- અલગ-અલગ ચાર ઝોનમાં સાત જેટલી જાહેર સભા યોજાશે: રોજ બે સભા અને એક રોડ શોનું ગોઠવાતું આયોજન: રાજકોટથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ શરૂ કરે તેવી સંભાવના
ગુજરાતની લોકસભાની 26 બેઠકો માટે ત્રીજા તબક્કામાં સાતમી મેના રોજ મતદાન થવાનું છે.આગામી શુક્રવારે ચૂંટણીનું જાહેરનામુ પ્રસિદ્ધ થતાની સાથે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થઈ જશે. જે 19મી એપ્રિલ સુધી ચાલશે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવશે. રાજકોટથી ચૂંટણી પ્રચારનો આરંભ કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.
વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહ મંત્રીના હોમ સ્ટેટ ગુજરાતમાં લોકસભાની છેલ્લી બે ચૂંટણીથી ભાજપ તમામ 26 બેઠકો જીતી રહ્યો છે.આ વખતે સતત ત્રીજી વખત 26 બેઠકો ફતેહ કરવાનો લક્ષ્યાંક તો રાખવામાં આવ્યો છે સાથો સાથ પાંચ લાખ કે તેથી વધુ મતોની લીડ સાથે તમામ બેઠકો જીતવાનો ટાર્ગેટ સેટ કરવામાં આવ્યો છે. આગામી 19મી એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ચૂંટણી પ્રચારની કમાન પોતાના હાથમાં લઈ લેશે. રાજ્યના અલગ અલગ ચાર ઝોનમાં સાતથી આઠ ચૂંટણી સભા યોજવાનું આયોજન હાલ ગોઠવાય રહ્યું છે.
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો હોય વડાપ્રધાન ગુજરાત ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ રાજકોટથી કરવામાં આવે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી. લોકસભાની જે બેઠકો પર ભાજપના ઉમેદવારો સામે થોડો ઘણો પણ વિરોધ ચાલી રહ્યો છે તેવી બેઠકો પર વડાપ્રધાન દ્વારા જાહેર સભા યોજવામાં આવશે.હાલ ચૂંટણી પ્રચારની દ્રષ્ટિએ ભાજપ દ્વારા ગુજરાતને ચાર ઝોનમાં વહેંચવામાં આવ્યું છે.
ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રચાર માટે માત્ર 16 દિવસ જ હાથમાં રહેતા હોવાના કારણે વડાપ્રધાન એક દિવસમાં બે સભા સંબોધાશે અને એક રોડ શો કરે તેવું આયોજન હાલ ગોઠવાય રહ્યું છે. ટૂંક સમયમાં ભાજપ દ્વારા વડાપ્રધાનના ગુજરાતમાં ચૂંટણી પ્રચાર અને જાહેર સભા અંગે સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવે તેવું લાગી રહ્યું છે.