- હાલારના ચાર માર્ગો અકસ્માત માટે કુખ્યાત
- લાલપુર ચોકડી, સાત રસ્તા સર્કલ, કનસુમરા પાટીયા અને શેખપર પાટીયા અકસ્માત ઝોન માટે જાણીતા
વિકાસની હરણફાળ ભરતા જામનગરમાં અકસ્માતના કિસ્સાઓમાં પણ ચિંતાજનક રીતે વધારો નોંધાઈ રહ્યો છે. જામનગર ઉપરાંત લાલપુર, કાલાવડ સહિતના પંથકમાં સમયાંતરે અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે તાજેતરમાં જ રોડ સેફટી વિભાગ દ્વારા એક આંકડો બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં જામનગરના સાત રસ્તા સર્કલ ઉપરાંત શેખપટ પાટિયા અને જામનગરના કનસુમરાથી લઈ સાંઢીયા પુલ સુધીનો રસ્તો તથા લાલપુર ચોકડી આજુબાજુના માર્ગ જાણે મોતનો માર્ગ હોય તેમ અકસ્માત ઝોન તરીકે દર્શાવવામાં આવ્યા છે. જેથી વાહનચાલકોએ અહીંથી પસાર થતી વેળાએ સાવચેતી રાખવી જરૂરી બની છે.
જામનગરમાં આવેલા ચાર સ્થળો માર્ગ અકસ્માતને લઈને ખૂબ કુખ્યાત છે. જેમાં લાલપુર ચોકડી, સાત રસ્તા સર્કલ, કનસુમરા પાટિયાથી લઈ સાંઢિયા ઓવરબ્રિજ સુધીનો માર્ગ અને શેખપટ પાટિયાનો વિસ્તાર. આ ક્ષેત્રમાં અંદાજે ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન અકસ્માતની જુદી જુદી 25 થી 30 જેટલી ઘટનાઓ સામે આવી છે. જેમાં અત્યાર સુધીમાં 15 લોકો મોતના ખપ્પરમાં હોમાયા હોવાનું પણ બહાર આવ્યું છે.
જામનગરના કનસુમરાના પાટીયાથી સાંઢીયા પુલ સુધીના રસ્તા વચ્ચે છેલ્લા ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન ગુજરાત રોડ સેફટી ઓથોરિટી દ્વારા જાહેર કરાયા આંકડા અનુસાર 7 જેટલા અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં 4 લોકોના મોત થયાનું સામે આવ્યા છે. બીજી તરફ લાલપુર ચોકડીથી મોરકંડા સુધીના માર્ગ પર છ અકસ્માતની ઘટના સામે આવી છે તેમાં બે લોકોના મોત થયા છે. તે જ રીતે સાત રસ્તા સર્કલ નજીક છ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. અને શેખપટ પાટીયા પાસે સાત અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યુ છે.
જોકે અકસ્માતનું ખાસ કારણ સત્તાવાર સામે આવ્યું નથી પરંતુ જામનગરના લાલપુર ચોકડીથી લઈ મોરકાંડા માર્ગ અને કનસુમરા પાટીયાથી લઇ સાંઢિયા બ્રિજ સુધીના માર્ગ પર જીઆઇડીસી ઉદ્યોગનગરને લઈ સતત વાહનોની અવરજવર ઉપરાંત બાયપાસ હોવાથી ટ્રકની પણ દોડધામ રહેતી હોય છે. જેને લઈને અકસ્માતની ઘટના બની રહી છે.