- વડોદરા ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી યુવરાજસિંહ જાડેજા, ડીજીપી કચેરીના સ્ટાફ ઓફિસર ગૌરવ જસાણી સહિતના અધિકારીઓને આઈપીએસ તરીકે બહાલી
ગુજરાત કેડરના 8 પોલીસ અધિકારીઓને ભારત સરકારના ગૃહ મંત્રાલયે ઇન્ડિયન પોલીસ સર્વિસ(આઈપીએસ) કેડરમાં નિયુક્તિ આપવામાં આવી છે. સોમવારે રાતે આ પ્રક્રિયાની અધિકૃત પુષ્ટિ કરતું ગેઝેટ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. હવે આઠ જેટલાં અધિકારીઓને જયારે આઈપીએસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ત્યારે રાજ્યના ચાર જિલ્લામાં ખાલી પડેલી પોલીસ અધિક્ષકની પોસ્ટ પર નિમણુંક કરવામાં આવે તેવો આશાવાદ છે.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી યુવરાજસિંહ જાડેજા, મુખ્ય પોલીસ વડાની કચેરીના સ્ટાફ ઓફિસર એસપી ગૌરવ જસાણી સહિત ગુજરાતના ૮ એસપીએસની આઈપીએસ કેડરમાં કાયમી નિમણૂકને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બહાલી અપાઈ છે. આ અધિકારીઓને ગુજરાત કેડરમાં જ રાખવા હુકમ થયો છે અને જિલ્લામાં પોસ્ટિંગ માટે હકદાર બન્યા છે.
ગુજરાતના ૮ એસપીએસની આઈપીએસ કેડરમાં કાયમી નિમણૂક પામેલામાં યુવરાજસિંહ જાડેજા,બળદેવભાઈ દેસાઈ.ગૌરવ જસાણી,ઈમ્તિયાઝ શેખ,બળદેવસિંહ વાઘેલા. લખધીરસિંહ ઝાલા, તેમજ નરેશકુમાર કણજારીયા ,અને ફાલ્ગુનીબેન પટેલનો સમાવેશ થાય છે.
આ તમામ અધિકારીના હાલના ફરજના સ્થળની જો વાત કરવામાં આવે તો યુવરાજસિંહ જાડેજા વડોદરા ડીસીપી ક્રાઇમ, બળદેવ દેસાઈ ડીસીપી ઝોન-5, અમદાવાદ, ગૌરવ જસાણી સ્ટાફ એડમીન-ડીજીપી ઓફિસ, ઇમ્તિયાઝ શેખ લિવ રિઝર્વ, બળદેવસિંહ વાઘેલા ડીસીપી(ટ્રાફિક)- અમદાવાદ, લઘધીરસિંહ ઝાલા એસપી-આઈબી, નરેશ કણઝારીયા એસપી-આઈબી(ભુજ) અને ફાલ્ગુની પટેલ એસપી, એસઆરપીએફ ગ્રુપ-12, ગાંધીનગર ખાતે ફરજ બજાવી રહ્યા છે.
હવે આ તમામ અધિકારીઓને આઈપીએસ કેડર મળતા અમદાવાદ, મહેસાણા આણંદ એમ ત્રણ જિલ્લાના પોલીસ અધિક્ષકની ખાલી પડેલી જગ્યા પર ટૂંક સમયમાં નિમણુંક કરવામાં આવે તેવો આશાવાદ છે.