- જુના બસ સ્ટેશન ના માળખાનું ડિમોલેસન કરીને તે સ્થળે નવું બસ સ્ટેશન બનાવવામાં આવશે
- ૩૩૪૫ ચોરસ મીટરમાં બાંધકામ કરાશે, અને નવા ૧૩ પ્લેટફોર્મની સંખ્યા ઊભી કરાશે.
જામનગર ન્યૂઝ : જામનગર શહેરમાં જુના બસ સ્ટેશન વાળી જગ્યામાં નવું બસ સ્ટેશન બનાવવા માટેની રાજ્ય સરકાર દ્વારા મંજૂરી મળી છે, નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર, જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, અને રિવાબા જાડેજા, તેમજ કાલાવડના ધારાસભ્યમેઘજીભાઈ ચાવડા ઉપસ્થિત રહે છે. જામનગરના નવા એસટી ડિવિઝન નું ખાતમુહૂર્ત કરાયા પછી આગામી દિવસોમાં જુના બસ સ્ટેશન ના માળખાનું ડિમોલેસન કરીને તે સ્થળે નવું બસ સ્ટેશન બનાવવામાં આવશે, જેમાં ૩૩૪૫ ચોરસ મીટરમાં બાંધકામ કરાશે, અને નવા ૧૩ પ્લેટફોર્મની સંખ્યા ઊભી કરાશે.
સાથો સાથ મુસાફરો માટેની બેઠક અને વેઇટિંગ હોલ સહિતની વ્યવસ્થા, બુકિંગ તેમજ રિઝર્વેશન કાઉન્ટર, સ્ટુડન્ટ માટેના પાસ ની ઇન્કવાયરી ના રૂમઝ ટી.સી. માટેના રૂમ, વીઆઈપી વેઈટિંગ રૂમ, લેડીઝ રેસ્ટ રૂમ,અને જેન્સ રેસ્ટ રૂમ, બેબી ફીડિંગ રૂમ, કિચન સાથે ની કેન્ટીન, વોટર રૂમ, વોશ એરીયા, ડ્રાઇવર-કંડકટર માટેના રેસ્ટરૂમ, સૌચાલય, લોકર રૂમ, સહિતની સુવિધાઓ તેમજ અલગ અલગ દુકાનો વગેરેના બાંધકામ કરવામાં આવશે. નવા બસ સ્ટેશનની કામગીરી અંદાજે બે વર્ષ ચાલે તેવો અંદાજ છે, અને ત્યાં સુધી આરટીઓ ઓફિસની બાજુમાં સરકારી જગ્યામાં હંગામી એસટી બસ સ્ટેન્ડ ઉભું કરાશે, અને એસટી બસોની જામનગરમાં અવરજવર કરવા માટે સૌ પ્રથમ સમર્પણ સર્કલ પાસે, ત્યારબાદ ખોડીયાર કોલોની, અને સાત રસ્તા સર્કલ, ટાઉનહોલ,સુભાષ બ્રિજ સહિતના વિસ્તારોમાં અલગ અલગ એસટી બસના સ્ટોપ આપવામાં આવશે. જ્યાંથી મુસાફરોની હેરાફેરી કરવામાં આવશે.
નવું બસ સ્ટેશન તૈયાર થઈ ગયા પછી નવા સ્થળેથી રાબેતા મુજબ એસટી વ્યવહારને ચાલુ કરી દેવાશે. રાજ્ય સરકાર દ્વારા હાલ હંગામી ધોરણે ૨૦ કરોડની ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે, ત્યારબાદ તબક્કાવાર ગ્રાન્ટ આવ્યા બાદ બસ સ્ટેશનનું નવીનીકરણ હાથ ધરાશે. જામનગર ની જનતાની લાંબા સમયની માંગણી નો આખરે અંત આવી રહ્યો છે.
સાગર સંઘાણી