- સ્પેશિયલ ટૂરિઝમ ઝોન હેઠળ આ વિસ્તારોના ડેવલપમેન્ટ માટે પ્રવાસન વિભાગ દ્વારા રૂ.200 કરોડ ફાળવાયા
Gujarat News : ગુજરાત પ્રવાસન વિભાગે રાજ્યમાં સ્પેશિયલ ટૂરિઝમ ઝોન વિકસાવવા માટે રૂ. 200 કરોડ ફાળવ્યા છે. આ સૂચિત વિસ્તારોને ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ બંને પ્રોજેક્ટ તરીકે વિકસાવવામાં આવશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, “આ વિશેષ પ્રોજેક્ટ્સ માટે મોટાભાગના ભંડોળ કેન્દ્ર સરકાર તરફથી આવશે કારણ કે તેની પાસે વિશેષ પ્રવાસન પ્રોજેક્ટ્સ પર વ્યાપક નીતિ છે. રાજ્ય સરકાર સંપૂર્ણપણે નવી સાઇટ્સ વિકસાવવા તેમજ હાલની સાઇટ્સને સ્પેશિયલ ટૂરિઝમ ઝોનમાં રૂપાંતરિત કરવા માંગે છે. રાખે છે.” ટોચના સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર ધોળાવીરા, શિવરાજપુર, સિરક્રીક અને બનાસકાંઠાના સરહદી વિસ્તારોને સ્પેશિયલ ટૂરિઝમ ઝોન તરીકે વિકસાવવાની દરખાસ્ત છે.
કેન્દ્ર સરકારની સ્પેશિયલ ટૂરિઝમ ઝોન નીતિ હેઠળ, રાજ્ય સરકારોને પ્રથમ તબક્કા હેઠળ ગ્રીનફિલ્ડ સ્પેશિયલ ટૂરિઝમ ઝોન માટે રૂ. 300 કરોડ અને બ્રાઉનફિલ્ડ સ્પેશિયલ ટૂરિઝમ ઝોન માટે રૂ. 100 કરોડ મળે છે. જો રાજ્યો પૂર્વ-નિર્ધારિત પરફોર્મન્સ-લિંક્ડ પરિમાણોને પૂર્ણ કરે છે, તો તેમને ગ્રીનફિલ્ડ સ્પેશિયલ ટૂરિઝમ ઝોન માટે રૂ. 200 કરોડ અને બ્રાઉનફિલ્ડ સ્પેશિયલ ટૂરિઝમ ઝોન માટે 2 તબક્કા માટે રૂ. 100 કરોડ મળશે.
પ્રવાસન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉત્પાદનો અને અનુભવો માટે નવા ધોરણો બનાવવા અને પ્રવાસ, પર્યટન અને આતિથ્ય ક્ષેત્રે વૈશ્વિક ટુરિસ્ટરો આકર્ષવા માટે, ભારત સરકારે સ્પેશિયલ ટૂરિઝમ ઝોનના વિકાસ માટે એક યોજના ઘડી છે. આ યોજનાનો ઉદ્દેશ પ્રવાસન અનુભવને વધારવા માટે ખાનગી ક્ષેત્ર સાથે ભાગીદારીમાં મોટા પાયે સંકલિત આધુનિક પ્રવાસન વિસ્તારો વિકસાવવાનો છે.
દેશમાં વિશ્વ કક્ષાનું પ્રવાસન ક્ષેત્ર વિકસાવવા અને પ્રવાસ, પર્યટન અને હોસ્પિટાલિટીમાં વૈશ્વિક કંપનીઓ આકર્ષિત કરવાના વિઝનને હાંસલ કરવા માટે, કેન્દ્ર સરકારે સ્પેશિયલ ટૂરિઝમ ઝોન સ્થાપવા માટેની માર્ગદર્શિકા નિર્ધારિત કરી છે. જેમાં જણાવાયુ છે કે દરેક સ્પેશિયલ ટૂરિઝમ ઝોનની આગવી ઓળખ હોવી જોઈએ. રાજ્ય સરકારે આવા પ્રોજેક્ટ માટે વ્યાપક માસ્ટર પ્લાન આપવો જોઈએ. ભારત સરકારની માર્ગદર્શિકા જણાવે છે કે આવા પ્રોજેક્ટના વિકાસનું ધ્યાન આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવા પર હોવું જોઈએ.