- એચ. રમેશચંદ્ર નામની આંગડિયા પેઢીમાં કામ કરતો કર્મચારી લાખોની રોકડ ભરેલો થેલો લઈ નાસી જતા પેઢીના મેનેજરની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ
આંગડિયા પેઢીમાં નાણાકીય છેતરપિંડીના અનેકવિધ બનાવો છાસવારે સામે આવતા હોય છે ત્યારે શહેરમાં વધુ એક આ પ્રકારની ઘટના સામે આવી છે. જેમાં સોની બજારની આંગડિયા પેઢીમાંથી કર્મચારી રૂ. 35.50 લાખની રોકડ લઈને રફફુચક્કર થઇ જતાં એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. રાજકોટની આંગડિયા પેઢીમાં રૂપિયા 35.50 લાખની છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે. જેમાં શહેરના સોની બજારની એચ. રમેશચંદ્ર નામની આંગડિયા પેઢીમાં કામ કરતો કર્મચારી લાખોની રોકડ ભરેલો થેલો લઈ નાસી જતા પેઢીના મેનેજરે ફરિયાદ નોંધાવવી છે. જેના આધારે એ ડિવિઝન પોલીસે છેતપિંડીનો ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.મળતી માહિતી અનુસાર મોરબી રોડ પર રાધા-મીરા પાર્કમાં રહેતા અને એચ. રમેશચંદ્ર નામની આંગડિયા પેઢીમાં મેનેજર તરીકે નોકરી કરતા સુધીરભાઈ કાંતિભાઈ પ્રજાપતીએ ફરિયાદ નોંધાવી છે. જેમાં અર્જુનસિંહ હનુભા જાડેજાનું નામ આપ્યું છે. પોતાને પાટણ જવાનું હોવાથી વિશ્વાસ રાખી અર્જુનસિંહ હનૂભા જાડેજાને જવાબદારી સોંપી હતી. જેનો લાભ ઉઠાવી તેઓ રોકડ ભરેલો થેલો લઈ નાસી છૂટ્યા હતા. આ અંગેની જાણ થતાં સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. જેમાં પણ કર્મચારી અજુનસિંહ થેલો લઈ જતો કેદ થઈ ગયો હોય તપાસ કરતા આજ સુધી તેનો પત્તો ન મળતા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદમાં સુધીરભાઈ કાન્તીભાઈ પ્રજાપતીએ જણાવ્યું હતું કે, ગત તા- 8 માર્ચનાં રોજ મારે વતનમા કામ હોય તેથી હું મારા પરિવાર સાથે મારા વતન પાટણ ગયો હતો અને મારી ઓફિસની તમામ જવાબદારી અર્જુનસિંહ જાડેજાને સોંપી હતી અને મારે ઓફિસનું કાઇ કામ હોઇ તો અર્જુનસિંહને ફોન કરતો હતો. 11 માર્ચે સવારના સાડા નવેક વાગ્યે આ અર્જુનસિંહને ફોન કરતા લાગ્યો નહીં. જેથી મે ગોંડલ રોડ વાળી ઓફિસે તપાસ કરતા આ અર્જુનસિંહ ત્યાં નહોતા
બાદમાં અમારી પેઢીની બીજી બ્રાન્ચ કે જે રાજકોટ શહેર સોની બજાર કોઠારીયા નાકા જવેલર્સ પોઇન્ટ ખાતે આવ્યો. ત્યાં મેનેજર મુકેશભાઇ પટેલને ફોન કરી અને અર્જુનસિંહ હાલ કયા છે? તેનો ફોન બંધ આવે છે તેમ પુછતા તેણે જણાવ્યું કે અહીં અર્જુનસિંહ છે નહીં અને આપણી ગોંડલ રોડ ખાતેની પેઢીની ચાવી તેમજ મોટર સાઇકલની ચાવી અહીં પડી છે અને તિજોરીનો લોક પણ ખુલ્લો છે અને ચાવી તેમા છે. જેથી તારીખ 9 માર્ચે પેઢીના હિસાબના રોકડા રૂ. 35,60,930 થેલામાં ભરી તીજોરીમાં રાખેલ હતા તે પૈસા તિજોરીમા છે કે કેમ? તે જોવા માટે મે મુકેશભાઇ ને કહેતા આ મુકેશભાઇ એ કહેલ કે તીજોરી ખાલી છે તિજોરીમાં કોઇ થેલો કે કોઈ પૈસા નથી.
ફરાર કર્મચારીના ભાઈ મારફત પૈસા પરત મેળવવા પ્રયત્ન કરાયો
ફરિયાદીએ જણાવ્યું છે કે, આ અંગે જાણ થતાં હું તુરંત જ મારા વતનથી રાજકોટ આવ્યો હતો. અને અમારી સોની બજાર ખાતેની પેઢીની બાજુની ઓફિસના કેમેરા જોતા તેમાં અર્જુનસિંહ તા. 10 માર્ચે રાત્રીના દસેક વાગ્યાની આસપાસ પેઢીમાંથી એક થેલો લઇ જતો જોવામાં આવતા અમને ખાત્રી થઈ હતી કે, શનિવારનાં હિસાબનાં તિજોરીમાં રાખેલ રકમ તેઓ લઈ ગયા છે. અર્જુનસિંહના ભાઈ મહિપતસિંહ જાડેજા કે જેઓ અમારી પેઢીની બાજુમા આવેલા રમેશ આંગડિયા પેઢીમાં આશરે બારેક વર્ષથી નોકરી કરતા હોય જેથી અમારે તેમની સાથે ગાઢ સંબંધ હોય તેથી અમે આ મહિપતસિંહને બનાવ બાબતેની બધી વાત કરી તે મના મારફત તેમજ અર્જુનસિંહના બીજા સંબંધીઓ મારફતે આ અર્જુનસિંહ પાસેથી અમોને અમારા રૂપિયા પરત મળી જાય તેવા પ્રયત્ન કરતા હતા.
10 માર્ચે બનાવ બન્યો પણ પૈસા પરત મળી જશે તેવો પ્રયત્ન નિષ્ફળ જતાં અંતે ફરિયાદ દાખલ કરાઈ
ફરિયાદીએ ફરિયાદ મના જણાવ્યું છે કે, પૈસા પરત મેળવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો પણ આજદિન સુધી અમોને અમારા રૂપિયા પરત નહીં મળતા આજરોજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. અર્જુનસિંહ હનુભા જાડેજા છેલ્લા બે વર્ષથી અમારી પેઢીમાં નોકરી કરતો હોય અને આ સમય દરમિયાન તેણે અમારો વિશ્વાસ જીતી લીધેલો હોવાથી મારે વતનમાં જવાનું હતું, ત્યારે તમામ જવાબદારી તેમને સોંપી હતી. જોકે તેનો ગેરલાભ ઉઠાવી અર્જુનસિંહે આ છેતરપિંડી કરી છે. જેને લઇને તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની ફરજ પડી હોવાનું પણ તેમણે ફરિયાદમાં જણાવ્યું છે. હાલ આ ફરિયાદના આધારે પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.