માર્ચ માસના અંતમાં અમિત શાહ ફરી ગુજરાત આવશે.
વડાપ્રધાને ગત ઓગસ્ટ મહિનાથી ગુજરાતના પ્રવાસની શરૂઆત કરી છે, ગયા સપ્તાહે પણ બે દિવસના પ્રવાસે હતા. અત્યાર સુધીમાં તેમણે ૧૬થી વધારે જાહેરસભાઓ મારફતે કાર્યકરો અને જાહેર જનતાને સંબોધન કર્યા છે. રાજ્યના પાંચેય ઝોનમાં લગભગ બે વખત પ્રવાસ પૂરો થઇ ચૂક્યો છે. વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને હવે વડાપ્રધાનના પ્રવાસની ગોઠવણ એવી રીતે કરાશે જેમાં તેઓ તાલુકાઓમાં પણ મોટરમાર્ગે ફરે અને રસ્તામાં કાર્યકરો, જનતાને તેમનું સ્વાગત કરવાનો મોકો મળે. અત્યાર સુધીમાં જેટલા પ્રવાસ થયા છે એનાથી બમણાં પ્રવાસ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તૈયારી બતાવી છે, તેમ એક વરિષ્ઠ આગેવાને જણાવ્યું છે.
ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ સહિત પાંચમાંથી ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીને સત્તામાં પહોંચાડવામાં, વિશેષરૂપમાં ઉત્તરપ્રદેશ તથા ઉત્તરાખંડમાં ઐતિહાસિક વિજય હાંસલ થયો છે તેની પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાણક્ય એવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હવે ગુજરાત પર પૂર્ણ રીતે ધ્યાન કેન્દ્રિત કરશે. માર્ચ મહિનાના અંત પહેલાં જ તેઓ ગુજરાત આવે તેવી શક્યતાને પગલે કાર્યકરોએ તેમના સ્વાગત માટેની અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે.
તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષે ગુજરાતની મુલાકાત લીધી હતી. વડાપ્રધાને બે દિવસમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાત એમ છ અલગ અલગ જાહેર સંબોધન કરી કાર્યકરોનો જુસ્સો વધાર્યો હતો. વડાપ્રધાને તેમના સંબોધનમાં કાર્યકરોને જુદા જુદા સંદેશા આપ્યા હતા અને તેનાથી ઉત્સાહિત થયેલા કાર્યકરો માટે પાંચ રાજ્યોના પરિણામોથી ભારે જુસ્સો પેદા થયો છે, તેમ કહી સૂત્રો કહે છે કે, લાંબા સમયથી આ કરંટનો અભાવ કાર્યકરોમાં હતો, તેનાથી નેતૃત્વ ચિંતીત હતું. પરંતુ ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ જેવા મોટા રાજ્યોમાં ભાજપને મળેલા ઐતિહાસિક વિજયથી હવે કાર્યકરો દોડવા માટે તૈયાર થઇ ગયા છે.