- બંને પક્ષો દ્વારા ગુજરાતની લોકસભાની બેઠકો માટે ઉમેદવારોના નામો જાહેર કરાય તેવી શકયતા
ભાજપ અને કોંગ્રેસ દ્વારા આજે લોકસભાની આગામી ચૂંટણી માટે ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. ભાજપે પ્રથમ યાદીમાં લોકસભાની 195 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જયારે કોંગ્રેસ દ્વારા 39 બેઠકો માટે મૂરતીયા જાહેર કરવામાં આવ્યા છે.
રાજધાની નવી દિલ્હી ખાતે ગઈકાલે લોકસભાની આગામી ચૂંટણી માટે ઉમેદવારો નકકી કરવા માટે મહામંથન ચાલ્યું હતુ કોંગ્રેસ દ્વારા ગુજરાતની કેટલીક બેઠકો માટે ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કર્યા પૂર્વે જ ફોન પર જાણ કરી દેવામાં આવી હતી આજે ઉમેદવારોના નામની બીજી યાદી ભાજપ અને કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવી શકે છે.
ભાજપ દ્વારા ઉમેદવારોના નામની પ્રથમ યાદીમાં 17 રાજયોની 195 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતની લોકસભાની 26 બેઠકો પૈકી 15 બેઠકો માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જયારે કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદીમાં માત્ર 39 બેઠકો માટે ક્ધડીડેટ જાહેર કરાયા છે. જેમાં ગુજરાતની એક પણ બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા નથી. ગઈકાલે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામો નકકી કરવા મહામંથન કરવામાં આવ્યું હતુ.
આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસ પર છે તેઓ બપોરે દિલ્હી પહોચશે ત્યારબાદ ભાજપ દ્વારા ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરવામાં આવે તેવી શકયતા હાલ દેખાય રહી છે. ભાજપની બીજી યાદીમાં ગુજરાતની બાકી રહેતી 11 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવે તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા રાત સુધીમાં બીજી યાદી જાહેર કરાશે જેમાં ગુજરાતની કેટલીક બેઠકો માટે નામ જાહેર કરવામાં આવે તેવું લાગી રહ્યું છે. આગામી 13 થી 16 માર્ચ દરમિયાન કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. પ્રથમવાર એવું બની રહ્યું છે કે ભાજપ-કોંગ્રેસ દ્વારા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવે તે પૂર્વે ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવી છે.
પોરબંદર બેઠક પર ડો. મનસુખ માંડવિયા અને લલીત વસોયા વચ્ચે જામશે જંગ
સૌરાષ્ટ્રની પોરબંદર લોકસભા બેઠક પર કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાને ભાજપ દ્વારા મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જેની સામે કોંગ્રેસ દ્વારા રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પુર્વ ધારાસભ્ય લલીતભાઈ વસોયાનું નામ ફાઈનલ કર્યું છે. આ બેઠક પર લેઉવા સામે લેઉવા વચ્ચે ચૂંટણી જંગ જામશે.પોરબંદર લોકસભા બેઠકની તાસીર જ કંઈક અલગ જ છે. આ બેઠકનાં લોકો સ્થાનિક ઉમેદવારને સ્વીકારતા નથી આયાતીઓને ખંભે બેસાડી લ્યે છે. 2014માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં આ બેઠક પરથી કદાવર પાટીદાર નેતા વિઠ્ઠલભાઈ રાદડીયા વિજેતા બન્યા હતા. જયારે 2019માં લોકસભાની ચૂંટણીમાં રમેશભાઈ ધડુક વિજેતા બન્યા હતા આ વખતે ભાજપે પોરબંદર બેઠક પરથી કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાને મેદાનમાં
ઉતાર્યા છે. જેની સામે કોંગ્રેસે લલીતભાઈ વસોયાનું નામ ફાઈનલ કર્યું છે. તેઓને ગઈકાલે સાંજે ફોન કરી હાઈકમાન્ડ દ્વારા જાણ પણ કરી દેવામાં આવી છે.લલીતભાઈ એક લડાયક નેતા છે. હાલ તેઓ રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યા છે. ધોરાજી-ઉપલેટા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂકયા છે. પોરબંદર બેઠક પર રોમાંચક જંગ જામશે તેમા શંકાને સ્થાન નથી.
આજે કોંગ્રેસ દ્વારા પોરબંદર બેઠક માટે ઉમેદવાર તરીકે લલીતભાઈ વસોયાના નામની સત્તાવાર જાહેરાત કરવાામં આવે તેવી સંભાવના છે.
ગુજરાતની 9 બેઠકો માટે ઉમેદવાર ફાઈનલ: 2 બેઠકોનું કોંકડુ ગુંચવાયું
સુરેન્દ્રનગર અને સુરત બેઠક માટે ઉમેદવાર નકકી કરવામાં ભાજપ ગોટે ચડયાની ચર્ચા
ભાજપ દ્વારા લોકસભાની આગામી ચૂંટણી માટે ગુજરાતની 26 બેઠકો પૈકી 15 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. બાકી રહેતી 11 બેઠકો પૈકી ગઈકાલે 9 બેઠકો માટે ઉમેદવારોના નામ ફાઈનલ કરી દેવામાં આવ્યા છે. જેની જાહેરાત આજે સાંજે કરવામાં આવે તેવું લાગી રહ્યું છે. દરમિયાન સૌરાષ્ટ્રની સુરેન્દ્રનગર બેઠક અને દક્ષિણ ગુજરાતની સુરત બેઠક માટે ઉમેદવાર નકકી કરવાને લઈ ભાજપ હાઈકમાન્ડ ગોટે ચડયુ છે. આ બંને બેઠકો પરના વર્તમાન સાંસદ હાલ મોદી મંડળમાં રાજય કક્ષાના મંત્રી
તરીકે જવાબદારી બજાવી રહ્યા છે. સુરેન્દ્રનગર બેઠકના સિટીંગ સાંસદ ડો.મહેન્દ્ર મુંજપરા અને સુરત બેઠકનાં વર્તમાન સાંસદ દર્શનાબેન જરદોશની ટિકિટ પર કાતર ફેરવી દેવાનું નકકી કરી લેવામાં આવ્યું છે. આ બંનેના સ્થાને કોને લોકસભાની ચૂંટણીના જંગમાં ઉતારવા તેને લઈ ભાજપમાં થોડી ગડમથલ ચાલી રહી છે. ગુજરાતની અમદાવાદ પૂર્વ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, વડોદરા, સુરત, છોટાઉદેપુર અને વલસાડ બેઠક માટે ઉમેદવારના નામ જાહેર કરવાનું બાકી છે. આ 11 બેઠકો પૈકી આજે 9 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાા આવે તેવી શકયતા હાલ દેખાય રહી છે. જયારે સુરત અને સુરેન્દ્રનગર બેઠક માટે હાલ ઉમેદવાર જાહેર ન કરવામાં આવે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.