- આજે વહેલી સવારથી દેશભરમાં નવા ભાવ લાગુ : અગાઉ 2 વર્ષ પૂર્વે પેટ્રોલમાં 8 અને ડિઝલમાં રૂ.6નો ઘટાડો થયો હતો
લોકસભાની ચૂંટણી ગમે તે ઘડીએ જાહેર થઈ શકે છે. આ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં પેટ્રોલ- ડીઝલના ભાવમાં રૂ.2નો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ફુગાવાને અંકુશમાં રાખવામાં મદદ મળવાની છે.
લોકસભા ચૂંટણી પહેલા લોકોને રાહત આપવા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો કર્યો છે. શુક્રવારે સવારે 6 વાગ્યાથી નવી કિંમતો લાગુ થઈ ગઈ છે. અગાઉ 21 મે, 2022 (22 મહિના) ના રોજ કિંમતો ઘટાડવામાં આવી હતી.કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ પુરીએ ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ માહિતી આપી હતી. તેમણે લખ્યું કે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કરોડો ભારતીયોના પરિવારોનું કલ્યાણ અને સુવિધા તેમનું લક્ષ્ય છે.
આ પહેલા 2022માં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. 21 મે, 2022 ના રોજ, નાણા પ્રધાન નિર્મલા સીતારમણે પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લિટર ઘટાડવાની જાહેરાત કરી હતી. નવી કિંમતો 22 મેથી અમલમાં આવી છે. જો કે હવે જે ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે તેમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ઘટાડો કરવામાં આવ્યો છે. આ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે ભાવ સુધારે છે.
ઉલ્લેખનીય છે કે જૂન 2010 સુધી સરકાર પેટ્રોલની કિંમત નક્કી કરતી હતી અને દર 15 દિવસે તેમાં ફેરફાર થતો હતો. 26 જૂન, 2010 પછી સરકારે પેટ્રોલના ભાવ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ પર છોડી દીધું. એ જ રીતે ઓક્ટોબર 2014 સુધી ડીઝલની કિંમત પણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવી હતી. 19 ઓક્ટોબર 2014થી સરકારે આ કામ પણ ઓઈલ કંપનીઓને સોંપી દીધું હતું. હાલમાં, તેલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત, વિનિમય દર, ટેક્સ, પેટ્રોલ અને ડીઝલના પરિવહન ખર્ચ અને અન્ય ઘણી બાબતોને ધ્યાનમાં રાખીને પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ નક્કી કરે છે.
રાજસ્થાનને બેવડો ફાયદો : રાજ્ય સરકારે વેટમાં પણ 2 ટકાનો કર્યો ઘટાડો
રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્માની કેબિનેટની બીજી બેઠકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે વેટમાં 2 ટકાનો ઘટાડો કર્યો છે. તે જ સમયે, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પણ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઘટાડો કર્યો છે. તેનાથી રાજસ્થાનને બેવડો ફાયદો થશે અને રાજસ્થાનના દરેક જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલ પર ઓછામાં ઓછો 3.5 રૂપિયાનો ઘટાડો ચોક્કસપણે થશે. હવે રાજસ્થાનમાં 31.04 ટકાને બદલે 29.04 ટકા વેટ લાગશે.