- રાષ્ટ્રીય પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટ કોહલી અંગે લેશે નિર્ણય
ઈંગ્લેન્ડ સામેની પાંચેય ટેસ્ટની આખી શ્રેણીમાંથી બ્રેક પર રહેલા ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની ટી 20 વર્લ્ડ કપમાં રમવાને લઇને મોટી જાણકારી સામે આવી છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કોહલી આ વર્ષે જૂનમાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ શકે છે. ટી 20 વર્લ્ડકપમાં રમવાનું હજુ નક્કી નથી.
રોહિત શર્માને લઇને ટીમ મેનેજમેન્ટે પુષ્ટિ કરી છે કે ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ તેની કેપ્ટન્સી હેઠળ જ રમશે.બીજી તરફ કોહલીને લઇને મેનેજમેન્ટ હજુ પણ ચૂપ છે. રાષ્ટ્રીય પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટ કોહલી સામે આકરા નિર્ણય લેવા માટે તૈયાર છે. બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે પણ રાજકોટમાં એક કાર્યક્રમ દરમિયાન રોહિતના રમવા પર પુષ્ટિ કરી હતી. પરંતુ વિરાટ અંગે તેમણે કહ્યું હતું કે તેની ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવશે.
આ ઉપરાંત ટીમ મેનેજમેન્ટ એ પણ વિચારી રહ્યું છે કે ટી-20 વર્લ્ડ કપમાં સૂર્યકુમાર યાદવ, રિંકુ સિંહ, તિલક વર્મા અને શિવમ દુબે જેવા સ્ટાર ખેલાડીઓને રમાડવામાં આવે. આ ખેલાડીઓને શોર્ટ ફોર્મેટ માટે વધુ યોગ્ય માનવામાં આવે છે. વિરાટની રમત અંગેનો નિર્ણય બીસીસીઆઈ નહીં પરંતુ રાષ્ટ્રીય પસંદગી સમિતિ અને ટીમ મેનેજમેન્ટે લેવાનો છે. બીસીસીઆઈ સચિવ જય શાહે ટી20 વિશ્વકપ માટે રોહિત શર્માને કેપ્ટન બનાવી રાખવાની પુષ્ટિ કરી છે. પરંતુ જ્યારે તેને વિરાટ કોહલીના ટી20 ભવિષ્ય વિશે પૂછવામાં આવ્યું તો તેમણે મૌન ધારણ કરી લીધુ. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે બીસીસીઆઈએ કોહલીની પસંદગી પ્રક્રિયાનો મુદ્દો પસંદગીકાર અજીત અગરકર પર છોડી દીધો છે. આ ખુબ સંવેદનશીલ મામલો છે. તેવામાં લોકો તેમાં સામેલ થવા ઈચ્છુક નથી. અગરકરે કોહલીને ટી20આઈ ક્રિકેટના તેના દ્રષ્ટિકોણમાં ફેરફાર માટે કહ્યું હતું, જેને કોહલીએ અફઘાનિસ્તાન વિરુદ્ધ સિરીઝમાં લાગૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ થયો નહીં.