વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાસ થઈ જતા અને જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાની અસરતળે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ઠંડીનું મોજુ: રાજકોટમાં એક જ દિવસમાં તાપમાનનો પારો ૪ ડિગ્રી સુધી નીચે પટકાયો: હવે શિયાળો જમાવટ કરશે
શિયાળાની સીઝનને અવરોધતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્શ પસાર થઈ જતા અને દેશના ઉતર રાજય જમ્મુ કાશ્મીરમાં ભારે બરફ વર્ષા થવાના કારણે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે. કચ્છના નલીયામાં આજે તાપમાનનો પારો સીંગલ ડિઝીટમાં પહોંચી જતા નલીયા થરથર ધ્રુંજી ઉઠયું હતું તો રાજકોટમાં પણ એક દિવસમાં તાપમાનનો પારો ૪ ડિગ્રી સુધી નીચે પટકાતા ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. આગામી દિવસોમાં હજી રાજયભરમાં તીવ્ર ઠંડી શરૂ થાય તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૪.૩ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. છેલ્લા ૨૪ કલાક દરમિયાન લઘુતમ તાપમાનમાં ૪ ડિગ્રી સુધીનો તોતીંગ ઘટાડો નોંધાતા શહેરમાં કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. સવારે ૮:૩૦ કલાકે તાપમાન ૧૬.૬ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૧ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૧૨ કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. ગઈકાલે શહેરનું લઘુતમ તાપમાન ૧૭.૮ ડિગ્રી અને મહતમ તાપમાન ૨૭.૫ ડિગ્રી નોંધાયું હતું.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્શ પર પસાર થઈ જતા આકાશમાંથી વાદળોનું આવરણ હટી ગયું છે બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જેની અસર ગુજરાતમાં જોવા મળતા રાજયભરમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. કચ્છના નલિયાનું લઘુતમ તાપમાન આજે ૯.૬ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૫ ટકા અને પવનની ઝડપ ૦ કિલોમીટર પ્રતિકલાક રહેવા પામી હતી. આ પૂર્વે રાજકોટનું તાપમાન ગત ૭ ડિસેમ્બરના રોજ ૧૪.૧ ડિગ્રી અને ૧૯ નવેમ્બરના રોજ ૧૪ ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે અને એકાદ સપ્તાહમાં રાજકોટનું તાપમાન પણ સીંગલ ડિઝીટમાં પહોંચી જાય તેવી શકયતા હાલ નકારી શકાતી નથી.
એકાએક ઠંડીમાં વધારો થતા આજે સવારે શહેરમાં મોટાભાગના લોકો ગરમ વસ્ત્રોમાં વીટાયેલા જોવા મળતા હતા. મોર્નિંગ વોકમાં નિકળતા લોકોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. શિયાળાને અવરોધતા મોટાભાગના પરિબળો હવે નિકળી ગયા હોય આગામી દિવસોમાં રાજયભરમાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળશે. સવારના સમયે ઝાકરવર્ષાના કારણે વિઝીબીલીટીમાં પણ ઘટાડો આવી જાય છે. જેના કારણે હાઈ-વે પર વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.