- કોર્પોરેશન અને એશિયા રેઝિલિયન્ટ સિટીઝ પ્રોજેક્ટ દ્વારા અર્બન રિઝિલિયન્સ વર્ક પ્લાન લોન્ચ કર્યું: એમઓયુ કરાયા
આબોહવા પરિવર્તન માટે શહેરને વધુ સ્થિતિસ્થાપક બનાવવાનો અર્થ છે વિપરીત ચરમસીમાઓ માટે તૈયારી કરવી. આ સંદર્ભે, ભારતના શહેરોએ દુષ્કાળ, પૂર, ગરમી અને વાયુ પ્રદૂષણ માટે પેહલાથી આયોજન કરવું જોઈએ. રાજકોટ મહાનગરપાલિકા અને યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ અંતર્ગત એશિયા રેઝિલિયન્ટ સિટીઝ પ્રોજેક્ટ દ્વારા રાજકોટની આબોહવા સ્થિતિસ્થાપકતાના નિર્માણની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ લેવામાં આવ્યું છે. ગયા વર્ષે શ્રેણીબદ્ધ વર્કશોપ અને પરામર્શ પછી, આરએમસી અને એઆરસીએ રાજકોટમાં શહેરી વિકાસના પડકારોને પાર પાડવા માટે રહેવાસીઓ, સરકારી અધિકારીઓ, નાગરિક સમાજ, શિક્ષણવિદો અને ખાનગી ક્ષેત્ર સાથે મળીને ચાર વર્ષની કાર્ય યોજનાને રૂપરેખા આપી છે. આરએમસી અને એઆરસીના પ્રતિનિધિઓએ સમજૂતીના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા જે ઝડપી શહેરીકરણ, વધતા તાપમાન, પાણીની અછત અને શહેરી પૂરના સંદર્ભમાં કાર્ય યોજનાના અમલીકરણ અને આબોહવા સ્થિતિસ્થાપકતા બનાવવાની તેમની પ્રતિબદ્ધતાને ઔપચારિક બનાવે છે.
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ આપણા દેશમાં ક્લાઇમેન્ટ ચેન્જની અસરો રોકવા માટેના પગલામાં સૌથી આગળ છે. જેમ જેમ આપણા શહેરનો વિસ્તાર વધે છે, આપણે પર્યાવરણ માટે ફાયદાકારક અને સમાવિષ્ટ આર્થિક વૃદ્ધિ તેમજ નાગરિકો માટે ઉચ્ચ જીવનક્ષમતા સુનિશ્ચિત કરવી જોઈએ. સ્થાનિક કુદરતી સંસાધનોના સંરક્ષણ માટે, એઆરસી ઇકો સ્કૂલ કોન્સેપ્ટને પ્રોત્સાહન આપશે. જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને પાણીના સંરક્ષણ, મૂળ વૃક્ષારોપણ, ઘન કચરાના વ્યવસ્થાપન, (ઘટાડો, પુન:ઉપયોગ, રિસાયકલ) સિદ્ધાંતો વિશે તાલીમ આપવામાં આવશે.
એઆરસી મહત્વના મુદ્દાઓ પર આરએમસી અધિકારીઓની કાર્યક્ષમતા વધારવા માટે કાર્ય કરશે જેમાં વરસાદી પાણીનો સંચય ટ્રીટેડ વેસ્ટ વોટરનો પુન:ઉપયોગ, સ્પોન્જ સિટી પહેલને ટેકો આપવો તથા સામાજિક અને વર્તણૂક પરિવર્તન માટે સલાહકારોની ભરતીને પ્રોત્સાહન આપશે.
રાજકોટ ભારતમાં ક્લાઇમેન્ટ રિસાઇલન્ટ શહેર બનવાની ક્ષમતા ધરાવે છે અને અન્ય શહેરોને તેને અનુસરવા પ્રોત્સાહિત કરી શકે છે, તેમ પણ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું.
એશિયા રેઝિલિયન્ટ સિટીઝ પ્રોજેક્ટના ડેપ્યુટી ડાયરેક્ટર ડો.દામોદર બચાનીએ આ તકે જણાવ્યું હતું કે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથેની અમારી ભાગીદારી સતત શહેરી વિકાસને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ પગલું છે. આગામી ચાર વર્ષોમાં, અમે એઆરસીના બહુમૂલ્ય લક્ષ્યોને આગળ ધપાવવા માટે સરકારી અને ખાનગી સંસ્થાઓ બંને સાથે સતત બહુવિધ ભાગીદારી બનાવીશુ.
એઆરસીએ આ કાર્ય યોજના રચવા માટે વિવિધ હિતધારકોના વર્કશોપ્સ, ઇન્ટરવ્યુ અને જન સંવાદ દ્વારા તમામ મંતવ્ય અને મુદ્દાઓને આવરી લેવાનું પ્રયાસ કર્યું છે.
આ કાર્યયોજનામાં મુખ્ય છ: પ્રવૃત્તિઓ સૂચિત કરવામાં આવી છે. જળ સંચય, વોર્ડ/સોસાયટીઓમાં નેચરલ હીટ બફર્સ પ્રોત્સાહિત કરો, ગ્રીન સ્પેસ અને ગ્રીન ટ્રાન્સપોર્ટને તમામ સુધી પહોંચાડવું, કચરો ઘટાડવો અને ગ્રીન જોબ્સનું સર્જન કરીને આવક ઊભી કરવી, કાર્યક્ષમ અને સરળ જાહેર સેવાઓ માટે એક સંકલિત ડિજિટલ સેવા પ્લેટફોર્મ બનવાડવું અને સતત પરિવર્તન માટે લોક ભાગીદારી અને સશક્તિકરણને પ્રોત્સાહન આપો.
રાજકોટમાં એઆરસી પ્રોજેક્ટ જોન સ્નો ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કાર્યરત કરવામાં આવ્યું છે. આગામી ચાર વર્ષમાં, એઆરસી અને આરએમસી સમગ્ર રાજકોટમાં હિતધારકો સાથે કાર્ય યોજનાને અમલમાં મૂકવા અને આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે કામ કરશે.
એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા ત્યારે ચેતન નંદાણી, ડેપ્યુટી કમિશનર, આરએમસી અને સીઇઓ અને ડિરેક્ટર, રાજકોટ સ્માર્ટ સિટી કોર્પોરેશન લિમિટેડ, અશોક રાયસિંઘાણી, ક્ધટ્રી લીડ ઈન્ડિયા, એઆરસી પ્રોજેક્ટ અને એઆરસી ટીમના સભ્યો હાજર હતા.