- ગુરૂ કિન્નર અને તેનો પ્રેમી મારમારી ધમકી આપતા હોવાથી ગુરૂના સંબંધ તોડી નાખવાની પોલીસ કમિશનરને કરી રજૂઆત
- ગુરૂનું જૂથ દોડી આવી કાર્યવાહી ન કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી રોડ પર સૂઇ ગયા: ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
રાજકોટ શહેરના ગંજીવાડામાં રહેતા કિન્નરને પરાપીપળીયા ખાતે રહેતા ગુરૂ કિન્નર અને તેના પ્રેમી સાથે ચાલતી માથાકૂટમાં શિષ્ય દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવતા જેને પગલે ગુરૂનું રામનાથપરા વિસ્તારના કિન્નરો મોટી સંખ્યામાં એ-ડિવીઝન પોલીસ દોડી જઇ પોલીસ મથકને બાનમાં લઇ છાજીયા લઇ ચક્કાજામ કરતા પોલીસને પરસેવો વળી ગયો હતો. અનિચ્છનીય બનાવ ન બંને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસે ઘીના ઠામમાં ઘી પાડવા પ્રયાસ હાથ ધર્યો છે.
શહેરના ગંજીવાડા શેરી નં.18માં આવેલી ગુલઝારે મુસ્તુફા મસ્જીદ પાસે રહેતા નિકીતાદે મીરાદે (મહમદ હુસેન સીરાજભાઇ ચૌહાણ) નામના 24 વર્ષીય કિન્નરને પરા પીપળીયામાં રહેતો મકસુદ નામનો રિક્ષા ચાલક અને પરાપીપળીયા ખાતે રહેતા મીરાદે ઉર્ફે ફટાકડી નામના કિન્નર અને ત્રણ અજાણ્યા શખ્સો હેરાન કરી મારમારી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી.
જે રજૂઆત માં નિકિતા દે મીરાદે ઉર્ફે ફટાકડી ગુરૂ-શિષ્યના સંબંધ હોય અને મીરાદે ઉર્ફે ફટાકડીને રીક્ષા ચાલક મકસુદ સાથે પ્રેમ સંબંધ હોવાથી ગુરૂ મીરાદે ઉર્ફે ફટાકડીને શિષ્ય નિકિતા દે મિરાદે ગુરૂ તરીકે સ્વીકારવા ન માંગતા હોય આથી ગુરૂ મીરાદે ઉર્ફે ફટાકડી હેરાન પરેશાન કરી માર મારતા હોય અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાથી પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી હતી. જે અંગેની જાણ ગુરૂ મીરાદે ઉર્ફે ફટાકડીને થતા રામનાથપરા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં કિન્નરો એ-ડિવીઝન પોલીસ મથક દોડી ગયા હતા અને પોલીસને રજૂઆત કરી હતી. પોતાની વિરૂધ્ધ થયેલી અરજી પર કાર્યવાહી નહીં કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી છાજીયા લીધા હતા. રસ્તા પર સૂઇ જઇ પોલીસ મથકને બાનમાં લીધું હતું.
આ બનાવને ટ્રાફીક જામ અને ચક્કાજામ સર્જાતા પોલીસના ધાડેધાડા ઉતારવામાં આવ્યા હતા. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો. પોલીસે પગલા લેવાની ખાત્રી આપી અને કોઇને અન્યાય નહીં થાય તેવી ખાત્રી આપતા મામલો શાંત પડ્યો હતો.