- પક્ષથી ઉપર સમાજ, સમાજથી ઉપર રાષ્ટ્ર ‘ભાવ’: રાજકોટ રાજવી
- દેશભક્તિથી લઇ રજવાડાઓના ભવ્ય ઇતિહાસ વર્ણવતા માંધાતાસિંહજી
- રાજા-મહારાજાઓના ઉલ્લેખ સાથે મહિલાઓના માન, સ્વમાનની ટીપ્પણીએ આઘાતજનક અને તિવ્ર
અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો ત્યારે સર્વપ્રથમ પોતાનું રાજ્ય ભારત સંઘને અર્પણ કરીને પોતાનો રાષ્ટ્રધર્મ નિભાવી એક ક્ષત્રિયની પરંપરા, સંસ્કાર અને ત્યાગનું ઉત્તમોત્તમ ઉદાહરણ પુરૂં પાડનાર શ્રદ્વેય કૃષ્ણ કુમારસિંહજી મહારાજા અને પ્રાત:સ્મરણિય લાખાજીરાજ બાપુ, ઠાકોર દિવ્ય ચેતનાને સાદર વંદન સાથે પત્રકારો સાથે વાતચીત કરતા રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજાએ જણાવ્યું હતું.
સ્વતંત્ર ભારત દેશની કમનસીબી જ ગણી શકાય. આપણે સહુ સ્વતંત્ર ભારતના સ્વતંત્ર નાગરિકો છીએ અને વિશ્ર્વની સૌથી વિશાળ લોકશાહી વ્યવસ્થાના વારસદારો પણ છીએ, ભારતીય બંધારણે આપણને વાણી સ્વાતંત્ર્યનો વિશેષ અધિકાર પણ આપ્યો છે એનો મતલબ એ નથી કે આપણને મન પડે ત્યારે મન ફાવે તેવો ભાષાપ્રયોગ કરવો.
વ્યક્તિગત સ્વાર્થની પરિપૂર્તિ અર્થે વ્યક્તિ, જૂથ, સમૂહ કે સમાજ વિશે ટીપ્પણી કરવી એ મારી દ્રષ્ટીએ માનવતાનું હનન છે. તાજેતરમાં ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઇ રૂપાલાએ આપણાં રાજા-મહારાજાઓના ઉલ્લેખ સાથે ક્ષત્રિય સમાજની દીકરીઓના માન, સ્વમાન, સન્માન અને સ્વાભિમાનને ઊંડી ચોંટ પહોંચે તેવું વિધાન કર્યું તે સાંભળીને મને અત્યંત આઘાત લાગ્યો. મારા મન, બુધ્ધિ, ચિત્ત અને હ્રદય પર આ આઘાતની ચોંટ એટલી ઊંડી અને તીવ્ર હતી કે હું ખામોશ થઇ ગયો.
લોક સાહિત્યના મર્મજ્ઞ અને ભારત સરકારના કેબિનેટ મંત્રીના મુખેથી થયેલાં ઉચ્ચારણોથી એક રાજ પરિવારના સદસ્ય તરીકે મારા માટે આઘાત જનક હોય જ એ તો સહજ અને સ્વાભાવિક છે પરંતુ સનાતન સંસ્કૃતિ અને સનાતન ધર્મના ઉપાસક એવા એક ભારતીય નાગરિક તરીકે પણ આંચકા જનક રહ્યું. એટલે જ મેં તેમની સાથે તત્કાલ ટેલીફોનિક ચર્ચા કરીને મારી વ્યક્તિગત નારાજગી તો વ્યક્ત કરી જ એટલું જ નહીં પરંતુ તેમના દ્વારા થયેલી ગંભીર ભૂલને વિના વિલંબે સુધારી લેવા માટેનો આગ્રહ પણ રાખ્યો. અમારી નારાજગી અને તેમણે કરેલી ભૂલને સુધારી લેવા માટે ક્ષત્રિય સમાજનાં અગ્રણી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, કેસરીસિંહજી સહિત અમારા આગ્રહનો સંપૂર્ણ આદર કરીને પરસોત્તમભાઈએ ક્ષમાયાચના સાથેનો વિડીયો સોશ્યલ મિડીયાનાં માધ્યમથી પ્રસારિત કર્યો.
શેમળા ખાતે મળેલાં ક્ષત્રિય સંમેલનમાં તેમણે પુન: કરબધ્ધ ક્ષમાયાચના કરી, સંત પુજ્ય શ્રી લાલબાપુના શ્રીચરણોમાં વંદન કરીને ક્ષમાયાચના સાથે આશિષ પ્રદાનની અપેક્ષા દાખવી. ઉચ્ચારણથી આહત્ થયેલો આપણો ક્ષત્રિય સમાજ, આપણાં વડીલો, આપણાં યુવાનો, આપણી બહેનો- દિકરીઓ અને માતાઓ આજે જાહેરમાં આવીને મીટીંગો સ્વરૂપે, રેલી સ્વરૂપે, ધરણાં-ઉપવાસ અને આવેદન પત્રોના માધ્યમથી પોતાની લાગણી-માંગણી અને રોષ વ્યક્ત કરે છે. જેની મને ભારોભાર વેદના અને પીડા પણ છે અને જેનો મને રંજ પણ છે. વર્તમાન પરિસ્થિતિમાં જાહેર હીતને ધ્યાનમાં રાખીને સમસ્યાના સુખદ નિરાકરણ માટે એક રાજવી અને ક્ષત્રિયકૂળના સંતાન તરીકે ભાજપ અને ક્ષત્રિય સમાજને મારી વંદન સહ અપિલ અને વિનંતી છે.
મહિલાઓ જૌહરના બદલે અન્ય માર્ગ અપનાવવા રાજપરિવારની અપીલ
રાજકોટ રાજ પરિવારના સદસ્ય તરીકે હું પ્રત્યેક ક્ષત્રિય બહેનો-દિકરીઓ અને માતાઓને વંદન સહ વિનંતી કરૂં છું કે, શક્તિ ઉપાસના-વંદના, શૌર્ય, ક્ષમા, રક્ષણ, કેસરીયા, સાકા અને જૌહરએ આપણી ક્ષાત્ર પરંપરામાં વિશેષ મહત્વ ધરાવતાં અદ્ભૂત અને અદ્વિતીય આયુધો છે. વર્તમાન સમસ્યાના નિવારણ માટે આપે જાહેર કરેલો જૌહર વિષયક વિચાર આપના દિલો-દિમાગમાંથી દૂર કરીને તેના સિવાયનો અન્ય માર્ગ અપનાવીને આપની લાગણી વ્યક્ત કરવાનું મન બનાવો, કારણ કે સાકા અને જોહર એ તો યુદ્ધના અંતિમ ચરણમાં સ્વાભિમાન અને આત્મ સન્માનની રક્ષા માટે ઉપયોગમાં લેવામાં આવતું આપણું આત્મ બલિદાનનું અંતિમ અને અમોઘ શસ્ત્ર છે, પરંતુ વર્તમાન લોકશાહી યુગમાં જીવન પૂર્ણ રીતે જીવીને સમાજ, રાજ્ય અને રાષ્ટ્રની સેવા કરવાનો અવસર છે.
મ્યુઝીયમના કાર્યનો થઇ ચુક્યો છે આરંભ
નરેન્દ્રભાઇ મોદી પ્રેરણાથી “સ્ટેચ્યુ ઓફ યુનિટી” નજીક ભવિષ્યમાં રાજવીઓના સહજ ત્યાગનું સન્માન કરતી વિભાવનાને “ધ મ્યુઝીયમ ઓફ રોયલ કીંગ્ડમ્સ ઓફ ઇન્ડિયા” નામાભિધાન સાથે સાકાર સ્વરૂપ આપવાના કાર્યનો શુભારંભ થઇ ચુક્યો છે.
એકતાનગર ખાતે સાડા પાંચ એકર જમીનમાં અંદાજે દસ હજાર ચોરસ મીટરમાં નિર્માણ પામનાર આ વિશેષ મ્યુઝીયમની રચના સમિતિના એક સદસ્ય તરીકે યોગદાન આપવાનો મને અવસર પ્રાપ્ત થયો છે. તેનો રાજીપો વ્યક્ત કરીને મ્યુઝીયમ નિર્માણકાર્યની વિગતો આપું તો અંદાજે બસ્સો ત્રેસઠ કરોડના ખર્ચે નિર્માણાધિન આ “ન ભૂતો ન ભવિષ્યતિ” મ્યુઝીયમનું નિર્માણ કાર્ય સંભવત: 2026માં પૂર્ણ થઇ જનાર છે.
નિર્ણયો નૈતિકતાપૂર્વકના હોવા જોઇએ: માંધાતાસિંહજી
વ્યક્તિગત મારી લાગણી ચોક્કસપણે ભાજપની રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડાયેલી છે. તેમ છતાં હું ક્ષત્રિય પરિવારનું સંતાન છું એટલું જ નહીં એક પ્રજાવત્સલ રાજવી પરિવારનો ઉત્તરાધિકારી પણ છું, એટલે સમાજની જેમ જ મારી લાગણી ઘવાય અને પીડા પણ થાય એ સ્વાભાવિક છે. પરંતુ વર્તમાન સમય વાદ-વિવાદ કે આક્ષેપો-પ્રતિ આક્ષેપોનો નહીં પરંતુ સંવાદની ભૂમિકાથી આગળ ધપવાની આવશ્યક્તા છે. તેનો પણ વિચાર કરીને આપણે સહુએ સંયુક્ત રીતે જ્ઞાતિ, સમાજ, વ્યક્તિ અને વિચારભેદ જેવી બાબતોથી ઉપર ઊઠીને માત્રને માત્ર રાષ્ટ્ર માટે જ વિચારીને નિર્ણયો નૈતિકતા પૂર્વકના અને રાષ્ટ્રહીતલક્ષી જ હોવા જોઇએ. એવું મારૂં અંગત માનવું છે.
આઝાદી પછી પહેલા એવા રાષ્ટ્ર સમર્પિત નેતા મળ્યા: મયુર રાજા
સ્વતંત્રતા પછીના સૈકાઓ બાદ ભારતને એવા પ્રધાન સેવક પ્રાપ્ત થયા છે, જેમની રગે-રગમાં સનાતન ધર્મ અને રાષ્ટ્ર રક્ષાની ખેવના વહે છે, જેમની કરની અને કથનીમાં કોઇ જ પ્રકારનો ભેદ નથી, જેમનાં વાણી, વર્તન, વિચાર, વ્યવહાર અને કર્મમાં પણ કેન્દ્ર સ્થાને માઁ ભારતીને સમર્પિત સેવા જ છે. સક્ષમ નેતૃત્વ તળે કેવળ એક જ દશકના ટૂંકા ગાળામાં રાષ્ટ્રએ વિશ્ર્વભરમાં જે સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેનાથી આપણે સહુ સુ-પરિચિત છીએ.
રાષ્ટ્રહીતના પાવન પથ પર પ્રયાણ કરીએ અને સમર્થ ભારતના સમર્થ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને વધારે સક્ષમતા પ્રદાન કરી એમને પુન: પ્રધાનમંત્રી તરીકે પ્રાપ્ત કરીએ. આ પ્રકારનો દ્રઢનિર્ધાર જ વર્તમાન સમયની આપણી મહત્વપૂર્ણ અને પ્રથમ આવશ્યક્તા છે એ દિશામાં સંકલ્પબદ્ધ થવા માટે વિનંતી કરૂં છું.