- મોટાભાગના પ્રશ્નો સીધા જ પુસ્તકમાંથી પૂછાયા હોવાથી પુસ્તક આધારિત તૈયારી કરનારા વિદ્યાર્થીઓ સારો સ્કોર કરી શકશે: બોર્ડ દ્વારા હવે ગુજકેટની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી મૂલ્યાંકનની કામગીરી શરૂ કરવામાં આવશે
ધો.12 સાયન્સ પછી ઈજનેરી – ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે શિક્ષણ બોર્ડ દ્વારા રવિવારે ગુજકેટ લેવામાં આવી હતી. આ પરીક્ષામાં 1.38 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી પરીક્ષા વખતે સરેરાશ 97 ટકા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજકેટમાં ચારેય પ્રશ્નપત્રો એકદમ સરળ અને પુસ્તક આધારિત રહેતા વિદ્યાર્થીઓને ખૂબ જ ખુશ જણાતા હતા. મોટાભાગના પ્રશ્નો સીધા જ પુસ્તકમાંથી પૂછાયા હોવાથી પુસ્તક આધારિત તૈયારી કરનારા વિદ્યાર્થીઓ સારો સ્કોર કરી શકશે.
ગુજકેટની પરીક્ષા વખતે પ્રથમ સેશનમાં જામનગર જિલ્લામાં એક વિદ્યાર્થી મોબાઈલ ફોન સાથે પકડાયો હોવાથી તેની સામે કોપી કેસ કરવામાં આવ્યો છે. પ્રથમ સેશનમાં ફિઝિક્સ અને કેમિસ્ટ્રીની પરીક્ષામાં 138150 વિદ્યાર્થીઓ પૈકી પરીક્ષા વખતે 134582 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ, પ્રથમ સેશનમાં સરેરાશ 97.42 ટકા વિદ્યાર્થીઓ પરીક્ષા માટે હાજર રહ્યા હતા. જ્યારે બીજા સેશનમાં બાયોલોજીની પરીક્ષા વખતે 86962 વિદ્યાર્થીઓ પૈકી 85051 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આમ, બીજા સેશનમાં સરેરાશ 97.80 ટકા હાજરી રહેવા પામી હતી.
ઉપરાંત ત્રીજા સેશનમાં મેથ્સની પરીક્ષા વખતે 51581 વિદ્યાર્થીઓ પૈકી 49779 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. મેથ્સમાં સરેરાશ 96.50 ટકા હાજરી જોવા મળી હતી. આમ, ગુજકેટમાં એકંદરે સરેરાશ 97 ટકા હાજરી નોંધાઈ હતી. ગુજકેટની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં એક માત્ર કોપી કેસ જામનગર જિલ્લામાં નોંધાયો હતો. પરીક્ષા વખતે પ્રથમ સેશનમાં એક વિદ્યાર્થી મોબાઈલ ફોન સાથે આવ્યો હોવાથી તેની સામે કોપી કેસ કરાયો છે. ગુજકેટમાં ચારેય વિષયના પેપર ખૂબ જ સરળ રહ્યા હતા.
ગણિતમાં પૂરેપૂરા ગુણ લાવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં આ વર્ષે વધારો જોવા મળશે. ઉપરાંત બાયોલોજીનું પેપર પણ પુસ્તક આધારિત રહ્યું હતું. અમુક પ્રશ્નો પુસ્તકના કોર્નરમાંથી પૂછાયા હતા. પરંતુ તેને બાદ કરતા પેપર સરળ રહ્યું હતું. ફિઝિક્સનું પેપર પુસ્તક આધારિત એકદમ સરળ રહ્યું હતું. અને કેમિસ્ટ્રીમાં પણ વિદ્યાર્થીઓને મજા પડી હતી. આમ, ચારેય વિષયના પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ જણાતા હતા. બોર્ડ દ્વારા હવે ગુજકેટની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી મૂલ્યાંકનની કામગીરી શરૂ કરવામાં આવશે.