- શશાંકે માત્ર 29 બોલમાં 61 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી જ્યારે આશુતોષ શર્માએ 17 બોલમાં 31 રન બનાવી પંજાબને જીત અપાવી
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઇપીએલ 2024ની 17મી મેચમાં પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 3 વિકેટે હરાવ્યું હતું. પંજાબ એક બોલ બાકી રહેતા જીતી ગયું.આઇપીએલમાં સતત નવા સિતારાઓ ચમકી રહ્યા છે.ગુજરાત ટાઇટન્સને પંજાબના નવોદિતોએ સિકસ્ત આપી એમ કહેવું ખોટું નહીં હોય. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 199 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં પંજાબ કિંગ્સે એક સમયે માત્ર 70 રનમાં પોતાની તમામ મહત્વની વિકેટો ગુમાવી દીધી હતી. ત્યારબાદ શશાંક સિંહે ગુજરાતના બોલરો પર પ્રહારો કર્યા હતા. તેણે ઈમ્પેક્ટ પ્લેયર આશુતોષ શર્મા સાથે કરિશ્માઈ બેટિંગ કરીને પોતાની ટીમને જીત તરફ દોરી. શશાંકે માત્ર 29 બોલમાં 61 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. જ્યારે આશુતોષ શર્માએ 17 બોલમાં 31 રન બનાવ્યા હતા.
પંજાબનો કેપ્ટન શિખર ધવન આપીએલમાં રેકોર્ડ 40મી વખત બોલ્ડ થયો હતો. જ્યારે સાઈ સુદર્શન 17 ઈનિંગ્સ બાદ લીગમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બની ગયો છે. ગુજરાતના ફિલ્ડરોએ મહત્વની ક્ષણો પર કેચ છોડ્યા, જેના કારણે તેમને પરિણામ ભોગવવું પડ્યું અને ટીમ મેચ હારી ગઈ.ડીઆરએસ લેવાને કારણે રિદ્ધિમાન સાહા અણનમ રહ્યો પરંતુ તે તેનો વધારે ફાયદો ઉઠાવી શક્યો નહીં. ગુજરાતની બેટિંગની વાત કરીએ તો શુભમન ગિલ ટીમનો સંકટમોચક સાબિત થયો હતો. ઓપનર રિદ્ધિમાન સાહા માત્ર 11 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ કેન વિલિયમસને પણ 22 રનમાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, યુવા સાઈ સુદર્શને 19 બોલમાં 6 ચોગ્ગા ફટકારીને ગિલને ટેકો આપ્યો હતો અને વિરોધી ટીમ પર દબાણ બનાવ્યું હતું.
બીજા છેડેથી ગિલ અંત સુધી ટકી રહ્યો અને તેણે માત્ર 48 બોલમાં 89 રનની શાનદાર ઈનિંગ પૂરી કરી. આ ઇનિંગમાં તેણે 6 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારીને સ્કોરબોર્ડ પર 199 રન બનાવ્યા. પંજાબ તરફથી પ્રભસિમરન સિંહે શાનદાર 35 રન બનાવ્યા હતા. શિખર, ધવન, જોની બેયરિસ્ટો, સેમ કરન અને સિકંદર રજા જેવા બેટ્સમેન ફ્લોપ જોવા મળ્યા હતા. પરંતુ શશાંક સિંહે પોતાની ધાંસૂ બેટીંગ વડે મેચમાં જીવ પુર્યો હતો. આ ખેલાડી ફક્ત 25 બોલમાં પોતાની ફિફ્ટી પુરી કરી હતી. બીજા છેડે વિકેટ પડતી રહી, પરંતુ શશાંકે હાર ન માની. અંતે આશુતોષ સિંહે ફક્ત 16 બોલમાં 3 ચોગ્ગા 1 સિક્સરની મદદથી 31 રન બનાવ્યા હતા.