- આસમાને મોંઘવારીથી લાખો પરિવાર મુશ્કેલીમાં: સંગ્રહખોર-કાળા બજારિયાઓ માટે ‘અમૃતકાળ’
ચારેબાજુ મોઘવારી અને સતત ભાવ વધારાથી ગુજરાત અને દેશની જનતા પીસાઈ રહી છે ત્યારે ‘અચ્છે દિન’ અને ‘બહુત હુઈ મહેગાઈ કી માર’ જેવા જુઠ્ઠા સુત્રો આપતી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેંકરએ જણાવ્યું હતું કે મહિલાઓ-ગૃહિણીઓને મોઘવારીમાંથી મુક્તિ માટે કોંગ્રેસ પક્ષએ ‘નારી ન્યાય’ની પાંચ ગેરંટી આપી છે જેમાં ગરીબ પરિવારમાંથી એક મહિલાને વર્ષે એક લાખ રૂપિયાની આર્થિક મદદનો સંકલ્પ કર્યો છે. મોઘવારીના મારથી દેશમાં ગૃહિણીઓ- સામાન્ય-મધ્યમવર્ગનું બજેટ ખોરવાઈ ગયું. સતત વધી રહેલી મોંઘવારીમાં ‘અબ કી બાર મહેગાઈ અપાર’નો નારો ભાજપાની નવી ઓળખ બની ગઈ છે. મોઘવારી હટાવવા માટેના “અચ્છે દિન’ અને ‘બહુત હુઈ મહેગાઈ કી માર’ જેવા ભાજપના સુત્રો ખોખલા સાબિત થાય છે.
ઘરેલુ ગેસ સીલીન્ડર કોંગ્રેસ શાસનમાં 415 રૂપિયા મળતો હતો તે આજે ભાજપ સરકારમાં 1100 રૂપિયા જેટલો અતિ મોંઘો થયો છે. વર્ષ 2014માં સીએનજી 38.15 પ્રતિ કિલો હતું જે વર્ષ 2024માં 77.61 રૂપિયાને પાર, વર્ષ 2014માં પેટ્રોલ 70 પ્રતિ લીટર હતું જે વર્ષ 2024માં 100ને પાર, વર્ષ 2014માં ડીઝલ 56 પ્રતિ લીટર હતું જે વર્ષ 2024માં 90ને પાર થયું છે. આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઈલમાં સતત ઘટાડો હોવા છતાં ભાજપ સરકાર છેલ્લા નવ વર્ષમાં 140 કરોડ નાગરિકોના ખિસ્સામાંથી 30 લાખ કરોડ રૂપિયાની લુંટ ચલાવી છે, આ છે ભાજપ સરકારની લુટનું મોડેલ ! આર્થિક પારાવાર મુશ્કેલીથી દર મહિને એક પરિવાર સામૂહિક આત્મહત્યા કરી રહ્યો છે.
મોંઘવારીથી પીડામાંથી બહાર આવવા ભાજપ વક્તવ્યને બદલે ’કર્તવ્ય’ પર ધ્યાન આપે, અચ્છે દિન, અમૃતકાળ જેવા નીતનવા માર્કેટિંગ નારાઓથી સામાન્ય-મધ્યમ વર્ગના લોકોનું પેટ ભરાતું નથી. રૂપાળા સુત્રો દ્વારા ભ્રામકતા ઉભી કરી સત્તા મેળવનાર ભાજપ સરકારે દેશની જનતા સાથે છેતરપીંડી કરી છે. ભાજપ સરકારના લુંટકાળમાં જાન લેવા મોંઘવારીમાં જનતાની બચત પર રોજ લુટ ચાલી રહી છે. દૂધ, દહીં, ધી, ચા, ખાંડ સહીતની રોજીંદા જીવનની ખાવાપીવાની ચીજવસ્તુઓ તો અસહ્ય મોઘી થઇ જ છે. ખેડુતોને પૂરતા ભાવ મળતા નથી. વચેટીયાઓ બેફામ લુંટ ચલાવે છે. તેલિયા રાજાઓની બેફામ સંગ્રહખોરી, કાળાબજારી થઇ રહી છે. કાળા બજારીયા – સંગ્રહખોરો માલામાલ થઈ રહ્યા છે. આસમાને મોંઘવારીથી લાખો પરિવાર મુશ્કેલીમાં મુકાયા છે. સંગ્રહખોર-કાળા બજારિયાઓ માટે ‘અમૃતકાળ’ છે. ભાજપ સરકાર કેમ આવા સંગ્રહખોરો – કાળા બજારીયાઓને રક્ષણ આપી રહી છે ?