મેયર સહિતના શાસક પક્ષના પાંચેય પદાધિકારીઓની આજે પણ ગેરહાજરી: વિપક્ષી નેતા વશરામ સાગઠિયા દિવસો બાદ કચેરીએ દેખાયા: ચૂંટણી ફરજમાં રોકાયેલા અનેક અધિકારીઓએ રજા મુકી દીધી
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબકકાની ચૂંટણીમાં રાજકોટ જિલ્લાની ૮ સહિત રાજયની ૮૯ બેઠકો માટે ગત શનિવારે મતદાન યોજાયું હતું. વચ્ચે રવિવારે રજા આવી ગઈ હોવા છતાં આજે મહાપાલિકામાં પદાધિકારીઓ અને અધિકારીઓની સુચક ગેરહાજરી જોવા મળી હતી. અરજદારો પણ એવી ચર્ચા કરતા નજરે પડયા હતા કે પદાધિકારીઓ અને અધિકારીઓ ચૂંટણીનો થાક ઉતારી રહ્યા છે.
દિવાળીના તહેવાર બાદ ગણતરીના દિવસોમાં જ વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થતા આચારસંહિતા લાગુ પડી જવાના કારણે મહાપાલિકામાં છેલ્લા દોઢ માસથી વિકાસ કામોને સદતર બ્રેક લાગી જવા પામી છે. અગાઉ જે કામો થયા હતા તે હાલ ચાલી રહ્યા છે. ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત હોવાના કારણે પદાધિકારીઓ કે નગરસેવકો પણ કચેરીએ દેખાતા ન હતા. ગત શનિવારે સૌરાષ્ટ્રની ૪૮ સહિત રાજયની ૮૯ બેઠકો માટે પ્રથમ તબકકામાં મતદાન યોજાયું હતું. શનિવારે મતદાન પૂર્ણ થયા બાદ રવિવારની રજાના દિવસે પદાધિકારીઓ અને અધિકારીઓને આરામ કરવા માટે પર્યાપ્ત સમય મળી ગયો હોવા છતાં આજે મહાપાલિકામાં ઉડે ઉડે જેવી સ્થિતિ જોવા મળી હતી. મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષના નેતા અરવિંદભાઈ રૈયાણી, પક્ષના દંડક રાજુભાઈ અઘેરા આજે કચેરીએ આવ્યા ન હતા. શાસક પક્ષના ૩૮ કોર્પોરેટરો પૈકી એક માત્ર આરોગ્ય સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયા આજે સમયસર કચેરીએ આવી ગયા હતા. બાકીના અન્ય કોર્પોરેટરના દર્શન આજે પણ દુર્લભ રહ્યા હતા તો બીજી તરફ ૭૧-રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને મહાપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠિયા આજે સવારે થોડીવાર માટે કચેરીએ આવ્યા હતા અરજદારોના મહત્વપૂર્ણ કામોનો નિકાલ કર્યો હતો.
સતત દોઢ મહિનાથી ચૂંટણી કામગીરીમાં રોકાયેલા ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોએ રવિવારે આરામ કર્યા બાદ આજે પણ આરામ ફરમાવવાનું મુનાસીબ સમજયું હતું. અમુક કોર્પોરેટરોને જયારે અરજદારોએ બપોરે ૧૨:૦૦ કલાકે ફોન કર્યો ત્યારે નગરસેવકો મીઠી નિંદ્રા માણી રહ્યા હતા તો અમુકે તો ફોન ઉપાડવાની તસદી લીધી ન હતી. મહાપાલિકાના અનેક કર્મચારીઓને ચૂંટણીલક્ષી કામગીરી સોંપવામાં આવી હતી. વર્ગ-૧ના મોટાભાગના કર્મચારીઓ આજે ફરજ પર હાજર થઈ ગયા હતા પરંતુ વર્ગ-૨,૩,૪ ના એવા કર્મચારીઓ કેજેણે ચૂંટણી ફરજમાં રોકાયેલા હતા તેઓએ આજે સીએલ મુકી દીધી હતી અને ચૂંટણીનો બેસુમાર થાક ઉતારવા માટે ઘરે આરામ ફરમાવ્યો હતો. સામાન્ય કામ માટે આવતા અરજદારોને આજે મહાપાલિકા કચેરીમાં ધરમના ધકકા થયા હતા. આગામી શનિવારના રોજ મહાપાલિકામાં જનરલ બોર્ડની બેઠક મળવાની છે જોકે હજી વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા અમલમાં હોવાના કારણે આ બેઠક માત્ર ઔપચારીક જ બની રહેશે. જેમાં પ્રશ્ર્નોતરીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. બોર્ડમાં મંજુરી અર્થે મુકવામાં આવેલી તમામ દરખાસ્તો ચૂંટણીની આચારસંહિતાના કારણે પેન્ડીંગ રાખવામાં આવશે.