- રતનપરમાં રામ મંદિર સામે રવિવારે બપોરે 4 કલાકે યોજાશે મહાસંમેલન: ક્ષત્રિય સમાજ સંકલન સમિતિના ક્ધવીનર રમજુભા જાડેજાની જાહેરાત
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાએ રાજા રજવાડા અંગે કરેલી ટિપ્પણી બાદ રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. ખુદ રૂપાલાએ બે વાર અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે એકવાર માફી માંગી લીધી હોવા છતાં ક્ષત્રિય સમાજ કોઈપણ કાળે ઝૂકવા તૈયાર નથી અને રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ પર અડગ છે. ક્ષત્રિય સમાજનો રોષ દિન પ્રતિદિન વધી રહ્યો છે. દરમિયાન આગામી રવિવારે રાજકોટ નજીક આવેલા રતનપર ગામે રામજી મંદિર સામેના વિશાળ પ્લોટમાં ક્ષત્રિય સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાશે. જેમાં રાજ્યભરમાંથી ક્ષત્રિયો ઓમ પડશે.
ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના ક્ધવીનર રમજુભા જાડેજાએ આજે એવી સત્તાવાર ઘોષણા કરાય છે કે રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહા-સંમેલન યોજવાની જાહેરાત અગાઉ કરવામાં આવી હતી. આજે તારીખ પણ ફાઇનલ કરી દેવામાં આવી છે. આગામી 14 એપ્રિલ અર્થાત રવિવારે શહેરની ભાગોળે આવેલા રતનપર ગામ સ્થિત રામજી મંદિર સામેના વિશાળ પ્લોટમાં ક્ષત્રિય સમાજનું મહા સંમેલન યોજાશે. જેમાં માત્ર ગુજરાત જ નહીં દેશભરના ક્ષત્રિય ઉમટી પડશે. રાજા-રજવાડા અંગે ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ કરેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજનો રોષ કોઈ કાળે શાંત થવાનું નામ લેતો નથી.ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી એકમાત્ર માંગ પર ક્ષત્રિય સમાજ અડગ છે. સામાં પક્ષે ભાજપ પણ ઝુકવા તૈયાર ન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ભાજપ દ્વારા એવી જાહેરાત કરી દેવામાં આવી છે કે આગામી 16 એપ્રિલના રોજ પરસોતમભાઈ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરશે.
આજે પણ સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર રૂપાલા સામે વિરોધ ઉઠ્યો હતો. અનેક ગામોમાં આવેદન પત્ર આપવામાં આવ્યા હતા અને સુત્રોચ્ચારમાં આવ્યા હતા.ગત રવિવારે ધંધુકા ખાતે પણ ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું હતું.હવે રાજકોટ ખાતે ક્ષત્રિયોનું મહા સંમેલન મળવા જઈ રહ્યું છે .જેમાં રૂપાલા અને ભાજપ સામેની લડતમાં આગામી દિવસોને રણનીતિ તૈયાર કરવામાં આવશે. ક્ષત્રિય સમાજ માત્ર એક જ વાત પર અડગ છે કે ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ કેન્સલ કરવામાં આવે. જેને લઈને છેલ્લા એક પ પખવાડિયાથી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. જેમ-જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ-તેમ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવી રહ્યું છે. કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત દ્વારા મંગળવારે ભાજપ કાર્યલય કમલમનો ઘેરાવ કરવાનું એલાન આપવાંમાં આવ્યું હતું. જોકે આ પૂર્વે જ તેઓની અટકાયત પણ કરી લેવામાં આવી હતી. હવે બંને પક્ષે મામલો વટે પહોંચી ગયો છે.