રાજ્યભરમાં ચકચાર મચાવનાર ઝુલતા પુલ દુર્ઘટનામાં
પોલીસ ફરિયાદી બની ઓરેવા ગ્રુપના એમ.ડી., મેનેજર, ટીકીટ બુકીંગ ક્લાર્ક સહિત 10 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો
142થી વધુ લોકોના મોત અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 લોકોના મૃત્યુની કરુણિકા સર્જવા મામલે પકડાયેલા ઓરેવા ગ્રુપના જયસુખ પટેલને રાહત મળી છે. જેમાં સુપ્રીમ કોર્ટે આરોપી જયસુખ પટેલના શરતી જામીન મંજૂર કર્યા છે. છેલ્લા 400 જેટલા દિવસના જેલવાસ બાદ જયસુખ પટેલને અંતે જામીન મળ્યા છે. લાંબા કાનૂની જંગ બાદ સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને શરતી જામીન આપ્યા છે.
કેસ વર્ષ 2022માં દિવાળીના તહેવારોમાં 30 ઓક્ટોબરની સાંજે બનેલી મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં બાળકો- મહિલાઓ સહિત 135 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ કેસમાં પહેલેથી જ પોલીસની તપાસ શંકાસ્પદ રહી હતી. સાંજે 6.30 કલાકે બનેલી દુર્ઘટના બાદ ભોગ બનનારાઓને બચાવવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન જ માત્ર પોણા બે કલાકમાં પોલીસે આરોપીઓના નામ- ઠામ વિનાની એફઆઇઆર રાતે 8.15 કલાકે નોંધી દીધી. મોરબી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પ્રકાશ અંબારામભાઈ દેકાવાડીયાએ રેસ્કયુ ઓપરેશનની વચ્ચે ફરિયાદ કરતા અનેક સવાલો ઉઠ્યા હતા.
ત્યારબાદ નાયબ પોલીસ વડાએ તપાસની સાથે-સાથે ધરપકડનો દોર પોલીસે સિક્યુરિટી ગાર્ડસ, ટિકિટ બુકિંગ કલાર્ક અને મેનેજર સહિત 9ની ધરપકડ કરી હતી. ત્રણ મહિના બાદ જાન્યુઆરી-2023ના અંતમાં જયસુખ પટેલ અદાલત સમક્ષ હાજર થતાં ધરપકડનો આંક 10 પર પહોંચ્યો હતો. હજાર કરોડના આસામી અને ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલ 13 મહિનાથી જેલમાંથી બહાર આવવા માટે સેશન્સ કોર્ટ, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી અલગ અલગ બહાના હેઠળ જામીન મેળવવા માટે વકીલોની ફોજ ઉતારી હતી. લાંબા કાનૂની જંગ બાદ અંતે આજે સુપ્રીમ કોર્ટે શરતી જામીન આપ્યા છે. જયસુખ પટેલ અને તેમના પરિવારે રાહતનો દમ લીધો છે. સુપ્રિમ કોર્ટમાં બચાવ પક્ષે સિનિયર કાઉન્સીલર મુકુલ રોહતંગી, હાઇકોર્ટમાં નિરૂપમભાઇ નાણાવટી અને અનિલભાઇ દેશાઇ સહિત સિનિયર એડવોકેટો રોકાયા હતા.