- કારખાનેદાર પીતા-પુત્ર સામે ગુનો નોંધાયો
- યુરિયા ખાતરનો દુરુપયોગ કરવા અંગે ફરિયાદ નોંધાઈ
જામનગર ન્યૂઝ : જામનગર નજીક નાઘેડીમાં કારખાનું ધરાવતા કારખાનેદાર પિતા-પુત્ર એ સરકારી સબસીડી વાળું રાસાયણિક નિમ કોટેડ યુરિયા ખેતીમાં માત્ર ઉપયોગ કરવાના બદલે પોતાના કારખાનામાં ઉપયોગ કરતા હોવાનું ધ્યાનમાં આવતાં ખેતીવાડી નિયંત્રણ અધિકારી દ્વારા કારખાનેદાર પીતાપુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા અને નાઘેડીમાં કારખાનું ધરાવતા દેવજીભાઈ હિરજીભાઈ મંગે (ઉંમર વર્ષ ૬૩) અને તેના પુત્ર દિપેશ દેવજીભાઈ (ઉંમર વર્ષ ૩૫) સામે ખેતીવાડી નિયંત્રણ વિભાગની કચેરીના અધિકારી ધવલભાઇ મૂળજીભાઈ પાનસુરીયાએ પંચકોસી બી. ડિવિઝન પોલીસમાં યુરિયા ખાતરનો દુરુપયોગ કરવા અંગે ફરિયાદ નોંધાવી છે.
સરકારી અધિકારીઓની તપાસ દરમિયાન ગત ૧૨મી ફેબ્રુઆરીના દિવસે નાઘેડી માં લક્ષ્મી એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં તપાસણી કરવામાં આવી હતી, જે દરમિયાન કારખાનેદાર દેવજીભાઈ અને તેના પુત્ર દિપેશ મંગે કે જેઓએ સરકારી સબસીડી વાળું રાસાયણિક યુરિયા કે જેનો માત્ર ખેતીમાં જ ઉપયોગ કરવાનો રહે છે, તેના બદલે તેઓએ ઔદ્યોગિક ક્ષેત્રમાં યુરિયા નો વપરાશ કરીને નિયમનો ભંગ કર્યો હતો.
જેથી સરકારી કર્મચારીઓ દ્વારા યુરિયા ખાતર ના નમુના લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેનો ગઈકાલે પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો, અને સરકારી સબસીડી વાળું ખાતર કારખાનામાં ઉપયોગમાં લીધું હોવાનું સાબિત થયું હતું.જેથી તેની સામે ખાતર નિયંત્રણ હુકમ ૧૯૮૫ ના ખંડ (૨૫-૧)ની જોગવાઈ બદલ આવશ્યક ચીજ વસ્તુઓ અધિનિયમ ૧૯૫૫ ની કલમ ૩ ના ભંગ અંગે તેમજ તે જ કાયદાની કલમ ૭(૧) એ અને બી મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
સાગર સંઘાણી