- શિસ્તબઘ્ધ પાર્ટીમાં ઉમેદવારો સામે પુણ્ય પ્રકોપ
- ક્ષત્રીય સમાજ વિશે ઘસાતુ નિવેદન આપ્યા બાદ માફી માંગી છતાં પરષોતમ રૂપાલા સામેનો વિરોધ સમતો નથી.
- પોરબંદરમાં ડો. મનસુખ માંડવિયા પણ કરી રહ્યા છે વિરોધનો સામનો: ભાજપને હરિફો કરતાં પોતાના જ નારાજ કાર્યકરોનો ડર
પાંચ લાખથી વધુ મતોની લીડ સાથે ગુજરાતની તમામ ર6 લોકસભા બેઠક ફતેહ કરવાના સપના નિહાળતા સત્તાધારી પક્ષ ભાજપને હાલ પોતાના જ પક્ષના નારાજ કાર્યકરોનો ડર સતાવી રહ્યો છે. રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, મહેસાણા, સાંબરકાંઠા સહિતની બેઠકોમાં ઉમેદવારો સામે વિરોધ વંટોળ ફાટી નીકળ્યો છે. આયાતી ઉમેદવાર છાપ ધરાવતા કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો. મનસુખ માંડવીયા અને પરષોતમભાઇ રૂપાલા સામે વિરોધનું વાવેતર થયું છે.
તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરષોતમભાઇ રૂપાલા ક્ષત્રીય સમાજ વિશે ધસાતું બોલ્યા હતા. જેને લઇ રાજયભરમાં ભારે વિરોધ ફાટી નીકળતા રૂપાલાએ માફી માંગી લીધી હતી. છતાં ક્ષત્રીય સમાજની નારાજગી હજી શાંત થવાનું નામ લેતી નથી. ગઇકાલે ક્ષત્રીય સમાજના આગેવાનોએ પરષોતમ રૂપાલાની ઉમેદવારી જ રદ કરવાની માંગણી કરી હતી.
પોરબંદર બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવીયા સામે પણ વિરોધના સુર ઉઠયા છે. તેઓને આયાતી ગણી તેઓની સામે વિરોધ નોંધવતા બેનરો ધોરાજીમાં લાગ્યા છે.
ભાજપમાં સેન્સ પ્રક્રિયા દરમિયાન અનેક દાવેદારો ચુંટણી લડવા માટે ઇચ્છા વ્યકત કરતા હોય છે. ઉમેદવારનું નામ જાહેર થયા બાદ તમામ માટે માત્રને માત્ર કમળ જ સર્વોપરી બની રહેતું હોય ે. આ વખતે દેશભરમાં ભાજપ માટે ખુબ જ સારુ વાતાવરણ છે જયારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હોમ સ્ટેટમાં ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ કળમમાં કકળાટ જોવા મળી રહ્યો છે. વિરોધના પગલે બે બેઠકો માટે ઉમેદવારો પણ બદલવા પડયા છે. છતાં હજી ચા રથી પાંચ બેઠકો પર પક્ષમાં કાળો કકળાટ ચાલી રહ્યો છે. સાંબરકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, રાજકોટ અને પોરબંદર બેઠક પર એક યા બીજા કારણોસર ભાજપના ઉમેદવારો સામે નારાજગીના સુર જોવા મળી રહ્યા છે.
શિસ્તની કહાઇ દેતી ભારતીય જનતા પાર્ટીમાં હાલ જે રિતે ઉમેદવારો સામે વિરોધ અને નારાજગી જોવા મળી રહી છે તે પક્ષ માટે સારી નિશાની નથી જો કે હજી મતદાનને આડે ઘણો સમય બાકી રહ્યો છે.
કાર્યકરોની નારાજગી દુર કરવા માટે ભાજપ પાસે પુરતો સમય છે. અતિ આત્મ વિશ્ર્વાસમાં ભાજપ હાઇકમાન્ડે આડેધડ ઉમેદવારોની પસંદગી કરતા પાયાના કાર્યકરો અને પ્રબળ દાવેદારોમાં થોડા ઘણા અંશે અસંતોષ જોવા મળી રહ્યો છે.
ધોરાજીમાં ભાજપના ઉમેદવાર વિરૂઘ્ધ બેનરો લગાવવા મામલે આચારસંહિતા ભંગની ફરીયાદ
ગુનાહિત કૃત્ય આચરનાર સામે આઇપીસીની કલમ 120 હેઠળ કાર્યવાહી કરવા માંગ
પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયાને નુકશાન પહોંચે તેવા બેનરો કોઇ શખ્સ દ્વારા ધોરાજીમાં લગાવવામાં આવ્યા છે.
આ મામલે ભાજપ દ્વારા આચારસંહિતા ભંગની ફરીયાદ નોંધાવી છે. ભાજપ દ્વારા પોરબંદર અને રાજકોટ જીલ્લા કલેકટરને લેખીતમાં ફરીયાદ કરવામાં આવી છે જેમાં ગુનાહિત કૃત્ય આચરનાર વ્યકિત સામે આઇપીસીની કલમ 1ર0 હેઠળ પણ કાર્યવાહી કરવાની માંગણી કરાય છે.
બેનામી પોસ્ટર લગાવી સામાજિક સૌહાર્દ અને તટસ્થ ચૂંટણી પ્રક્રિયાને અડચણ પહોંચાડનાર શખ્સો સામે પગલા લેવા કરી માંગ કરાય છે.રીપ્રેઝેન્ટેશન ઓફ ધ પીપલ એકટ, 1951ની કલમ 127(અ)ની તથાઆઇપીસીની કલમ 171(ઇં)ની જોગવાઈઓનો ભંગ થયો છે.
સરકાર તરફે થી પણ આ પોસ્ટર લગાવવામાં કોણ કોણ સામેલ છે તથા તેમને કોનો સહયોગ મળી રહ્યો છે, તે તમામને શોધવા રાજ્યનું ગુપ્તચરતંત્ર પણ સક્રિય થયું છે. ટૂંક સમયમાં પોસ્ટરમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સામેલ તમામ લોકોને ઓળખી કડક કાર્યવાહી કરવામાં આવશે.
ભાજપે કેન્દ્રીયમંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાને પોરબંદર લોકસભાના ઉમેદવાર ઘોષિત કરી દીધા છે.ખૂબ જ સક્ષમ અને સંગઠનાત્મક દૃષ્ટિએ કુશળ તેમજ પોરબંદર મતવિસ્તાર સાથે લાંબો સેવાકીય નાતો ધરાવનાર ડો.માંડવીયાની ઉમેદવારીથી વિરોધપક્ષના પેટમાં તેલ રેડાયું હોય નિરાશામાં ધકેલાયને કોંગ્રેસના ઉમેદવાર તરફી અને ભાજપ વિરોધી તત્ત્વો દ્વારા પોરબંદર મતવિસ્તારમાં આવતા ધોરાજી શહેરમાં ભાજપના ઉમેદવારને નુકશાન થાય તેવા બેનર્સ લગાડીને આદર્શ આચાર સંહિતાનો જાહેરમાં ભંગ કર્યો છે
આ અનુસંધાને પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ ઓડેદરા તેમજ લીગલ સેલના એડવોકેટ કેતન દાણી દ્વારા જિલ્લા કલેકટર સમક્ષ ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદમાં જણાવાયું છે કે ધોરાજીમાં વિવિધ સ્થળોએ ભાજપના ઉમેદવારને નુકશાન અને હરીફ ઉમેદવારને ફાયદો થાય એ રીતના શબ્દ પ્રયોગો કરીને ભાજપના ઉમેદવારની પ્રતિષ્ઠા ઓછી થાય તેવો પ્રયાસ કરીને આદર્શ આચાર સંહિતા અને તેની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કર્યો છે.આ બેનરમાં લખાયેલા વાક્યોથી ઉમેદવારની પ્રતિષ્ઠા ઉપરાંત સામાજિક સોહાર્દને ગંભીરઅસર ઉપરાંત ક્ષત્રવાદને પોષક શબ્દોનો ઉલ્લેખ કરી ગંભીર નુકશાન કરવાના હેતુ સાથે બેનર્સ લગાડવામાં આવ્યા છે.
ધોરાજી શહેરમાં લગાવેલા આ પોસ્ટર જાહેર મિલકત અને રેપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ 1951ની કલમ 127-એ ની જોગવાઇ ઉપરાંત આઇપીસી કલમ 171-એચ નો ભંગ છે.એટલુજ નહિ ઉપરોક્ત બદઇરાદા સાથેનું બેનરનું ઠેર ઠેર લગાડવું વિગેરે આઇપીસી કલમ 120-એ હેઠલનું હોય ત્વરિત કાયદાકીય પગલાં અત્યંત આવશ્યક છે.
હજી તો ચૂંટણીની તૈયારીઓ પ્રારંભિક તબક્કામાં છે ત્યારે હાર ભાળી ચૂકેલ વિરોધપક્ષ આવા ગેરબંધારણીય હરકતો ચાલુ કરી ચૂંટણીના વાતાવરણને ડહોળવાના પ્રયત્નોને ભારતીય જનતા પાર્ટી કદાપિ સહન નહિ કરે તેવું પોરબંદર લોકસભા સીટ ચૂંટણી પ્રબધન ટીમના વડા અને સંગઠન પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી તેમજ પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા તેમજ રાજકોટ જીલ્લા ભાજપ હોદેદારો દ્વારા સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું છે.