ઉમેદવારોના નામની કરાશે કોઇપણ ઘડીએ સત્તાવાર જાહેરાત: રાજકોટ બેઠક માટે પરેશ ધાનાણી અને અમરેલી બેઠક માટે જેનીબેન ઠુમ્મરનું નામ કરાયું નકકી
ગુજરાતની લોકસભાની ર6 બેઠકો પૈકી કોંગ્રેસ દ્વારા સાત બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. દરમિયાન ગઇકાલે મળેલી ચુંટણી સમિતિની બેઠકમાં ગુજરાતની વધુ 10 બેઠકો માટે ઉમેદવારના નામ ફાઇનલ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે ગમે તે ઘડીએ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની સત્તાવાર ઘોષણા કરવામાં આવશે.
કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની પ્રથમ યાદીમાં ગુજરાતની સાત બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં કચ્છ લોકસભા બેઠક માટે નીતીન લાલન, બનાસકાંઠા બેઠક માટે ગેનીબેન ઠાકોર, અમદાવાદ પૂર્વ બેઠક માટે રોહન ગુપ્તા, અમદાવાદ પશ્ર્ચિમ બેઠક માટે લલીતભાઇ વસોયા, બારડોલી બેઠક માટે સિઘ્ધાર્થ ચૌધરી અને વલસાડ બેઠક માટે અનંતભાઇ પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી. પિતાની નાદુરસ્ત તબિયતના કારણે રોહન ગુપ્તાએ ચુંટણી લડવા માટે ઇન્કાર કર્યો છે.
દરમિયાન ગઇકાલે મળેલી કોંગ્રેસની ચુંટણી કમિટીની બેઠકમાં ગુજરાતની વધુ 10 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા. જેમાં આણંદ બેઠક માટે અમિતભાઇ ચાવડા, રાજકોટ બેઠક માટે પરેશભાઇ ધાનાણી, અમરેલી બેઠક માટે જેનીબેન ઠુંમર, સુરત બેઠક માટે નિલેશભાઇ કુંભાણી, પાટણ બેઠક માટે ચંદનજી ઠાકોર, છોટા ઉદેપુર બેઠક માટે સુખરામ રાઠવા ખેડા બેઠક માટે કાળુસિંહ ડાભી, દાહોદ બેઠક માટે પ્રભાબેન તાવીયાડ, સાંબરકાંઠા બેઠક માટે તુષારભાઇ ચૌધરી અને પંચમહાલ બેઠક માટે ગુલાબસિંહ ચૌધરીના નામ ફાઇનલ કર્યા છે. આજે અથવા આવતીકાલે ગમે ત્યારે ઉમેદવારોના નામની સત્તાવાર ઘોષણા કરવામાં આવશે.
ઇન્ડિયા ગઠબંધનના ભાગરુપે ગુજરાતની ભાવનગર અને ભરુચ બેઠક કોંગ્રેસ દ્વારા આમ આદમી પાર્ટીને ફાળવવામાં આવી છે. અગાઉ સાત બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરાયા છે.
જયારે 10 બેઠકો માટે નામો ફાઇનલ કરી દેવામાં આવ્યા છે. હજી કોંગ્રેસે બાકી રહેલી સાત બેઠકો માટે કોઇ નિર્ણય લીધો ન હોવાનું જાણવા મળી રહ્યું છે.
મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસે 12 બેઠકો ઉપર ઉમેદવારો નક્કી કરી લીધા
કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ મહારાષ્ટ્રમાંથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ નક્કી કરવા માટે બેઠક યોજી હતી. આ પછી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે 12 સીટો માટે ઉમેદવારોના નામ ફાઈનલ થઈ ગયા છે. બાકીની સીટોને ફાઈનલ કરવા માટે કોંગ્રેસ આજે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર સાથે બેઠક કરશે.પટોલેએ કહ્યું કે, અમે મહારાષ્ટ્રમાં 18-19 સીટો પર ચર્ચા કરી છે. 12 બેઠકો નક્કી કરવામાં આવી છે અને સવારે અમારી શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત છે.
સીઈસીની બેઠકમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ અને સમિતિના અન્ય સભ્યો હાજર રહ્યા હતા. સમિતિના સભ્ય રાહુલ ગાંધી બેઠકમાં હાજર ન હતા.લોકસભા ચૂંટણી માટે મહારાષ્ટ્રના ઉમેદવારોની યાદીની જાહેરાત પર પાર્ટીના નેતા રમેશ ચેન્નીથલાએ કહ્યું કે, અમે કેટલીક સીટોની જાહેરાત કરવાના છીએ અને બાદમાં અમે અન્ય સીટોની પણ જાહેરાત કરીશું. મહા વિકાસ આઘાડી અકબંધ છે અને અમે બધા સાથે જઈ રહ્યા છીએ.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની આગેવાની હેઠળની સમિતિ મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના ઉમેદવારોની યાદી પર ચર્ચા કરી રહી છે. કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું કે, ઉમેદવારોની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. સાત તબક્કાની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે અત્યાર સુધીમાં બે યાદીમાં 82 ઉમેદવારોની જાહેરાત કરી છે.
આ સાત બેઠકો માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારો કરી દેવાયા છે જાહેર
કચ્છ નીતિશ લાલન
બનાસકાંઠા ગેનીબેન ઠાકોર
અમદાવાદ પૂર્વ રોહન ગુપ્તા
અમદાવાદ પશ્ર્ચિમ ભરત મકવાણા
પોરબંદર લલીત વસોયા
બારડોલી સિઘ્ધાર્થ ચૌધરી
વલસાડ અનંતભાઇ પટેલ
કંઇ બેઠક માટે કોનું નામ કોંગ્રેસમાં કરાયું ફાઇનલ
આણંદ અમિત ચાવડા
રાજકોટ પરેશ ધાનાણી
અમરેલી જેનીબેન ઠુંમ્મર
સુરત નિલેશ કુંભાણી
પાટણ ચંદનજી ઠાકોર
છોટાઉદેપુર સુખરામ રાઠવા
ખેડા કાળુસિંહ ડાભી
દાહોદ પ્રભાબેન તાવીયાડ
સાંબરકાંઠા તુષાર ચૌધરી
પંચમહાલ ગુલાબસિંહ ચૌહાણ