- 5 બેઠક ડાબેરી પક્ષોને અપાઈ : તમામ 40 લોકસભા બેઠકો ઉપર કોઇ કસર ન છોડવા વિપક્ષીઓનો વ્યૂહ
- ડાબેરી પક્ષો વચ્ચે, બેગુસરાયમાં એક સીટ સીપીઆઈને અને ખગરીયામાં એક સીટ સીપીઆઈ(એમ)ને આપવા પર સહમતિ બની છે. જ્યારે, સીપીઆઈ (એમએલ)ને ત્રણ બેઠકો નાલંદા, અરાહ અને કરકટ આપવામાં આવી છે.
બિહારમાં વિપક્ષી ગઠબંધને સફળતાપૂર્વક સીટની વહેંચણી કરી નાખી છે. જેમાં 40 બેઠકોમાંથી આરજેડી સૌથી વધુ 26 બેઠકો ઉપરથી ચૂંટણી લડશે. જ્યારે કોંગ્રેસ 9 બેઠકો ઉપરથી ઉમેદવારોને ઉભા રાખી લોકસભા જંગ લડશે.
બિહારમાં મહાગઠબંધન વચ્ચે સીટોની વહેંચણી કરવામાં આવી છે. જેમાં આરજેડી 26 સીટો પર, કોંગ્રેસ 9 અને ડાબેરી પાર્ટીઓ 5 સીટો પર ચૂંટણી લડશે. આરજેડી નેતા અબ્દુલ બારી સિદ્દીકી સહિત કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે સીટો પર સમજૂતી થઈ ગઈ છે. ડાબેરી પક્ષો વચ્ચે, બેગુસરાયમાં એક સીટ સીપીઆઈને અને ખગરીયામાં એક સીટ સીપીઆઈ(એમ)ને આપવા પર સહમતિ બની છે. જ્યારે, સીપીઆઈ (એમએલ)ને ત્રણ બેઠકો નાલંદા, અરાહ અને કરકટ આપવામાં આવી છે.
મહાગઠબંધનમાં સીટ વહેંચણીને લઈને છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીમાં મંથન ચાલી રહ્યું હતું. જે આખરે સીટ વહેંચણી અંગેની સમજૂતી સાથે સમાપ્ત થઈ. ગોપાલગંજ, વાલ્મિકીનગર અને શિવહર સીટો પર સૌથી મોટો મુકાબલો થયો હતો. કોંગ્રેસ અને આરજેડી નેતાઓ વચ્ચે બે રાઉન્ડની બેઠકોમાં ચર્ચા થઈ. આ બેઠક ગુરુવારે નવી દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે યોજાઈ હતી.
આ પહેલા આરજેડી લગભગ એક ડઝન સીટો પર પોતાના ઉમેદવારોને પાર્ટી સિમ્બોલ આપી ચૂકી છે. આ અંગે કોંગ્રેસના અનેક નેતાઓએ વિરોધ પણ નોંધાવ્યો હતો. જોકે હવે સ્થિતિ કાબુમાં છે. જે સીટો પર પહેલા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. તેમાં જમુઈ, નવાદા, ગયા અને ઔરંગાબાદનો સમાવેશ થાય છે. જેના પર આરજેડીએ ઉમેદવારોને પાર્ટી ચિન્હ આપ્યા છે. આ સિવાય બાંકા અને મુંગેર લોકસભા સીટ પરથી પણ ઉમેદવારો ઉભા કરવામાં આવ્યા છે.
પાટલીપુત્રથી મીસા ભારતી, સારણથી રોહિણી આચાર્ય, બક્સરથી સુધાકર સિંહ, મુંગેરથી અશોક મહતોની પત્ની અનિતા દેવી, મહારાજગંજથી રણધીર સિંહ, જહાનાબાદથી સુરેન્દ્ર યાદવ, ઉજિયારપુરથી આલોક મહેતા, બાંકાથી જયપ્રકાશ નારાયણ યાદવને ટિકિટ આપવામાં આવી છે. જાહેર કરાયેલા ઉમેદવારોમાં ચાર યાદવ, ત્રણ કુશવાહ, બે રાજપૂત, એક-એક પાસવાન, રવિદાસ અને ધનુક સમુદાયના છે.