નથી. જો સતત બીજી વખત આવો રકાસ થશે તો રાજયમાં કોંગ્રેસનું નામુ નખાય જશે. ‘હાથ બદલેગે હાલાત’ એવું રૂપકડુ સ્લોગન ચોકકસ આપવામાં આવ્યું છે. પરંતુ હાથ સામે હાલ હજારો મુસીબત છે.નબળુ સંગઠન મળખું સૌથી મોટી નબળાટ છે. પેઈડ કાર્યકરો પણ મળતા નથી પક્ષ પાસે એવો કોઈ આકર્ષક ચહેરો નથી જે મતદારોને આકર્ષિ શકે બીજી તરફ કોઈ મુદો ઉઠાવી શકાય તેવો કોઈ મુદો પણ કોંગ્રેસ પાસે નથી પડકારો અનેક છે છતાં તમામ ચૂંટણી પુરા જોમથી લડવી તે એકમાત્ર કોંગ્રેસનું જમા પાસુ છે.
આ વખતે સૌથી મોટી બાબત કોંગ્રેસમાં એ જોવા મળી છે કે ઉમેદવારનું નામ જાહેર કરાયા બાદ પક્ષમાં કોઈજ પ્રકારનો આંતરિક વિવાદ જોવા મળતો નથી સામા પક્ષે શિસ્તબધ્ધ ગણાતા ભાજપમાં ઉમેદવારોના નામ જાહેર કરાયાબાદ શિસ્તના ચિથરા ઉડયા છે. વડોદરા અને બનાસકાંઠા બેઠક પર ઉમેદવારો બદલાવાની જરૂરીયાત પડી હતી. જયારે રાજકોટ, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર સહિત કેટલીક બેઠકો પર ભાજપના ઉમેદવારો સામે કાર્યકરો અને આગેવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ પરિબળ કોંગ્રેસ માટે ચોકકસ આશાનું કારણ ગણાવી શકાય. ભાજપે વહેલા ઉમેદવારો જાહેર કરી પ્રચારનો પ્રથમ તબકકો આટોપીલીધો છે. સામા પક્ષ કોંગ્રેસમાં આટલો ઝંઝાવતા જોવા મળતો નથી હજી મતદારો ઉદાસીન છે. ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ ચૂંટણીનો માહોલ જામશે.