છેલ્લા બે-પાંચ વર્ષોથી લોકો ‘ફેસબુકિયા’ થાતા જાય
મોંઘવારીના કપરા કાળમાં લોકોને હસાવવા એટલે પંજાબમાં વાણંદની દુકાન નાખ્યા જેવું અઘરું કામ થાતું જાય છે, છતાં’ય કોશિષ કરું છું. લાગે બાગે લોહીની ધાર આપણી ઉપર કાંઇ નહીં !
વર્ષો પહેલાં લોકો બગડે એટલે જુગારિયા અને દારુડિયા થાતા હતા અને છેલ્લા બે-પાંચ વર્ષોથી લોકો ‘ફેસબુકિયા’ થાતા જાય છે. મુંબઇમાં તો એક બહેન ભિખારીને રોટલી આપવા ગ્યા ને ભિખારીનું મોઢું જોઇને બોલ્યા કે એલા, તને ક્યાંય જોયો હોય એવું કેમ લાગે છે ?
ભિખારીને ઠાવકાઇથી જવાબ આપ્યો કે “મેડમ, આપ ભૂલી ગ્યા, પણ આપણે ફેસબુક પર ફ્રેેન્ડ છીએ.. હું તમને રોજ રોટલીની રીકવેસ્ટ મોકલું છું….. બહેનના મગજ ગ્યો, રોટલીનો ઘા કરી એને કમ્પ્યુટર શરુ કરીને પેલા ફેસબુકનું એકાઉન્ટ બંધ કર્યુ કે આ ધંધો જ ન જોઇએ, ભિખારી સાથે ભાઇબંધી થઇ જાય અને પાછી ખબર પણ ન રહે ? આ થોડું ચાલે ?
મારો કહેવાનો પ્રાણ એ છે કે, આખે આખી એક પેઢી જે ફેસબુક ઉપર ચાર કલાક બેસે છે, પણ બુકને ૨ કલાક પણ ‘ફેઇસ’ નથી કરતી….!
મને આજના બાળકો ને તરુણોની રીતસર દયા આવે છે. હું (અને મારી જેવડા જેટલા અટાણે આ વાંચી રહ્યા છે) મારા બાળપણને યાદ કરું છે કે એ નિરંજન, ચક્રમ અને ફૂલવાડી વાંચવા માટે ઘરમાં ભાઇ-બહેનો વચ્ચે ઝઘડા થતા. ગુરુજનો અને વાલીઓ, બાળકોને સતત વાંચન માટે પ્રોત્સાહન અને પ્રેરણા આપતાં.
અને કરુણતા તો જોવા આજે ટી.વી.ચેનલોના રાફડા ફાટ્યા છે. કાર્ટૂન નેટવર્ક કે પોગો કે કમ્પ્યુટરની વિડિયો ગેમ સામે કલાકો ચીંગમની જેમ ચોંટડુક થઇ જાતા આજના બાળકો પણ ધીમે ધીમે જેમ ચોંટડુક થઇ જાતા આજના બાળકો પણ ધીમે ધીમે મિસ્ટર બિન જેવા થાતા જાય છે.
ઇન્ટરનેટ કલ્ચરમાં જન્મેલી આખી આ પેઢી ખતરનાક આઇ.ક્યૂ. લેવલ ધરાવે છે. મારા પાડોશીનો છોકરો તો ટી.વી. જોતા જોતા હસતો હતો. મેં પૂછ્યું કાં બેટા હસે છે ? છોકરો ક્યે સર, હસવું જ આવે ને એમ.ટી.વી.માં એક બહેન સાડી પહેરીને આવ્યા છે….!!! આ લે લે…..! ( આ વાત સમજાય એને આગળ ન વાંચવું લેખ મુકી દો, મને ખોટું નહીં લાગે…..)
ખેર, વાંચવાનું ચાલુ રાખ્યું જ છે તો કહી દઉં નિદા ફાઝલી સાહેબનો સરસ શેર છે કે,
‘મેરે દિલ કે એક કોને મેં નન્હા સા બચ્ચા રહતા હૈ
દેખ કે બડો કી યે દુનિયા બડા હોને સે ડરતા હૈ !’
અત્યારે પાંત્રીસ વરસની મારી ઉંમર છે, મારો જન્મ બહુ નાનપણમાં થયેલો. અમરનગર નામના નાનકડા એક ગામડાંની ધૂળમાં મેં બાળપણ વિતાવ્યું છે, પણ ત્યારે હજી ટી.વી.ના શરુઆત હતી. ગામમાં પહેલું ટી.વી. સરપંચ લાવ્યા’તા ને પછી બીજું અમારા ઘરે આવ્યું’ તું. ત્યારે ‘રામાયણ સીરીયલ’ચાલતી હતી. એ સિરિયલ જોવા પ્રૌઢ મહિલાઓના ટોળા ઘરે ઉમટતા. એ દ્રશ્ય હજુ યાદ છે. અરુણ ગોવિલને ‘રામ’ તરીકે અને દીપીકા ચિખલીયાને ‘સીતા’ તરીકે તો દારાસિંગ જ હનુમાનજી છે એવો દ્રઢ વિશ્ર્વાસ મારા જેવડી એક આખી પેઢીને તે વખતે હતો. વગર જાહેરાતે ને પોલિસે બજારમાં કર્ફ્યુ લાગી જાતા. એક માજી તો ભાવુક બનીને એક દિ શ્રીરામને શ્રીફળ સાચુકલા વધેરીને ટી.વી.નો કાચ ફોડવાના હતા. આવા પ્રસંગો કેમ ભુલાય ? મારા ઘરે ટી.વી. હતું અને હું મારા શેરી મિત્રોને ઘરે આવવા દઉં એટલે શેરીના ભાઇબંધો મને ક્રિકેટ કે ગીલીદંડામાં આઉટ થઇ જાઉં તોય દાવ લેવા દેતા એ કેવી રીતે વિસરાય ? અને બાપુડો પણ બરાબરનો ટી.વી.ના જોરે ટીમને કલાક કલાક પીદુડાને ટી.વી.ની લાલચે બીજા પાસે લેસન પણ કરાવી લેતો….! લેખકનો આ સાવ સાચો અનુભવ છે, પણ તમે ખાનગી રાખનો. નહીંતર ઇ સંધાય ભેરૂ હવે દાવ લેવા આવશે !
બાળ રમતનો એક યુગ આથમી ગ્યો. ગીલીદંડા, લખોટી, બાક્સની છાપું, કોકે પીધેલા મીઠી સોડાના કબીલા (તેદિ કોક કે પેપ્સીનું અસ્તિત્વ નહોતું ને પીવાની ત્રેવડ પણ…..!) ભેગા કરવાની મજા પડતી. લખોટી ને બાક્સના ખોખાએ આપણી પ્રોપર્ટી હતી. કોકની બકરીને બંધ મકાનમાં પૂરીને દોઇ લેતા ને એનું દૂધ બાક્સના ખોખામાં સાચવવોનો નિર્દોષ પ્રયત્ન કરતા.
તોફાન કરવા અને જોખમી તોફાન કરવા એ ત્યારે તો ગૌરવ ગણાતું. આખા દિ’માં બાપુજીની એકાદ થપાટ ગાલ ઉપર ન પડે તો તો દિવસ વ્યર્થ ગણાતો. વર્ષો પેલા બાળકને વાલી નિશાળે મુકવા આવતા તો બોકાહા નાંખતા છોકરાના ચિત્રો હજુ માનસ પટ ઉપર જીવે છે. અત્યારની આખી પેઢી કેવી ટાબક-ટીબક કરીને વેલી સવારમાં નિશાળ ભેગી થઇ જાય છે.
અને આપણી એક આખી પેઢીને તો નિશાળે જાવામાં ઝાટકા પડતા. ઉંડા અભ્યાસ પછી મારું અંગત તારણ છે કે, આપણને ઉમિયાશંકરને દલપતરામ ને નરભેશંકર નામના કાનમાંથી વાળ દેખાય એવા મોટી ફાંદવાળા અને આજીવન લાકડીના શસ્ત્રધારી માસ્તરો જ ભણાવતા હતા. અને અત્યારે છોકરા’વ નિશાળે સવારે સાત વાગ્યે તૈયાર થઇને ભાગે છે એનું કારણ અત્યારે નમણી નાગરવેલ જેવી શિક્ષિકા બહેનો ભણાવે છે.
ખેર…..સમય બદલાઇ રહ્યો ને, આપણે સુધરી રહ્યા છીએ કે બગડી રહ્યા છીએ મને તો એ જ નથી સમજાતું. ટી.વી.માં ઓ ઇ જાહેરાતુથી હિપ્નોટાઇઝ થઇને ત્રીજે જ દિવસે આપણે ઇ વસ્તુને એની ગુણવત્તા ચકાસ્યા વગર ઘરમાં લઇ આવીએ છીએ. ફટાકડા જેવી હિરોઇનનું જે કોલ્ડ્રીંક્સના જરાન હસીને વખાણ કરી દ્યે કે એટલે આપણે આપણા છોકરાવને છાશું છોડાવી દેવાની ! વાહ ભાઇ વાહ ! છોકરાવ આપણાં ને રમાડી જાય કોક ???
યાદ રાખજો જે ફિલ્મ સ્ટારો કે સ્પોર્ટસ સ્ટારો જે સાબુ, શેમ્પુ કે ચોકલેટુના વખાણ કરે છે ઇ વખાણના એને કરોડો લીધા છે ને કરોડો કંપનીવાળા આપણી પાસેથી જ વસુલે છે.
સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે, પણ જ્યાં સુધી આ દેશની જનેતા એના સંતાન માટે કલાક નહીં ખર્ચેને ત્યાં સુધી ભારતની ભાવિ પેઢીનું નવનિર્માણ અસંભવ છે. માતાએ નિર્માતા છે, પણ હવેની ફેશનેબલ મમ્મીઓ તો સતત ગણગણ્યા કરે છે કેં “મારા દીકરાને મેગી સિવાય કશું ભાવે જ નહીં ઇતો ‘કોક’ સાથે વેફર ખાઇ લેશે.
હવે બહેન, તારે રાંધવું નથી એમ કહે ને ? અને કોક (કોકાકોલા) સાથે શું કામ ? તારો છે તો તારી સાથે જ ખવડાવને !
માફ કરજો દોસ્તો પણ આપણે માયકાંગલી અને નમાલી પ્રજા ઉછેરી રહ્યા છીએ. બિકણ સસલી જેવી અને બ્રાન્ડની ગુલામ પેઢી કઇ રીતે ભારતને મહાસત્તા ઉપર બેસાડશે.
મારા વ્યંગ પાછળ મારી વેદનાને હદ્ય ધરજો. ફેસબુક ને ઇન્ટરનેટના અફીણીયા નશામાં ગરકાવ આ પેઢીની રક્ષા માટે ૨૦૨૦માં આપણે લશ્કર વિદેશથી તો નહીં બોલાવું પડે ને ? કારણ કે આ હાઇબ્રીડ જનરેશન પોતાનું રક્ષણ નથી કરી શકતી એ દેશનું કરશે ??? મારી જ કવિતાથી ટૂંકાવું છું.