લીંબડી તાલુકાના જાંબુ ગામે માતાજીના મઢની બહાર છોકરાઓના બેસવા બાબતે ગુરૂવારે રાત્રિના બઘડાટી બોલી હતી. જેમાં લાકડી અને પથ્થરોના છુટ્ટા ઘા થતા 3 મહિલા સહિત 4 વ્યક્તિઓને ઈજા થતા સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાયા છે.બનાવની 9 આરોપીઓ સામે પાણશીણા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
લીંબડી તાલુકાના જાંબુ ગામે રહેતા 45 વર્ષીય વશરામભાઈ માવુભાઈ દેલવાડીયા મજુરી કામ કરે છે. દેલવાડીયા પરીવારનો માતાજીનો માંડવો નાંખવાનો હોઈ બધા ભાઈઓ તા. 14ને ગુરૂવારે રાત્રે જોરૂભાઈ માવુભાઈના ઘરે એકઠા થયા હતા. અને માંડવાના સારા મુહૂર્ત માટે દાણા જોવડાવતા હતા. ત્યારે ઘરના છોકરાઓ મઢની બહાર બેઠા હતા. આ સમયે નજીકમાં રહેતા રાજુ કરશનભાઈ ઝીંઝુવાડીયા અને રાહુલ કરશનભાઈ ઝીંઝુવાડીયાએ છોકરાઓ સાથે બોલાચાલી કરી હતી. પરંતુ વડીલોએ બન્નેને સમજાવતા તેઓ જતા રહ્યા હતા.
બાદમાં છોકરાઓ પાનના ગલ્લે માવો ખાવા જતા રાજુ કરશનભાઈ ઝીંઝુવાડીયા, રાહુલ કરશનભાઈ ઝીંઝુવાડીયા, દેવશી સવશીભાઈ ઝીંઝુવાડીયા, વિષ્ણુ દેવશીભાઈ ઝીંઝુવાડીયા, મુકેશ વશરામભાઈ ઝીંઝુવાડીયા, કાળુ સવશીભાઈ ઝીંઝુવાડીયા, ભરત લાખાભાઈ, અશ્વીન જગમાલભાઈ ઝીંઝુવાડીયા અને નવઘન કરશનભાઈ ઝીંઝુવાડીયા હાથમાં લાકડી અને પથ્થરો લઈને આવ્યા હતા અને અમારા ઘર સામે કયારેય બેઠા છો. તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપી લાકડીઓ લઈને તુટી પડયા હતા અને પથ્થરોના છુટ્ટા ઘા કર્યા હતા. જેમાં શોભાબેન ધરમશીભાઈ, રાજુબેન ધરમશીભાઈ, નીરાંતબેન કાનજીભાઈ દેલવાડીયા અને ધરમશીભાઈ કાનજીભાઈ દેલવાડીયાને ઈજા થતા સારવાર માટે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. બનાવની પાણશીણા પોલીસ મથકે વશરામભાઈ દેલવાડીયાએ 9 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ એ.કે.વાઘેલા ચલાવી રહ્યા છે.