- જામનગરની બ્રાસની એક પેઢીના સંચાલક સાથે રૂપિયા ૫૦.૪૫ લાખની છેતરપિંડી ની ફરિયાદથી ચકચાર
- જામનગરના જ અન્ય એક બ્રાસના વેપારીએ બ્રાસનો માલ ખરીદ્યા પછી પેઢી બંધ કરી ભાગી છુટતાં છેતરપિંડી અંગે ગુનો નોંધાયો
જામનગર ન્યૂઝ : જામનગરના બ્રાસપાર્ટના એક વેપારી સાથે અન્ય એક વેપારીએ રૂપિયા ૫૦.૪૫ લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે. આરોપી કારખાનેદારે ૫૦.૪૫ લાખનો બ્રાસ નો માલ સામાન ખરીદ્યા પછી પેઢીને તાળું મારી રફુચક્કર થઈ જતાં છેતરપિંડી અંગે ગુનો દાખલ કરાવાયો છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં બાલમુકુન્દ સોસાયટીમાં રહેતા અને ઉદ્યોગ નગર વિસ્તારમાં બ્રાસપાર્ટ નું કારખાનું ધરાવતા સુખદેવસિંહ પ્રવિણસિંહ જાડેજાએ પોતાની સાથે રૂપિયા ૫૦,૪૫,૫૮૩ ની છેતરપીંડી કરવા અંગે જામનગરમાં ગોકુલ દર્શન સોસાયટી શેરી નંબર -૨ માં રહેતા ધર્મેશ જમનભાઈ રામોલિયા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી સુખદેવસિંહ જાડેજા ની બ્રાસપાર્ટની પેઢીમાંથી આરોપી મંત્રી એન્ટરપ્રાઇઝના માલિક ધર્મેશ જમનભાઈ રામોલિયા કે જાણે જુદા જુદા સમયે બ્રાસપાટ નો માલ સામાન ખરીદ્યો હતો, જેનું વજન ૯૯૩૩.૮ કિલો, અને તેની અંદાજે બજાર કિંમત જીએસટી સહિત ૫૦.૪૫ લાખ થવા જાય છે.
જે બ્રાસની આઈટમો મેળવી લીધા પછી પૈસા આપવામાં ઠાગાઠૈયા કર્યા હતા, અને આખરે પોતાની પેઢીને તાળું મારીને પૈસા ચૂકવ્યા વિના રફુચક્કર થઈ ગયો હતો. તેથી ફરિયાદી કારખાનેદાર સુખદેવ સિંહ જાડેજા દ્વારા સીટી સી. ડિવિઝન પોલીસમાં આરોપી ધર્મેશ જમનભાઈ રામોલિયા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈપીસી કલમ ૪૦૬ અને ૪૨૦ મુજબ ગુન્હો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
સાગર સંઘાણી