આપણા ઘડવૈયા બાંધવ આપણે, મારો યાદગાર પ્રવાસ અને દીકરી ઘરની દીવડી વિષયક નિબંધ પૂછ્યા: શાળામાં યોજાયેલા વૃક્ષારોપણના કાર્યક્રમનો અહેવાલ પુછાયો: એમસીક્યું પણ સહેલા નીકળતા વિધાર્થીઓ ગેલમાં આવી ગયા
ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધો.10 અને ધો.12ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. આજે સવારે 10:30 વાગ્યાથી ધો.10ની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. રાજકોટ જિલ્લામાં વિદ્યાર્થીઓને કુમ-કુમ તિલક કરી આવકારવામાં આવ્યા હતા.સમગ્ર રાજયમાં ધો.10ના 9 લાખ પરીક્ષાર્થીઓ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના 4.76 લાખ પરીક્ષાર્થીઓ, રાજકોટ જિલ્લાના 80 હજાર વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી હતી. આજે ધો.10નું ગુજરાતીનું પ્રથમ પેપર સહેલું નિકળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ થઈ ગયા હતા અને પેપર પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર બહાર નિકળ્યા હતા.
વિદ્યાર્થીઓના મુખ પર સ્મિત છલકાતું હતું. આજે ધો.10ના ગુજરાતીના પેપરમાં રાજકોટ જિલ્લાના કુલ 36587 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.1537 જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. સમગ્ર રાજકોટ જિલ્લામાં શાંતીપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ હતી. વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે તેમજ તંગદિલીભર્યું વાતાવરણ ન સર્જાય તે માટે તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવી હતી અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બધા જ કેન્દ્રોમાં પરીક્ષા લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટ જીલ્લામાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના કુલ 38124 વિદ્યાર્થીઓ નોધાયા હતા જેમાંથી 36587 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 1537 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આજના પ્રથમ પેપર ગુજરાતીનું હતું. રાજકોટ જિલ્લામાં એક પણ કોપી કેસ નોંધાયો ન હતો. ગુજરાતીનું પેપર સરળ નિકળતા વિદ્યાર્થીઓ આનંદિત થઈ ગયા હતા.
ગુજરાતીના પ્રથમ પેપરમાં આપણા ઘડવૈયા બાંધવ આપણે, મારો યાદગાર પ્રવાસ અને દીકરી ઘરની દીવડી વિષયક નિબંધ પુછવામાં આવ્યા હતા. આ ઉપરાંત તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણના કાર્યક્રમ વિષેનો અહેવાલ પૂછવામાં આવ્યો હતો.વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, પેપર ખુબ જ સરળ હતું અને એમસીકયુમાં પણ પુરા માર્કસ લઈ શકાય તે પ્રમાણે એમસીકયુ પુછવામાં આવ્યા હતા. ગુજરાતીનું પેપર સહેલું નિકળતા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર બહાર નિકળ્યા હતા અને હવે આવતીકાલે એક દિવસ રજા ત્યારબાદ બુધવારે રોજ ધો.10માં ગણિતનું પેપર રહેશે આજે બપોર બાદ ધો.12 સામાન્ય પ્રવાહમાં નામાનાં મુળતત્વો અને વિજ્ઞાનપ્રવાહમાં ભૌતિક શાસ્ત્રનું પેપર લેવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લામાં પ્રથમ દિવસે એકપણ કોપીકેસ નહિ: નોંધાયેલા 38124 વિધાર્થીઓમાંથી 36587 હાજર રહ્યા જયારે 1537 ગેરહાજર રહ્યા: ધો.10માં બુધવારે ગણિત વિષયનું પેપર
વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો: કૃષ્ણકાંત ધોળકીયા
અબતક સાથેની વાતચીતમાં ધોળકીયા સ્કુલના સંચાલક કૃષ્ણકાંત ધોળકીયાએ જણાવ્યું હતું કે, આજે ધોળકીયા સ્કુલમાં 700 વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે કલાસરુમમાં પ્રવેશ મેળવ્યો હતો. શાળામાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બાળકોને ગેટ ઉપર ચેકીંગ કરી અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. બાળકોને પ્રવેશતાની સાથે જ કુમ કુમ તિલક કરી મોં મીઠા કરી આવકાર્યા હતા. અને કોઇપણ ડર વગર પરીક્ષા આપે તેવી શુભેચ્છા પાઠવી હતી. બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અને વિદ્યાર્થીઓ તમામ પેપર ખુબ જ સરળતાથી પૂર્ણ કરે તેવી શુભેચ્છા
બોર્ડની પરિક્ષા પ્રારંભે મોદી સ્કુલ ખાતે છાત્રો વાલીઓમાં અનેરો ઉત્સાહ
આજથી સમગ્ર રાજયમાં ધો. 10-1ર ની બોર્ડની પરિક્ષાનો પ્રારંભ થતાં, વાલીઓ અને છાત્રોમાં અનેરો ઉત્સાહ પરિક્ષા કેન્દ્રો જોવા મળ્યો હતો. અબતક ચેનલ દ્વારા તેના વિવિધ સોશિયલ મીડીયાના પ્લેટફોર્મ ઉપર મોદી સ્કુલ ખાતેથી લાઇવ કાર્યક્રમ રજુ કરેલ જેનો હજારો દર્શકોએ લાભ લીધો હતો.પરિક્ષા સેન્ટરના સંચાલકોએ છાત્રોને કુમ કુમ તિલક કરીને મોં મીઠા કરાવીને સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી.આ લાઇવ કાર્યક્રમમાં વાલીઓએ પોતાના પ્રતિભાવમાં જણાવેલ કે સમગ્ર વર્ષ દરમ્યાન કરેલ મહેનતના મૂલ્યાંકનનો દિવસ આવી ગયેલ છે. છાત્રો ટેન્શન વગર પરિક્ષા આપે તેવું પ્રોત્સાહન આપેલ છે. પોતાના સાંતાનો સાથે આવેલા વાલીઓએ શુભેચ્છા પાઠવી હતી.મોદી સ્કુલના સંચાલક અને જાણીતા શિક્ષણ શાસ્ત્રો ડો. આર.પી. મોદીએ અબતકને જણાવેલ કે અમારા સેન્ટરમાં પરિક્ષાર્થી માટે તમામ સુવિધા ઉપલબ્ધ છે. ત્યારે સૌના સહયોગથી બાળકોનો સંર્વાગી વિકાસ કરી શકીએ.