મોરાયુ એ જૂના સમયની પશુઓની ચોરીની રીત અને નાણા કઢાવવાની રીત હતી !
એક દિવસ અર્ધી રાત્રીનાં ફોજદાર જયદેવને તેના ઘેર પોલીસ સ્ટેશનેથી આવીને કોન્સ્ટેબલે સમાચાર આપ્યા કે લીલાપૂર ગામે ફાયરીંગ થયા છે અને ઈજા પામનારને સરકારી દવાખાને દાખલ કરેલ છે.
જયદેવે હોસ્પિટલમાં જઈ એફઆઈઆર લખી તો ખબર પડી કે ગામના પાદરમાં આવેલ છેવાડાના મકાનમાં ત્રણ ચાર હિન્દી ભાષી લૂંટારાઓએ લૂંટ કરવાના ઈરાદે ઘરના સભ્યોને બાન પકડવા જતા ઝપાઝપી થયેલ અને ગુનેગારો ઉપર વળતો પ્રહાર થતા ગૂનેગારોએ પોતા પાસેના તમંચામાંથી ભડાકા કરી ઈજા કરેલ હતી. લૂંટ માં કોઈ માલસામાન ગયેલ નહતો. ઈજાઓ પણ સામાન્ય હતી આરોપીઓ તમંચા બનાવવાળી જગ્યાએ જ પડતા મૂકી ખાલી હાથે નાસી ગયા હતા.
લીલાપૂર જસદણથી વિંછીયા જતા હાઈવે ઉપરનું ગામ હતુ જયદેવે લીલાપુર જઈ ગુન્હાવાળી જગ્યાનું પંચનામું કયર્ંુ ફરિયાદીનું ઘર ગામથી બારોબાર પાદરમાં વાડીના શેઢે આવેલ હતુ. વાડી પડતર હતી કાંઈ વાવેતર હતુ નહિ ફળીયામાં બે તમંચા મેઈડઈન કાનપૂર યુ.પી.નાં હતા આરોપીઓ ઘરમાંથી વાડીમાં થઈ ને નાસી ગયા હતા. જયદેવે અનુમાન કર્યું કે ભાષા સ્પષ્ટ હિન્દી અને તમંચા (કટા) કાનપુર બનાવટના હતા આરોપીઓની બીજી કોઈ ચીજ વસ્તુ સ્થળ ઉપર પડી નહતી કે સાથે કાંઈ લઈ ગયા નહતા. આથી જયદેવને મનમાં શંકા થઈ કે ગુન્હો વણ શોધાયેલો તો નહિ રહેને? કેમકે તેના જસદણ પોસ્ટીંગ પછી લૂંટનો આ પ્રથમ પ્રયાસ કે બનાવ હતો. તેને ગુન્હાની આ સ્થિતિ જોતા એવું લાગ્યું કે ‘ડોસો મરે તેનો વાંધો નહિ પરંતુ જમ ખોરડા ભાળી જાય’ તેમ જો ફરી વખત આ ગેંગ ગુન્હો કરે તો મુશ્કેલી થાય.
જયદેવે વિચાર્યું કે આ પાંચાળ પ્રદેશનાં અંતરીયાળ ગામમાં યુ.પી.ની ગેંગ આવી હોય તો તેને કોઈક સ્થાનિક ગુનેગારે આશ્રય અને મદદ કરી જ હોય તેણે તે તરફ વિચારવાનું શ‚ કર્યું. પરંતુ તે હવામાં તીર મારવા જેવું હતુ.
બે દિવસ જયદેવ સહિત ત્રણેક અધિકારીઓ એ લીલાપૂર વિસ્તારમાં જીપો દોડાવી પરંતુ કોઈ પતો લાગ્યો નહિ. ત્રીજે દિવસે જયદેવ એકલો લીલાપૂર આવ્યો ઘરની બાજુમાં વાડીમાં ઝાડવા નીચે ખાટલા નાખી બે દિવસની તપાસના કાગળો બનાવતા હતા દરમ્યાન જયદેવને થયું કે આરોપીઓ વાડીમાંથી દૂરની દિશામાં ભાગ્યા હતા. તો કયાંક દૂર જઈ આરોપીઓ બેઠા હોય અને કાંઈક ચીજ વસ્તુ પડી હોય તો કોઈક પૂરાવો મળે તેથી જયદેવ આ પડતર વાડીમાં થઈ વચ્ચેની વાડ જે થોરની હતી તેમાં છીંડા હતા તેમાંથી રાવળી જમીનમાં જઈ એકાદ કીલોમીટર સુધી ચકકર લગાવ્યા પણ કાંઈ મળ્યું નહી. વળતા પાછો છીંડામાં થઈ વાડીમાં આવ્યો વાડીમાં એક બાજુ ફેન્સીંગ બાંધ્યા વગરનો કુવો હતો જેને ફરતા ઝાડી ઝાંખરા ઉગી ગયા હતા તે તરફજતા વાડી માલીકે કહ્યું સાહેબ ખાલી કુવો છે. પચાસેક ફૂટ ઉંડો છે. અને પડતર છે.છતા જયદેવે જઈ તે કુવામાં જોયું તો અંધા‚ હતુ તેમાં કાંઈ દેખાયું નહિ આથી પાછો વળતો હતો ત્યાં કુવામાંથી માણસના બોલવા જેવો અવાજ આવ્યો. તેથી જયદેવે વળતો અવાજ કયોર‘કોણ છે?’ તો અંદરથી અવાજ આવ્યો ‘બાપા વાઘરી છું અને રાત્રે ભેંસ લઈને નીકળ્યો હતો. અંધારાને કારણે કુવો દેખાયો નહિ અને પડી ગયો છું બચાવો’
જયદેવ ઘણુ સમજી ગયો, વાઘરી પાસે ભેંસ હોય નહિ હોય તો લગભગ ચોરીની હોય વળી વાડીની વચ્ચે કયાં રસ્તો હતો કે ત્યાંથી ભેંસ લઈને નીકળે. જયદેવ સમજી ગયો કે લૂંટમાં પરપ્રાંતીય ગેંગને મદદ કરનાર આજ છે. પરંતુ આજે લૂંટનો ત્રીજો દિવસ છે તો તે શુંઆટલા દિવસ મુંગો પડયો રહ્યો હશે? હસુભાઈ જમાદારે કહ્યું વાઘરી ચાર પાંચ દિવસ ગમે તેમ કરી કાઢી નાખે છેલ્લે શિવામ્બુ કરી લે તેમાંથી એકતો તરસ મટે અને બીજુ મારનો દુ:ખાવો પણ ઓછો થાય! જયદેવને આ તરકીબની નવાઈ લાગી પણ તે સાચી હતી પરંતુ જયદેવેને થયું હવે આને બહાર કાઢીને પહેલા હોસ્પિટલમાં જ મોકલવો પડે અને પછી પુછપરછમાં કાંઈ ખાસ સાચી જણાવશે નહિ આથી જયદેવે તેને કહ્યું જો અમો પોલીસતો છીએ પરંતુ અમારા કહ્યા વગર તને કોઈ બહાર કાઢશે નહિ જે હોય તે સાચુ કહી દે થોડીવારે તેણે કહ્યું પહેલા બહાર કાઢો પછી વાત કરૂ. જયદેવે ધીરજથી કહ્યું અમારે કોઈ ઉતાવળ નથી તારે કહેવું હોય તો અંદર થી જ કહીદે. કેમકે જયદેવ જાણતો હતો કે આ બનેલો ગુનેગાર એક વખત બહાર આવ્યા પછી ફરી જાય. થોડીવારે તેણે પોતાનું નામ ગામનું નામ જણાવ્યું અને લૂંટ કરવા વાળા યુ.પી.ના હતા તે રાજકોટ જીલ્લા જેલમાં ભેગા થયા હતા ત્યાં થોડા મહિના સાથે રહેલા ત્યારે એક કામ ઉતારવાની વાત થયેલી તેથી તેઓ બધા છૂટીને આટકોટ મળેલા પોતે તો ફકત લીલાપૂર સુધી લઈ આવી ને આ ઘરબતાવેલ હતુ. લૂંટમાં પોતે કયાંય નથી ભાગતી વખતે પોતે આ કુવામાં પડી ગયેલનું જણાવ્યું.
લોકો એકઠા થઈ ગયા ખાટલો નાખી વાઘરીને બાર કાઢ્યો તેને સાવ સામાન્ય ઈજા થયેલ હતી. જયદેવે તેને બે દિવસ ખાધા અને પાણી વગર કુવામા કેમ પડી રહ્યો કેમ સાદ પાડયો નહિ તેમ પૂછતા તેણે કહ્યું કે બે ત્રણ દિવસ જાય પછી લોકોને સાદ પાડીને બોલાવું અને ભેંસ વાળી વાત કરૂ એટલે આ લોકો તો મારી વાતને સાચી જ માની લેવાના હતા. પરંતુ આતો તમે જ નીકળ્યા અમારી બનાવેલી વાત તમો માનો જ નહિ ને એટલે ! ગુન્હો શોધાયો પણ મુખ્ય સુત્રધારો યુ.પી. તરફ નાસી ગયા હતા.
એકજ અઠવાડિયામાં બીજી એક સીમચોરીની ફરિયાદ આવી જસદણમાં જ વિંછીયા રોડ ઉપર આવેલ ખેડુતની વાડીમાં બાંધેલ બળદ અને વાડીમાં રાખેલ ગાડુ બંને ચોરાઈ ગયા હતા બળદ ગાડાના ચીલા ડામર રોડ સુધી જ હતા અહી પણ આરોપીઓ કોઈ પૂરાવો મૂકતા ગયા નહતા. પોલીસે આધુનિક એમ.ઓ. પધ્ધતિ (મોડસ ઓપરેન્ડી)થી તપાસ શ‚ કરી આવા ગુન્હા કરવાની ટેવ વાળા ઈસમોને તપાસ્યા, તેમના રહેઠાણો તપાસ્યા પરંતુ કોઈ અતો પતો લાગ્યો નહિ.
એક દિવસ જયદેવને બાતમી મળી કે વિંછીયા ગામના પાદરમાં એક વાઘરીએ કુબો બાંધ્યો છે. અને નવો આવ્યો છે. પોતાને બળદનો વેપારી ગણાવે છે. પરંતુ પોતા પાસે કોઈ બળદ તો છે નહિ.એક દિવસ રાત્રીનાં જયદેવ તથા હસુભાઈ વિંછીયા જઈ વાઘરીને પૂછપરછ માટે જસદણ લઈ આવ્યા તેને શામ, દામ અને ભેદની રીતે પૂછપરછ કરી તેથી તેણે કંટાળી કહ્યું હા ચોરી કરેલ છે. તો જયદેવે પૂછયું કયાંથી ચોરી કરી? તો તેણે જગ્યા બતાવવાનું કહેતા જીપ લઈને તે કહે તે વાડીએ જીપ લાવતા આ વાડી જયાંથી બળ અને ગાડાની ચોરી થઈ તેજ વાડી હતી. બળદનું વર્ણન રંગ શીંગડા પણ ચોરી થયેલ બળદ જેવા જ વર્ણવ્યા આથી બળદ અને ગાડુ કયાં છે તે પુછતા તેણે કહ્યુંં સાહેબ તે ખબર નથી આથી જયદેવે યુકિત પ્રયુકિતથી પૂછપરછ કરી તો રડવા લાગ્યો અને કહે ખબર નથી. તેની આંખમાં પાણી આવી ગયા.
હસુભાઈ એ કહ્યું સાહેબ હવે આ નહિ બોલે કેમકે વાઘરી ખોટુ રડે પણ આંખમાં પાણી ન આવે આ સાચુ રડે છે. તે ભયનું એ છે તેણે ચોરીનો માલ કોઈક ભયંકર વ્યંકિતને આપ્યો હશે જો નામ આપે તો તેનું તો ઠીક પરંતુ ઘરના સભ્યોની હાલત પણ બગડી જાય. જયદેવને નવાઈ લાગી આથી પૂછયું ‘આ કેવી રીતે?’ હસુભાઈ વિગતે સમજાવ્યું કે આ પધ્ધતિ આ વિસ્તારમાં જૂના જમાનાની પશુઓની ચોરીની પધ્ધતિ છે. જેમાં જો ફરિયાદીને પોતાના પશુઓ પાછા જોઈતા હોય તો ગામના કોઈ દાદા અને માથાભારે વચેટીયા મારફ્તે લેતીદેતીની સોદા બાજી થાય અને સોદો માફક આવે તો પૈસાના બદલામાં પશુઓ પાછા તેના માલીકને મળે. અને જો પતાવટ ન થાય તો આવા ચોરાયેલા પશુઓ ગાયો, બળદ, ઘોડા ભેંસો, વિગેરેને અંધારા ભંડકીયા કે ઓરડાઓમાં લાંબો સમય પૂરી રાખી તેની ચામડી ઉપર ગરમ ગરમ રાખ (ભષ્મ)ને નિયમિત ઘસે અને શીંગડાને સતત તેલ લગાડી થોડા પોચા થાય એટલે બળ પૂર્વક તેનો ઘાટ ફેરવી નાખે ગરમીને કારણે રંગ ફરી જાય અને શીંગડા ના ઘાટ ફરી જાય એટલે ઓળખાય નહિ તેથી બજાર ભાવે આ પશુને વેંચીદેવાયછે.
સોદા બાજીમાં વચેટીયા દ્વારા જે નાણા મૂળ માલીક પાસેથી લેવામાં આવે તેને ‘મોરાપુ’ કહે છે. એટલે આ ચોરી પણ ‘મોરાપા’ માટે જ થયેલ છે. પણ પોલીસ ફરિયાદ થઈ જતા હવે કોઈ વચેટીયો નહિ આવે. બે દિવસ વાઘરીને સાચવીને કંટાળીને વિંછીયા પાછો મૂકવા જવા પ્રખ્યાત હાજી કંડકટરની ટેક્ષી બાંધી વિંછીયા આવી તેના કુબા ઉપર ઉતારી દીધો, વાઘરી બોલ્યો ‘બાપુ માતા તમા‚ ભલુ કરે હવે ભૂલ નહિ થાય’ જયદેવને હસુભાઈની વાત સાચી લાગી કે ચોરીતો આણે જ કરી પરંતુ કોઈ બીજી વ્યકિતના વધુ ભયને કારણે મુદામાલ (બળદગાડુ) બતાવતો નથી.
હાજી કંડકટરની ટેક્ષી વનેચંદના વરઘોડા જેવી હતી. જયદેવ આગળની સીટમાં બેસે અને દરવાજો બંધ કરે અને જયદેવ ધારે તો ખૂલે નહિ બહારથી બીજાએ ખોલવો પડેરૂટેક્ષી ઉભી રખાવવી હોય તો ઘણા સમય પહેલા કહેવું પડે બ્રેક ના બે ત્રણ પેડલ મારે પછી ટેક્ષી ઉભી રહે. વિંછીયાથી આ ધંધૂકા ગોંડલ રોડ અમરાપર ગામ પછી હીંગોળગઢનું જંગલ હીંગોળગઢની નાની ઘાટી એટલે કે ઢાળ આવે તે પછી હીંગોળગઢો કિલ્લો અને લીલાપૂર થઈ જસદણ, હસુભાઈ વાતોડીયા એટલે તેમણે વાત માંડી કે સાહેબ થોડા વર્ષો પહેલા આ ઢાળમાં ટ્રકોધીમા પડતા એટલે તે વાહનોમાં ચોરીઓ અને લૂંટો પણ થતી હતી આ અમરાપર ગામની સીમમાં ઢાળ ઉતરતા દુધના કેન ભરેલુ મેટાડોર બ્રેક ફેઈલ થતા હજુ ગયા વર્ષે જ પૂર ઝડપે ઢાળમાંથી નીચે આવી પલ્ટી મારી ગયું મેટાડોરમાં પુષ્કળ પેસેન્જરો બેસાડેલા તે પણ દુધના કેન નીચે દટાઈ જતા કુલ ૨૯ માણસોના મરણ થયેલ હતા. આ તેજ વિસ્તાર છે.
આમ વાતો કરતા કરતા અમરાપર ગામ ગયું અને હિંગોળગઢનું જંગલ શ‚ થતુ હોય જયદેવ આગળ બેઠો બેઠો તે જોતો હતો દૂરથી ઢાળ શ‚ થતો હતો અનેસહેજ ડાબી બાજુ જોયું તો અકે સફેદ કપડાધારી હાથમાં ડાંગવાળો માણસ દોડીને જંગલમાં ગયો પરંતુ ટેક્ષી વનેચંદનો વરઘોડો હોય જયદેવે હાજીને ટેક્ષી ઉભી રાખવાનું કહ્યું એટલે તેણે પેડલ મારવાના ચાલુ કર્યા ત્યાં પાંચસોએક મીટર ટેક્ષી ચાલી ગઈ જયદેવને થયું જો કાંઈક હોયતો પણ હવે જંગલમાં હાથ ન આવે વળી જયદેવને યાદ આવ્યું કે જયારે કોઈ નબળી વાત થાય કે ઓસાણ આવે ત્યારેજ આવું કાંઈક કારણ દેખાતુ હોય છે. તેમ તેનો અનભુવ હતો. તેથી પાછુ હાજીને કહ્યું જવાદે હવે કાંઈ નહિ. હીંગોળગઢનો ઢાળ ચડી ગઢ પાર કરી લીલપૂરની હદ શ‚ થઈ એટલે જયદેવે હસુભાઈને કહ્યું કે જયાં ટેક્ષી ઉભી રખાવેલી તેના થોડા સમય પહેલા જ એક ડાંગધારી સફેદ કપડા વાળા માણસને તમે જોયેલો? હસુભાઈએ કહ્યું સાહેબ તમને ચશ્મા આવ્યા લાગે છે.
લાલ બાંધણી પહેરેલ સ્ત્રી હતી અને તે દોડીને જંગલમાં ગઈ અને તમે ટેક્ષી ઉભી રખાવી પરંતુ તમે તુરત પાછી ઉપાડી મૂકી સા‚ કર્યું ગોઝારી જગ્યા છે બંને વચ્ચે વાદ થયો જયદેવે કહ્યુંં સફેદ કપડા ધારી પૂ‚ષ હતો અને હસુભાઈ કહે લાલ બાંધણી પહેરેલ સ્ત્રી જ હતી જયદેવે કહ્યું એક કામ કરીએ હજુ ચારેક કિલોમીટર દૂર જ છીએ, પાછા વળીને ખાત્રી કરીએ. ટેક્ષી પાછી વળાવી હીંગોળગઢનો ઢાળ ઉતરતા અમરાપર ગામ તરફ આવતા જયદેવે ઝાડવાનાં આકારની નિશાનીના અનુમાને ટેક્ષી ઉભી રખાવી બધા નીચે ઉતર્યા થોડા આગળ પાછળ થતા જ જયદેવને કડીયાળી ડાંગ મળી ગઈ અને અંદર થોડે દૂર બાવળમાં ભરાયેલુ પનીયું મળી ગયું અને પોતે સાચો પડયાનો આનંદ હજુ વ્યકત કરે ત્યાંજ હસુભાઈએ કહ્યુ આ લેડીઝ રૂમાલ અને લેડીઝ કાંડા ઘડીયાળ રહી તેમ કહી પોતે સાચા હોવાનો દાવો કર્યો. બંને જણા સાચા હતા ટેક્ષી ઝડપથી જતી હતી તેથી એક જણનું ધ્યાન મહિલા ઉપર પડયું અને એકનું ધ્યાન પૂરૂષ ઉપર પડયું હતુ વળી આ નવો કોયડો ઉકેલવાનો હતો. કે ખરેખર આ કોણ હતુ કેમકે આ જગ્યાએ તો ગયા વર્ષે જ ઓગણત્રીસ વ્યકિત મરણ ગયેલ હતી સામાન્ય રીતે ગામડાનું કપલ (જોડકુ) અહી આવવાની હિમત કરે નહી પરંતુ જયદેવે કહ્યું કે ઘણા નિર્ભય પ્રેમીઓ આવી બાદ વાળી સલામત જગ્યા જ પસંદ કરતા હોય છે કોઈ ગોઝારી જગ્યા માની ઘા એ તાએ આવે નહિ અને તેથી તેમની સલામતી પુરી.
બીજે દિવસે હસુભાઈને જયદેવે ડાંગ પનીયા, હાથ‚માલ, કાંડા ઘડીયાળ, સાથે અમરાપૂર મોકલ્યા, હસુભાઈએ ગામના પાદરમાં જ પનીયું (મળેલતે) માથે બાંધ્યું અને મળેલ ડાંગ લઈ ગામમાં આંટો માર્યો અને ગામનાં ચોરે બેસી ચા-પાણી પીધા ગામના પોલીસ પટેલને મળી જ‚રી સૂચના કરી પાછા આવી ગયા.
પરંતુ બીજા જ દિવસે અમરાપરના રાજગર પોલીસ પટેલે આવીને રાઝ ખોલીને વાત કરી કે તે ફૂટડો યુવાન ગામનો જ અભણ શ્રમજીવી રંગીલો હતો તેને રાત્રીનાજ ગાડી પાછી તે જગ્યાએ આવી એટલે શંકા ગયેલી અને બીજે દિવસે હસુભાઈ માથે તેનું પનીયું અને હાથમાં તેની ડાંગ લઈને ગામમાં આવ્યા એટલે ગામ આખાને તેની ખબર પડેલી અને તે શરમાયો એટલે અમરાપરથી નાસીને ઉંડે પાંચાળમાં ઉતરી ગયો છે. તેના કોઈ સબંધીને ત્યાં આશરો લીધો છે. ક્ધયા ભણેલી અને ગામમાં નોકરી કરે છે,તેણે પોલીસ પટેલ સાથે માફી માગી કહેવરાવ્યું કે ફોજદાર સાહેબ ને કહેજો માફ કરી દયે પોતે ટુંક સમયમાં જ અમરાપરથી બદલી કરાવી ને બીજે ગામ ચાલી જવાની છે.
વિંછયાથી ખબર આવ્યા કે વાઘરીનો કુબો ઉપડી ગયો છે. અને જસદણના ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં જાહેર કર્યું કે ગઈરાત્રીના કોઈ બળદ તથા ગાડુ રેઢૂ વાડીમાં મૂકી ગયું છે!