જમ્મુ-કાશ્મીરમાં વ્યાપક હિમવર્ષાને પગલે રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસમાં તાપમાનનો પારો ૭ ડિગ્રીથી વધુ નીચો પટકાયો: આગામી સપ્તાહે લઘુતમ તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચી જવાની સંભાવના
સીઝનનો સૌથી ઠંડો દિવસ, નલીયાનું તાપમાન ૭.૮ ડિગ્રી નોંધાયું: શિયાળાને અવરોધતા તમામ પરીબળો હટયા: ગરમ વસ્ત્રો હાથવગા રાખજો
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા બે દિવસથી પડી રહેલી વ્યાપક હિમવર્ષાના કારણે ગુજરાતમાં ગાત્રો થ્રીજાવતી કાતિલ ઠંડીનો દૌર આગામી સપ્તાહમાં શરૂ થાય તેવી શકયતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાનનો પારો ૭ ડિગ્રી વધુ નીચો પટકાતા શહેરમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. આગામી સપ્તાહે જ લઘુતમ તાપમાન સિંગલ ડિઝીટમાં પહોંચી જાય તેવી શકયતા પણ જણાઈ રહી છે.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૨.૯ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૪ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૭ કિલોમીટર પ્રતિકલાક રહેવા પામી હતી. સવારે ૮:૩૦ કલાકે શહેરનું પ્રમાણ ૧૫.૨ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. ગઈકાલનું મહતમ તાપમાન ૨૭.૪ ડિગ્રી રહેવા પામ્યું હતું.
ગઈકાલ કરતા આજે લઘુતમ તાપમાનમાં દોઢ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાતા ઠંડીનું જોર વધ્યું હતું. ગત ૧૦ તારીખે શહેરનું લઘુતમ તાપમાન ૨૦ ડિગ્રી હતું જયારે ૧૧મીના રોજ ૧૮ ડિગ્રી અને ૧૨મીના રોજ ૧૪.૩ ડિગ્રી નોંધાયું હતું. છેલ્લા ૩ દિવસમાં તાપમાનનો પારો ૭ ડિગ્રીથી વધુ નીચો પટકાતા કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા બે દિવસથી વ્યાપક પ્રમાણમાં હિમવર્ષા થઈ રહી છે. જેની અસર ગુજરાતમાં વર્તાવાનું શ‚ થઈ ગયું છે. આગામી દિવસોમાં રાજયમાં ઠંડીનું જોર વધશે અને બે-ત્રણ દિવસમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક ગામોમાં લઘુતમ તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચી જાય તેવી શકયતા જણાઈ રહી છે.
કાતિલ ઠંડીનો દૌર શરૂ થતા લોકો ચીકી, ઝીંઝરા, શેરડી સહિતના પૌષ્ટીક આહાર તરફ વળી ગયા હતા. રાત્રીના સમયે ઠંડીમાં રાહત મેળવવા માટે રાજકોટવાસીઓ કાવાની ચુસ્કી પણ લેતા નજરે પડે છે. ઠંડીના કારણે વહેલી સવારમાં વોકીંગમાં નિકળતા લોકોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ શાળા-કોલેજોએ જતા વિદ્યાર્થીઓ ગરમ કપડામાં વિંટોળાયેલા નજરે પડે છે.
આગામી દિવસોમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો હોય લોકોને ગરમ કપડા હાથવગા રાખવા માટે સાવચેત કરવામાં આવ્યા છે. કચ્છના નલીયામાં પણ આજે હાડ થ્રીજાવતી ઠંડી પડી હતી. ચાલુ સાલ શિયાળાની સીઝનમાં આજે નલીયાનું તાપમાન સૌથી ઓછુ ૭.૮ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૬ ટકા અને પવનની ઝડપ શાંત રહેવા પામી હતી. જૂનાગઢમાં પણ કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાત આખુ ઠંડીની આગોશમાં આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે.