- લોખંડના ડબ્બામાં ધૂળ સાથે છુપાવેલ ૫૦૯૮ બોટલ દારૂ મળી આવ્યો : 4 શખ્સોની શોધખોળ
સ્ટેટ મોનીટરીંગ સેલે ફરી પડધરીમાં ત્રાટકીને ખજૂરડી ગામે એક ફાર્મ હાઉસમાં દરોડો પાડી રૂ. 13 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. અહીં લોખંડના ડબ્બામાં ધૂળ સાથે છુપાવેલ ૫૦૯૮ બોટલ દારૂ મળી આવ્યો હોય આ કારસ્તાનમાં સંડોવાયેલ 4 શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત થતી વિગતો મુજબ લોકસભાની ચૂંટણી પૂર્વે બુટલેગરો દ્વારા વિદેશીદારૂનો જથ્થો છુપાવવામાં આવતો હોવાની એસપી નિર્લિપ્ત રાયને મળેલી માહીતીના આધારે આવા જથ્થાઓને શોધી કાઢવા આપેલી સુચના પગલે ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ એસએમસીના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન પડધરીના તાલુકાના ખજુરડી ગામનો ચંપક ઉર્ફે ડીંગો પોલાભાઈ વેકરિયાએ પોતાની વાડીમાં વિદેશી દારૂ છુપાવ્યો હોવાની બાતમીના આધારે સ્ટાફે ફાર્મ હાઉસમાં દરોડો પાડયો હતો.
આ ફાર્મ હાઉસમાંથી રૂ.૧૩,૦૧,૨૮૫ની કિંમતની દારૂની ૫૦૯૮ બોટલો મળી આવી હતી. પીક અપ વાહન મળી રૂ. ૧૫,૫૧,૨૮૫નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. ચંપક ઉપરાંત, જીજે ૦૨ વીવી ૩૨૯૬ નંબરના પીકઅપ વાહનનો માલિક, દારૂનો જથ્થો મોકલનાર અને સ્થળ પર થી નાસી ગયેલ ૩ અજાણ્યા શખ્સો સામે પડધરી પોલીસ મથકે ગુનો નોંધવા એસએમસીની ટીમે કાર્યવાહી કરી હતી.
અહીં લોખંડના ડબ્બામાં ધૂળ સાથે દારૂની બોટલ છુપાવવામાં આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ દારૂ હોવાની ભનક પણ લાગે એમ ન હતી. છતા સ્ટેટ મોનીટરીંગ સેલની ચપળતાએ આટલો મોટો દારૂનો જથ્થો શોધી કાઢી આકરી કાર્યવાહી હાથ ધરી છે.
અગાઉ પણ એસએમસીએ પડધરી તાલુકામાં ખનીજ ચોરી અને બાયોડિઝલનું કારસ્તાન પકડયું છે
સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા છેલ્લા એક વર્ષમાં પડધરી તાલુકામાં ત્રણ દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં અગાઉ એક વર્ષ પૂર્વે ખાખડાબેલામાં લાંબા સમયથી ચાલતી રેતી ચોરી મામલે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. એસએમસી દ્વારા ખનિજ ચોરી અંગે દરોડો પાડી સ્થળ પરથી જ ત્રણ શખ્સોની ધરપકડ કરી રુા.1.09 કરોડનો મુદામાલ કબ્જે કર્યો હતો. આ ઉપરાંત અંદાજે છ માસ પૂર્વે
પડધરી બાયપાસ પાસે પંપ મૂકી બાયો ડીઝલનો વેપાર થતો હોવાની ફરીયાદો ઉઠી હતી. જેના એસએમસી દ્વારા મોડી રાત્રે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં લાખોની કિંમતનું બાયોડીઝલ ઝડપી પાડવામાં આવ્યું હતું. સાથે જ ટેન્કર સહિતનો રૂ.67.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાર આરોપીઓને સકંજામાં લેવામાં આવ્યા હતા. હવે ફરી એસએમસીએ ત્રીજો દરોડો પાડીને દારૂ પકડી પાડ્યો છે.