- આચારસંહિતાની અમલવારી માટે ચેકીંગ દરમિયાન જિલ્લામાં દારૂ, સોના, ચાંદીનો રૂ.2.54 કરોડનો મુદ્દામાલ ઝડપાયો, આવકવેરા વિભાગ દ્વારા પણ તપાસનો ધમધમાટ
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ જિલ્લાભરમાં હાલ આચારસંહિતાની ચુસ્ત અમલવારી ચાલી રહી છે.આ દરમિયાન છેલ્લા 26 દિવસમાં અધધધ રૂ.93 લાખની કિંમતના સોનું પકડાયુ છે. જેની તપાસમાં આવકવેરા વિભાગ પણ મેદાને ઉતર્યું છે.
રાજકોટ જિલ્લા સહિત દેશભરમાં ગત તા.16 માર્ચથી આચારસંહિતા અમલમાં આવી છે. ત્યારથી જિલ્લાભરમાં ચેકીંગ સહિતની કામગીરીઓ શરૂ કરી દેવામાં આવી હતી. આ દરમિયાન જિલ્લામાં 26 દિવસમાં વિવિધ વિભાગોએ રૂ.2.54 કરોડની કિંમતનો દારૂ, સોનું અને ચાંદી પકડી પાડ્યું છે.
રાજકોટમાં પૂર્વ વિસ્તારમાં 960 ગ્રામ સોનુ જેની કિંમત રૂ. 61 લાખ થાય છે. જ્યારે પશ્ચિમ વિસ્તારમાં 493 ગ્રામ સોનુ જેની કિંમત રૂ. 32 લાખ થાય છે. આ બન્ને વિસ્તારમાંથી જે સોનુ પકડાયું છે. તેને આવકવેરા વિભાગે જપ્ત કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે હાલ જિલ્લાભરમાં રૂ.50 હજારથી વધુની રકમ પકડાઈ તો કડક તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સોના-ચાંદી અને ઝવેરાતની હેરાફેરી ઉપર પણ તંત્ર દ્વારા વોચ રાખવામાં આવી રહી છે.
12 એપ્રિલથી 24 સ્ટેટિક ટિમ સંપૂર્ણ પાવર સાથે મેદાનમાં ઉતરશે
હાલ આદર્શ આચારસંહિતાની અમલવારી સહિતની કામગીરી માટે 24 ફ્લાઈંગ સ્ક્વોડ કાર્યરત છે. હજુ તા.12 એપ્રિલથી 24 સ્ટેટિક સર્વેલન્સ ટિમ અને ઝોનલ ઓફિસર તરીકે નિયુક્ત થયેલ 250 અધિકારી ફિલ્ડમાં ઊતરશે. ઉલ્લેખનીય છે કે 24 ફ્લાઈંગ સ્ક્વોડમાંથી એક- એક અધિકારી પાસે હાલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના પાવર છે. જ્યારે અન્ય ટીમોના અધિકારીઓને તા.12 એપ્રિલથી એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટના પાવર મળશે. તે અંગે અગાઉ જિલ્લા ચૂંટણી અધિકારીએ ઓર્ડર કર્યા હતા.