- લોકસભા ચૂંટણી પૂર્વે જ રાજકીય ઘમાસાણ : મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે રાજીનામુ ધર્યું, નવા મુખ્યમંત્રીના નામની સાંજે સતાવાર જાહેરાત
લોકસભા ચૂંટણી પહેલા હરિયાણામાં ભાજપ-જેજેપીનું ગઠબંધન તૂટી ગયું છે. આવી સ્થિતિમાં મુખ્યમંત્રીએ રાજીનામુ ધરી દીધું છે. હવે નાયબસિંહ સૈની નવા મુખ્યમંત્રી બનશે.
9 વર્ષથી વધુ સમય માટે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરએ આજે રાજીનામું આપી દીધું છે. તેમના સ્થાને હરિયાણા ભાજપના પ્રદેશ અધ્યક્ષ નાયબ સિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. આ સિવાય તેઓ કુરુક્ષેત્રથી લોકસભાના સાંસદ પણ છે. સૂત્રોને ટાંકીને માહિતી મળી રહી છે કે મનોહર લાલ ખટ્ટરના રાજીનામા બાદ નવા સીએમ હશે અને ત્યારપછી સમગ્ર કેબિનેટ નવી હશે. એટલું જ નહીં મનોહર લાલ ખટ્ટરને લોકસભા ચૂંટણીમાં કરનાલ સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.
હરિયાણાની રાજનીતિમાં મંગળવારે મોટો ફેરબદલ જોવા મળ્યો હતો. નાયબ સિંહ સૈની હરિયાણાના નવા મુખ્યમંત્રી હશે. તેઓ મંગળવારે સાંજે 5 વાગ્યે પદના શપથ લેશે. તેઓ ખટ્ટર પાસેથી કાર્યભાર સંભાળશે. આ પહેલા મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલને સુપરત કર્યું હતું, જેને સ્વીકારી લેવામાં આવ્યું હતું.
ખટ્ટરે તેમની આખી કેબિનેટ સાથે રાજીનામું આપી દીધું હતું. આ રીતે હરિયાણામાં ભાજપ અને જનનાયક જનતા પાર્ટી (જેજેપી)નું ગઠબંધન તૂટી ગયું. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી લોકસભા ચૂંટણીમાં સીટોની વહેંચણીને લઈને મતભેદને કારણે આ ગઠબંધન તૂટી ગયું છે. આ દરમિયાન તેમણે ચંદીગઢમાં ભાજપ અને અપક્ષ ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. અપક્ષ ધારાસભ્યો સીએમ ખટ્ટરને મળ્યા અને તેમનું સમર્થન જાહેર કર્યું.