ઉત્તર, પૂર્વ અને મધ્ય ગુજરાતના ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો પર સાંજે પ્રચાર-પડઘમ શાંત: સોમવારે મતગણતરી
ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો પૈકી ૮૯ બેઠકો માટે ગત શનિવારે પ્રથમ તબકકાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા બાદ આગામી ગુરુવારે ઉતર, પૂર્વ અને મધ્ય ગુજરાતના ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો માટે મતદાન યોજાશે. આજે સાંજે ૫ કલાકે પ્રચાર-પડઘમ શાંત થઈ જશે. બીજા તબકકાના મતદાન પૂર્વે રાજયભરમાં ભારે ઉતેજનાપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. પ્રચારના અંતિમ દિવસે આજે ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો તથા ચૂંટણી લડતા ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવી દીધું હતું. બંને તબકકાનું મતદાન પૂર્ણ થયા બાદ આગામી સોમવારે મતગણતરી હાથ ધરવામાં આવશે.
ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો માટે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા બે તબકકામાં મતદાન યોજવાની જાહેરાત કરી છે. જેમાં ગત શનિવારે એટલે કે ૯મી ડિસેમ્બરના રોજ પ્રથમ તબકકાના મતદાનમાં સૌરાષ્ટ્ર-કચ્છની ૫૪ સહિત રાજયની ૮૯ બેઠકો માટે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. આગામી ગુરુવારના રોજ અમદાવાદ જિલ્લાની વિરમગામ, સાણંદ, ઘાટરોલીયા, વેજલપુર, વટવા, એલીસબ્રીજ, નારણપુરા, નિકોલ, નરોડા, ઠકકરબાપાનગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, જલાલપુર, મણીનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઈ, ધોળકા અને ધંધુકા બેઠક માટે બનાસકાંઠા જિલ્લાની વાવ, થરાદ, ધનેરા, દાતા, વડગામ, પાલનપુર, ડિસા, દિયોદર, કરણેજ, પાટણ જિલ્લાની રાંધણપુર, ચાણસમાં પાટણ અને સિદ્ધપુર બેઠક માટે મહેસાણા જિલ્લાની ખેરાદ, ઉંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા અને વિઝાપુર બેઠક માટે સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા અને પ્રાંતીજ બેઠક માટે અરવલ્લી જિલ્લાની ભીલોડા, મોડાસા, બાયડ બેઠક માટે ગાંધીનગર જિલ્લાની દેહગામ, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉતર, માણસા અને કલોલ બેઠક માટે આણંદ જિલ્લાની ખંભાત, બોરસદ, અંકાલ, ઉમરેડ, આણંદ, પેટલાલ અને સોજીત્રા બેઠક માટે ખેડા જિલ્લાની માતર, નડીયાદ, મહેમદાબાદ, મહુધા, ઢાસરા અને કપડવંજ બેઠક માટે મહીસાગર જિલ્લાની બાલાસિંનોર, લુણાવાડા અને શંત્રરામપુર બેઠક માટે પંચમહાલ જિલ્લાની શહેરા, મોરવાહરફ, ગોધરા, કલોલ અને હાલોર બેઠક માટે દાહોદ જિલ્લાની ફતેહપુરા, જાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા અને દેવગઢ બારૈયા બેઠક માટે વડોદરા જિલ્લાની સાવલી, વાકોડીયા, ડભોઈ, વડોદરા સીટી, સૈયાજીગંજ, અકોટા, રાવપુરા, મંઝલપુર, પાદરા, કરજણ બેઠક માટે છોટાઉદેપુર જિલ્લાની જેતપુર, સંખેડા અને છોટા ઉદેપુર બેઠક માટે મતદાન યોજાશે. બંને તબકકાનું મતદાન પૂર્ણ થયા બાદ આગામી સોમવારે સવારે ૮:૦૦ કલાકથી નિયત કરાયેલા સ્થળોએ મતગણતરી હાથ ધરાશે.