આવાસ ફાળવણી કૌભાંડમાં પતિદેવોના નામ ખુલતા વોર્ડ નં. 6ના નગરસેવિકા દેવુબેન જાદવ અને વોર્ડ નં. 5 ના કોર્પોરેટર વજીબેન ગલોતરને કોર્પોરેશનમાં, શહેર ભાજપ કાર્યાલયે,પક્ષના કાર્યક્રમ અને સરકારના કાર્યક્રમમાં “નો એન્ટ્રી” પ્રદેશની સૂચના બાદ વધુ આકરી કાર્યવાહીના પણ એંધાણ
કથિત આવાસ યોજના કૌભાંડમાં વોર્ડ નં.6ના કોર્પોરેટર દેવુબેન મનસુખભાઈ જાદવની કાયદો અને નિયમોના સમિતિના ચેરમેનથી હકાલપટ્ટી કરવામાં આવી છે. આ ઉપરાંત તેઓ માટે કોર્પોરેશન કચેરી, ભાજપ કાર્યાલય, સરકાર,કોર્પોરેશનના અને પક્ષના કાર્યક્રમોમાં નો એન્ટ્રી લાદી દેવામાં આવી છે. પ્રદેશમાંથી સુચના મળ્યા બાદ દેવુબેન ઉપરાંત વજીબેન સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.
શહેરના વોર્ડ નં.6 માં સંત કબીર રોડ પર ગોકુલનગર આવાસ યોજનામાં વોર્ડ નંબર 5 ના કોર્પોરેટર વજીબેન ગોલતરના પતિ કવા ગોલતર અને વોર્ડ નં.6ના કોર્પોરેટર તથા કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન દેવુબેન જાદવના પતિ મનસુખનું નામ ખુલ્યું હતું.બન્નેએ રેશનકાર્ડમાં ચેડા કરી આવાસ યોજનાના 19 જેટલા ક્વાર્ટર પોતાના સગા-વહાલના નામે મેળવી લીધા હતા. આ ઘટના બાદ આજે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી દ્વારા કોર્પોરેશનની કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન પદેથી દેવુબેન જાદવનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે.જ્યારે વજીબેન ગોલતોર પાસે હાલ એક પણ સમિતિનું ચેરમેન પદ ન હોય તેઓની સામે કાર્યવાહી કરવામાં આવી નથી. આ બંને નગરસેવિકાને બીજી સૂચના ન મળે અને તપાસ રિપોર્ટ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોર્પોરેશન કચેરીમાં, શહેર ભાજપ કાર્યાલય, સરકારના કોઈ કાર્યક્રમમાં, પક્ષના કોઈ કાર્યક્રમમાં કે પક્ષ દ્વારા યોજાતા વિવિધ પ્રવાસોમાં હાજરી ન આપવા માટે પણ કડક તાકીદ કરવામાં આવી છે.
શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ વધુમાં ઉમેર્યું હતું કે આવાસ યોજના ક્વાર્ટર ફાળવણીના કથિત કૌભાંડમાં જો આ બંને નગરસેવિકાના પતિ દેવોની સંડોવણી સાબિત થશે તો પાર્ટી દ્વારા તેઓની સામે શિસ્ત ભંગ અંગેના આકરા પગલા લેવામાં આવશે.આજ સાંજ સુધીમાં પ્રદેશમાંથી આ અંગે રિપોર્ટ કે સૂચના આવ્યા બાદ વધુ આખરી કાર્યવાહી કરવામાં આવી શકે છે.
કવા અને મનસુખની કામગીરી પહેલેથી જ શંકાસ્પદ
કોર્પોરેશનમાં નગરસેવિકાઓના પતિદેવોનો ત્રાસ દિન પ્રતિદિન સતત વધી રહ્યો છે. સમિતિ ચેરમેન પદ નગરસેવિકા હોય તેના પરંતુ ચેમ્બરમાં તેઓના પતિદેવ જ પડ્યા પાથર્યા રહેતા હોય છે. મનસુખ જાદવ અને કવા ગોલતરની મથરાવટી જ મેલી છે.
બંને હંમેશા વિવાદોમાં સપડાયેલા રહેતા હોય છે.અગાઉ પણ મનસુખ જાદવે આધાર કાર્ડના સુધારા ફોર્મમાં પોતાની પત્નીના બદલે પોતે સહી કરી આપ્યાનો વિવાદ ઉભો થયો હતો. જ્યારે કવો ગોલતર પોતાની પત્નીના સાથી કોર્પોરેટરોને પણ દબાવતો હોવાની ફરિયાદો ઉઠી હતી. હવે જો આ બંનેને નાથવામાં નહીં આવે તો ફક્ત ને આબરૂ નું ધોવાણ થશે.
વિજિલન્સ તપાસ કરી પોલીસ ફરિયાદ કરવા કોંગ્રેસની માંગણી
વોર્ડ નં.6 માં સંત કબીર રોડ પર ગોકુલનગર આવાસ યોજનામાં 19 ફ્લેટની ફાળવણીમાં થયેલી ગોલમાલમાં વિજિલન્સ તપાસ કરી પોલીસ ફરિયાદ કરવાની માંગ સાથે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલભાઈ રાજાણી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના પરિપત્ર મુજબ રેશનકાર્ડએ ફક્ત પુરવઠા માટે છે જેનો સરનામા તરીકે ઉપયોગ કરી શકાય નહીં. સરકારે આ અંગે વારંવાર તાકીદ કરી હોવા છતાં આવાસ યોજનાના સરનામા માટે રેશન કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે.મહાપાલિકાના કોર્પોરેટરોના પતિદેવ દ્રારા રેશનકાર્ડમાં સરનામું અને અટક બદલી આવાસ મેળવવા માટે ખેલ પાડવામાં આવ્યો છે. પુરવઠાના રેકોર્ડ તથા મહાપાલિકાના રેકોર્ડ સાથે ચેડા કરવામાં આવ્યા છે.
આ ઘટનામાં વિજિલન્સ તપાસ કરી બંને સામે પોલીસ ફરિયાદ કરવા એવી માગણી કરવામાં આવી છે જો 15 દિવસમાં આ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ધરના કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.