- રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ ખાસ ધ્યાન દઈ લોકમેળાની આવકમાંથી સુંદર ઘોડિયાઘરનું નિર્માણ કરાવ્યું, બાળકોનું રાખવા 2 કેર ટેકરોની પણ નિમણૂક
રાજકોટ કલેકટર કચેરીમાં સુંદર ઘોડિયા ઘરનું જિલ્લા કલેકટર દ્વારા નિર્માણ કરાવવામાં આવ્યું છે. આ ઘોડિયાઘરને આજે ખુલ્લું મુકવામાં આવ્યું છે. હવે આવતીકાલથી તમામ સરકારી કચેરીના કર્મચારીઓ આ ઘોડિયા ઘરનો લાભ લઇ શકશે.
સરકારી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારી બહેનોના બાળકો નાના હોય અને ઘરે કોઈ સાચવનાર તેવા સંજોગોમાં મહિલા કર્મચારીઓ નિશ્ચિન્ત બની નોકરી કરી શકે તે માટે જિલ્લા કલેકટર કચેરીના ગ્રાઉન્ડ ફ્લોરમાં જિમની બાજુમાં ઘોડિયાઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઘોડિયાઘરને આજે જિલ્લા કલેકટર પ્રભવ જોશીના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું છે.
આ ઘોડિયાઘરનું નિર્માણ લોકમેળામાંથી થયેલ આવકમાંથી કરવામાં આવ્યું છે. અહીં બાળકો માટે અવનવા ટોયસ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે બાળકો માટે દૂધ સહિતની ખાદ્ય સામગ્રીઓ પણ રાખવામાં આવશે. વધુમાં આ ઘોડિયાઘરમા માત્ર કલેકટર કચેરી જ નહિ, પણ તમામ સરકારી કચેરીના કર્મચારીઓ પોતાનું બાળક મૂકી શકશે. અહીં બાળકોને સાચવવા માટે બે કેર ટેકર બહેનોને પણ રાખવામાં આવ્યા છે.