- ચૂંટણી પહેલા ECની મોટી કાર્યવાહી
- ગુજરાત, યુપી સહિત 6 રાજ્યના અધિકારીઓને ચૂંટણીની કામગીરીથી હટાવવાનો આદેશ
લોક સભા ચૂંટણી 2024 ન્યૂઝ : લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરી 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાનો આદેશ કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. ચૂંટણી પંચે જે 6 રાજ્યોના સચિવને હટાવ્યા છે, તેમાં ગુજરાત, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ સામેલ છે. પંચે પશ્ચિમ બંગાળના ડીજીપીને પણ હટાવવાનો આદેશ આપ્યો છે. ચૂંટણી પંચે કહ્યું કે, નિષ્ફળ ચૂંટણી યોજવા તેમજ ચૂંટણીમાં સમાન તકોને ધ્યાને રાખી આ કાર્યવાહી કરવામાં આવી છે. ચૂંટણી પંચની કડક કાર્યવાહીથી સંદેશ મળી રહ્યો છે કે, લોકસભા ચૂંટણી 2024નું આયોજન સમાન સ્તરે કરવામાં આવશે.
છ રાજ્યોના સચિવને હટાવવાનો આદેશ
ચૂંટણી પંચે જે છ રાજ્યોના સચિવને હટાવવાનો આદેશ આપ્યો છે, તેમાં ગુજરાતના ગૃહ સચિવ પંકજ જોશી, ઉત્તરાખંડના શૈલેશ બૌલી, ઉત્તર પ્રદેશના સંજય પ્રસાદ, બિહારના સેન્થિલ કુમાર, ઝારખંડના અવિનાશ કુમાર, હિમાચલ પ્રદેશના ડૉ.અભિષેક જૈન સામેલ છે. જ્યારે પશ્ચિમ બંગાળના ડીજીપી રાજીવ કુમારને પણ હટાવવા આદેશ અપાયો છે. આ ઉપરાંત ચૂંટણી પંચે તમામ રાજ્ય સરકારોને આદેશ આપ્યો છે કે, તેઓ ચૂંટણી સંબંધિત કામ સાથે જોડાયેલા એવા અધિકારીઓની બદલી કરવી જોઈએ જેમણે ત્રણ વર્ષ પૂરા કર્યા હોય અથવા તેમના ગૃહ જિલ્લામાં હોય.
પશ્ચિમ બંગાળના ડીજીપી સામે ત્રીજી વખત કાર્યવાહી
ઉલ્લેખનિય છે કે, ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના ડીજીપીને 2016માં રાજ્યની વિધાનસભા ચૂંટણી અને 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી ડ્યુટી પરથી હટાવી દીધા હતા. ત્યારે ચૂંટણી પંચે 2024ની ચૂંટણીને ધ્યાને રાખી ફરી બંગાળના ડીજીપીને હટાવવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલની સાથે એડિશનલ કમિશનર અને ડેપ્યુટી કમિશનરને પણ હટાવી દેવાયા છે. આ ઉપરાંત મિઝોરમ અને હિમાચલ પ્રદેશના GAD સેક્રેટરીને પણ હટાવી દેવામાં આવ્યા છે.