- જૂની અદાવતનો ખાર રાખી 29 વર્ષીય યુવાનને છરી વડે રહેસી નખાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સતત કથળતી જઈ રહી હોય તેવા પ્રકારના કિસ્સાઓ છાસવારે સામે આવતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આ પ્રકારનો વધુ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સરાજાહેર એક યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે અને ખાસ તો જોરાવરનગર પોલીસ સ્ટેશનની બહાર જ હત્યા થઈ હોવાથી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠ્યા છે. આ બનાવ બાદ હવે ગુનેગારોને ખાખીનો ખૌફ ન રહ્યો હોય તેવા પ્રકારના કિસ્સાઓ સુરેન્દ્રનગર જિલ્લામાં સતત સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર પોલીસ સ્ટેશન બહાર જ મોડી રાત્રે યુવકની હત્યા કરી નાખવામાં આવી છે. શાહરૂખ નામના 29 વર્ષના યુવકની સામાન્ય બોલાચાલીમાં હત્યા નીપજાવી દેવાયાનું સામે આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી બે જૂથો વચ્ચે બોલાચાલી ચાલતી હતી અને હવે અંતે તેનો અંજામ મોતમાં પરીણમ્યો છે. આ સંદર્ભે પોલીસ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને હત્યારાઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ મામલે જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મળતી વિગત અનુસાર બે દિવસ પહેલા જે યુવાનની હત્યા નીપજાવવામાં આવી છે તે યુવાન અને સામાપક્ષના લોકો લાંબા સમયથી સામાન્ય બોલાચાલી ચાલતી હતી. જેનો ખાર રાખીને મોડી રાત્રે ચાર ઈસમો દ્વારા મારામારી કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગત અનુસાર યાસીન ભટ્ટી, આરીફ ભટ્ટી, રમજાન ભટ્ટી અને અબાસ ભટ્ટી નામના યુવકો દ્વારા મારામારી કરવામાં આવી હતી. જેમાં શાહરૂખને પેટના ભાગે છરીના ઘા મારવામાં આવ્યા હતા. ભોગ બનનાર યુવાન શાહરૂખને ગંભીર ઇજાઓ પહોંચતા સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
મેડિકલ કોલેજમાં સારવાર આપવા જતા સમયે જ તેનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો છે. જયારે જોરાવરનગર પોલીસ સ્ટેશન બહાર જ આ પ્રકારની ઘટના સામે આવી છે ત્યારે પોલીસ વિભાગે પણ આ સંદર્ભે તપાસ હાથ ધરી છે અને ખાસ કરીને સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તથા સ્થાનિક પોલીસની ટીમ દ્વારા તપાસ હાથ ધરી હત્યારાઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
જોરાવરનગર પોલીસે ચાર લોકો સામે હત્યાનો ગુનો દાખલ કર્યો
પોલીસ સ્ટેશન બહાર જ હત્યાનો બનાવ બન્યો છે. જોરાવનગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ મામલે યાસીન ભટ્ટી, આરીફ ભટ્ટી, રમઝાન ભટ્ટી અને અબ્બાસ ભટ્ટી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે પરંતુ હજુ સુધી આ હત્યારાઓ ઝડપાયા નથી. ફરાર આરોપીઓને ઝડપી પાડવા લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ કામે લાગી છે.
માસુમ પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી : પરિવાર પાસેથી એકમાત્ર આધાર છીનવાયો
યુવકના હત્યા બાદ તેનો પરિવાર પડી ભાંગ્યો છે. કારણ કે શાહરૂખ નામનો જે યુવક છે તેની ઉંમર માત્ર 29 વર્ષ છે. શાહરુખ ઘરનો એકમાત્ર આધાર હતો. મૃતકને સંતાનમાં એક દીકરી છે. પિતાની હત્યાથી દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. હાલ પરિવાર ઉપર આભ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.