- બપોરે ચૂંટણી સંકલ્પ પત્ર સમિતિની બેઠકમાં હાજરી આપ્યા બાદ હાઈ કમાન્ડને મળી ગુજરાતની વર્તમાન રાજકીય સ્થિતિ અંગે કરશે વાકેફ
ભાજપના અડિખમ ગઢ ગણાતા ગુજરાતમાં આ વખતે ઉમેદવારોના નામ જાહેર કરાયા બાદ પક્ષમાં આંતરિક વિરોધ ફાટી નીકળ્યો છે.
રાજકોટ લોકસભા બેઠકનાં ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલાએ રાજા-રજવાડા અંગે કરેલી ટીપ્પણી બાદ રાજયભરમાં ક્ષત્રીય સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. દરમિયાન આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજધાની દિલ્હી ખાતે જશે. ચૂંટણી સંકલ્પ પત્રની બેઠકમાં ભાગ લીધા બાદ તેઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને મળે તેવી સંભાવના જણાય રહી છે.
રાજા-રજવાડા અંગે ટીપ્પણી બાદ પરસોતમભાઈ રૂપાલાએ બે વખત ક્ષત્રિય સમાજની માફી માંગી લીધી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પણ માફી માંગી હોવા છતાં રોષ શાંત થવાનું નામ લેતો નથી. ભાજપના ક્ષત્રિય સમજના આગેવાનોએ ગઈકાલે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સાથે બેઠક કરી હતી.
જેમાં સમાધાનનો કોઈ સેતુ સધાયો ન હતો. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પણ ક્ષત્રિય સમાજ અડગ છે.
ભાજપ દ્વારા લોકસભાની આગામી ચૂંટણી માટે ચૂંટણી ઢંઢેરો બનાવવા માટે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના અધ્યક્ષ સ્થાને બનાવવામાં આવેલી કમિટીમાં સભ્ય તરીકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો સમાવેશ કર્યો છે.
આજે સંકલ્પ પત્ર સમિતિની બીજી બેઠક મળશે. જેમાં ભાગ લેવા માટે બપોરે સીએમ દિલ્હી જશે. બપોરે 3 કલાકે સંકલ્પ પત્ર સમિતિની બેઠક મળશે. ત્યારબાદ ભૂપેન્દ્રભાઈ પટેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી અમિતભાઈ શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને મળી ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે માહિતગાર કરશે.
ંહાલ ગુજરાતમાં ચારથી પાંચ બેઠકો પર ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજયની વર્તમાન રાજકીય સ્થિતિ અંગે આજે સીએમ હાઈકમાન્ડને માહિતગાર કરી શકે છે.
સીઆર અને સીએમ યોજશે બુથ પ્રમુખ સંમેલન
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લોકસભાની આગામી ચૂંટણી સંદર્ભે અમદાવાદ ખાતે બુથ પ્રમુખ સંમેલન યોજાશે જેમા આગામી ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થશય અને ભાજપ તરફી મતદાન થાય તેવા પ્રયાસો હાથ ધરવા માટે માર્ગદર્શન આપશે. આવતીકાલથી ભાજપ દ્વારા ઘર ઘર ચલો અભિયાન શરૂ કરવામાં આવનાર છે. પક્ષના આગામી કાર્યક્રમો સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવશે. અકે તરફ કેટલીક બેઠકો પર ઉમેદવારોની પસંદગીને લઈ ભાજપમાં વિખવાદ ચાલી રહ્યો છે. ત્યારે પક્ષ દ્વારા જોરશોરથી ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.