- સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલની નવી નીતિ જાહેર કરી : વિદેશી કંપનીઓએ રૂ.4150 કરોડના રોકાણ સાથે પ્લાન્ટ શરૂ કરશે તો મળશે અનેક લાભ
ભારતને ઇલેક્ટ્રિક વાહન મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાના ઉદ્દેશ્ય સાથે સરકારે શુક્રવારે નવી ઇવી નીતિને મંજૂરી આપી છે. આ અંતર્ગત ભારતમાં ફેક્ટરીઓ સ્થાપવા માટે વૈશ્વિક કંપનીઓને પ્રોત્સાહનો અને ટેક્સમાં છૂટ આપવામાં આવશે. મુકવામાં આવેલી મુખ્ય શરત એ છે કે રોકાણ ઓછામાં ઓછું રૂ. 4150 કરોડનું હોવું જોઈએ અને રોકાણના 3 વર્ષમાં ઉત્પાદન શરૂ થવું જોઈએ. આવું કરવાથી કંપની કારની આયાત કરશે તો ડ્યુટી 100 ટકાને બદલે માત્ર 15 ટકા જ લાગશે એટલે કે અત્યાર સુધીમાં જે કાર રૂ.65 લાખની પડતી હતી તે રૂ.37 લાખમાં પડશે.
આ નીતિ ટેસ્લા જેવી મોટી કંપનીઓની નજરમાં ભારતનું આકર્ષણ વધારી શકે છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે કહ્યું કે લઘુત્તમ રોકાણ 500 મિલિયન ડોલર હોવું જોઈએ, પરંતુ તેની કોઈ મહત્તમ મર્યાદા નથી. નીતિ જણાવે છે કે છૂટનો લાભ મેળવવા માટે, કંપનીએ રોકાણની જાહેરાતના ત્રણ વર્ષમાં ભારતમાં ઉત્પાદન શરૂ કરવું પડશે અને ત્યાર બાદ ત્રીજા વર્ષમાં 25% સ્થાનિક મૂલ્યવૃદ્ધિ અને પાંચ વર્ષમાં 50%નું સ્તર હાંસલ કરવું પડશે.
જે કંપનીઓ ઇવી બનાવવા માટે ફેક્ટરીઓ સ્થાપે છે તેમને પણ ઓછી કસ્ટમ ડ્યુટી પર કેટલીક કાર આયાત કરવાની મંજૂરી આપવામાં આવશે. જોકે, આવી ઈમ્પોર્ટેડ કાર પર કસ્ટમ ડ્યૂટીમાં કુલ મુક્તિની મર્યાદા હશે. આ મર્યાદા કાં તો કરવામાં આવેલા રોકાણની બરાબર હશે અથવા તો 6484 કરોડ રૂપિયા સુધીની હશે. પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ હેઠળ મહત્તમ રૂ. 6484 કરોડનું પ્રોત્સાહન આપવામાં આવે છે. મંત્રાલયે કહ્યું કે ડ્યુટી મુક્તિ રોકાણ અથવા આ રકમ બેમાંથી જે ઓછી હોય તેટલી હશે.
મંત્રાલયે કહ્યું કે આ નીતિ હેઠળ, જો 800 મિલિયન ડોલર અથવા તેથી વધુનું રોકાણ કરવામાં આવે છે, તો દર વર્ષે 8 હજાર ઈવી પ્રમાણે વધુમાં વધુ 40 હજાર ઇવી કારની આયતને મંજૂરી આપવામાં આવશે. જો કંપની આયાત પર કસ્ટમ ડ્યુટીમાં મુક્તિ મેળવવા માંગે છે, તો તેણે રોકાણની પ્રતિબદ્ધતાના સમર્થનમાં બેંક ગેરંટી આપવી પડશે. જો સ્થાનિક મૂલ્યવૃદ્ધિ અને લઘુત્તમ રોકાણની શરતો પૂરી ન થાય, તો આ બેંક ગેરંટી સરકાર દ્વારા રોકડ કરવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે આ નીતિ ઇવી સેગમેન્ટમાં જાણીતી વૈશ્વિક કંપનીઓને આકર્ષવાના વિચાર સાથે બનાવવામાં આવી છે.
ટેસ્લા જેવી કંપનીઓ હવે ભારતીય માર્કેટમાં આવી જશે
અમેરિકન કંપની ટેસ્લા લાંબા સમયથી ટેરિફ કન્સેશનની માંગ કરી રહી છે, જેના દ્વારા 40 હજાર ડોલરથી ઓછી કિંમતની કાર પરની કસ્ટમ ડ્યુટી 70 ટકા ઘટાડવી જોઈએ અને તેનાથી વધુ કિંમતની કાર પરની સંપૂર્ણ ડ્યુટી માફ કરવી જોઈએ. તેણે ભારતમાં ફેક્ટરી સ્થાપવા માટે આ શરત મૂકી હતી. જો કે, તાજેતરમાં વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે સ્પષ્ટ કર્યું હતું કે ભારત તેની નીતિઓ વિદેશી કંપનીઓ અનુસાર બનાવશે નહીં અને અહીંના કાયદા અને ટેરિફ નિયમો એવા હશે કે તેઓ વિશ્વભરની ઇવી કંપનીઓને આકર્ષિત કરે.
મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળશે
આ નીતિ મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપશે. ઇવીના મામલામાં સ્પર્ધા વધશે, જેના કારણે ગ્રાહકોને લેટેસ્ટ ટેક્નોલોજી મળશે. ઉત્પાદન વધતાં તેની કિંમત ઘટશે. ઈવીનો ઉપયોગ વધવાથી ક્રૂડ ઓઈલની આયાત પર દેશની નિર્ભરતા ઘટશે. તે પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ કરશે. ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે વૈશ્વિક કંપનીઓની સામે સ્થાનિક કંપનીઓને પણ યોગ્ય પોલિસી સપોર્ટ મળવો જોઈએ.