- “ગેસ લોસમા” વધારાના યુનિટનો વપરાશ બતાવી ગ્રાહકોને તોતીંગ બીલ ફટકારતા ગ્રાહક સુરક્ષામાં દાદ માંગી‘તી: વધારાની રકમ વ્યાજ સાથે પરત કરવા આદેશ
મોરબી ગ્રાહક તકરાર નિવારણ આયોગ દ્વારા આજરોજ એક અતિ મહત્વપૂર્ણ ચુકાદો આપેલ છે તેમ કહી શકાય, જેમાં ગુજરાત ગેસ કંપની તેમના ગ્રાહકોને એટલે કે ઘેર-ઘેર, સીરામીક યુનિટોમાં સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓમાં ગેસ પૂરો પાડે છે ત્યારે ગુજરાત ગેસ તરફથી ગ્રાહકોને તેમના ગેસ વપરાશનું બિલ આપવામાં આવે છે. આ બિલમાં વપરાયેલ યુનિટ ઉપરાંત ’ગેસ લોસમાં’ ગયેલ વધારાના યુનિટનો વપરાશ બતાવી ગ્રાહકોને બિલ આપવામાં આવે છે. ત્યારે આવા એક કિસ્સામાં સેવસકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાને ગેસ લોસના નામે વધારાનું બિલ આપતા મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મોરબી ગ્રાહક તકરાર કમિશનમાં આ બાબતે કેસ દાખલ કરતા મોરબી ગ્રાહક અદાલતે બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ મહત્વપૂર્ણ ચુકાદો આપી ગ્રાહક સાથે થયેલ અન્યાય બાબતે ગુજરાત ગેસ કંપનીને રૂ.1003/- 9 ટકાના વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો છે. આ સાથે મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ દ્વારા આરટીઆઈ કરી ’લોસના’ નામે ગુજરાત ગેસ કંપનીએ કેટલા ગ્રાહકોને આ રીતે વધારે યુનિટોના બિલ પધરાવવામાં આવ્યા છે તેની વિગતો માંગેલ છે.
ગ્રાહક તકરાર નિવારણ આયોગના કેસની મળતી માહિતી અનુસાર મોરબીની સેવાભાવી સંસ્થા પંચમુખી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગરીબ-નિરાધાર વ્યકિતને મફત ટીફીન પહોંચાડે છે તેના પ્રમુખ પ્રહલાદસિંહ કે.ઝાલાને ગુજરાત ગેસ લી. કંપનીએ 289 યુનીટ ગેસ વપરાશના બદલામાં 315/99 યુનીટનો વપરાશ બતાવીને રૂા. 12,1473 બીલ આપવામાં આવ્યું હતું. ત્યારે આ અંગે પ્રહલાદસિંહ ઝાલાએ મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરેલ હતો. આ કેસ ગ્રાહક અદાલતમાં ચાલી જતા ગેસ કંપનીની દલીલ હતી કે 289 યુનીટ સાચો પણ બીજો ’લોસમાં ગયેલ ગેસ’ તે ગ્રાહકને ભરવો પડે એવી દલીલ હતી પરંતુ ગ્રાહક અદાલતે આ દલીલ માન્ય ના રાખતા જે 289 યુનીટ દેખાડે છે તે અને ફક્ત તે બીલ ગ્રાહકે ભરવાનું હોય, નહિ કે લોસના નામે બતાવી વધારાનું બિલ. આ રીતે ગ્રાહક અદાલતે રૂા. 1003/ એક હજાર ત્રણ 9 ટકાના વ્યાજ સાથે અને 500 પાંચસો માનસીક ત્રાસ અને 1000 એક હજાર ખર્ચના તા.15/9/21 થી ચુકવવાનો આદેશ કરેલ છે.
ઉલ્લેખનીય છે કે મોરબીમાં ઘરે ઘરે અને સીરામીક યુનિટોમાં ઘણો બધો ગેસ વપરાય છે. ત્યારે લોસના નામે ગુજરાત ગેસ કંપનીએ કેટલા કેટલા બીલ આપે છે તેની પણ તપાસની માંગણી મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઇએ કરેલ છે. આ સાથે કોઇપણ સંસ્થા કે અન્ય કોઈ ગ્રાહકને આ રીતે અન્યાય થતો હોય તો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઇ મહેતા-મો.નં.98257 90412 તથા ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ-મો.નં. 93774 99185, મંત્રી રામભાઈ મહેતા-મો.નં.9904798048 નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.